સિંધુ જળ સંધિ (Indus Water Treaty) સ્થગિત કર્યા બાદથી ધમકીઓ આપતું પાકિસ્તાન (Pakistan) હવે ફરી ભારત (India) સાથે વાતચીત કરવાની વિનંતી કરી રહ્યું છે. ભારતીયોનું લોહી વહેવડાવવાની વાત કરતા આતંકી દેશે ફરીથી ભારતને પત્ર (letter) લખ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પાકિસ્તાને પત્ર લખીને સિંધુ જળ સંધિ પર વાતચીત કરવા માટેની વિનંતી કરી છે. જોકે, આ મામલે ભારતનું સ્પષ્ટ વલણ છે. ભારત હાલ કોઈપણ પ્રકારની વાતચીત કરવાના મૂડમાં નથી. વડાપ્રધાન મોદીએ પહેલાં પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, પાકિસ્તાન સાથે માત્ર PoK પર જ વાતચીત થશે.
ઇન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, પાકિસ્તાનના જળ સંસાધન સચિવ સૈયદ અલી મૂર્તઝાએ પત્રમાં સંધિની તે વિશિષ્ટ જોગવાઈઓ પર વાતચીત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે, જેનાથી ભારતને આપત્તિ છે. ઑપરેશન સિંદૂર પહેલાં પણ પાકિસ્તાને આ મામલે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ હવે ઑપરેશન સિંદૂર બાદ પણ પત્ર લખીને પાકિસ્તાને વાતચીત કરવાની વિનંતી કરી છે. સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને જળશક્તિ મંત્રાલયને 2 પત્રો લખ્યા છે અને ભારત સાથે વાતચીત કરવાની વિનંતી કરી છે.
શીર્ષ સરકારી સૂત્રોને ટાંકીને અહેવાલમાં કહેવાયું છે કે, ભારત હાલ આ મુદ્દા પર કોઈ વાતચીત કરવા માંગતુ નથી અને હાલ સંધિને સ્થગિત જ રાખવામાં આવશે. વધુમાં પાકિસ્તાનના પત્રોને પણ વિદેશ મંત્રાલયને મોકલી આપ્યા હોવાનું સામે આવ્યું છે. આતંકી દેશના આ પત્રો ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે, જાન્યુઆરી, 2023 અને સપ્ટેમ્બર, 2024માં ભારતે પાકિસ્તાનને 2 નોટિસ મોકલી હતી અને વાતચીત કરવાની વાત કરી હતી. તે સમયે પાકિસ્તાને વાતચીત માટે કોઈ ઈચ્છા વ્યક્ત કરી ન હતી. જે બાદ પહલગામ આતંકી હુમલા પછી ભારતે તાત્કાલિક સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી.
પાણીને ડાયવર્ટ કરવા માટે મોદી સરકારે બનાવી નહેર યોજના
આ સાથે જ સૂત્રને ટાંકીને એવું પણ કહેવાયું છે કે, મોદી સરકારે સિંધુ નદી પ્રણાલીના પાણીને ભારતના વિભિન્ન રાજ્યોમાં ડાયવર્ટ કરવા માટે નહેર બનાવવાની યોજના બનાવી છે. તેના પહેલા તબક્કામાં બ્યાસ નદીથી રાજસ્થાનના શ્રી ગંગાનગર સુધી પાણી લઈ જવા માટે 130 કિમી લાંબો ખંડ બે વર્ષમાં બનાવવાની યોજના છે. તે સિવાય બીજા તબક્કામાં 70 કિમી વધારીને તે પાણીને યમુના નદી સુધી લઈ જવાની યોજના છે. જેનાથી પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીને વધુ પાણી મળી શકશે.
આ મામલે એક અધિકારીએ જણાવ્યું છે કે, રવિ પાકના સમયગાળા દરમિયાન પાકિસ્તાન તરફના પાણીના પ્રવાહને સ્થગિત કરવાની તેના માટે પડકારો ઊભા થઈ શકે છે. અધિકારીએ વધુમાં કહ્યું કે, “જો રવિ પાકની સિઝન દરમિયાન એક મહિનાથી વધુ સમય સુધી પાણી ઉપલબ્ધ ન રહે તો પાકને નુકસાન થઈ શકે છે. પીવાના પાણીના પુરવઠા પર ગંભીર અસર થઈ શકે છે.
સરકારી સૂત્રોને ટાંકીને એવું પણ કહેવાયું છે કે, ચોમાસું પૂર્ણ થવા પર ભારત ચેનાબ, ઝેલમ અને સિંધુ નદીઓ પર પોતાના જળવિદ્યુત જળાશયોમાં ફ્લશિંગ અને ડિસિલ્ટિંગ ઑપરેશન વધારવાની યોજના ધરાવે છે, જેથી સ્ટોરેજ ક્ષમતા વધારી શકાય. આ દરમિયાન વીજળી ઉત્પાદનમાં બાધારૂપ કાંપને સાફ કરવાની કામગીરી કરવામાં આવશે. વધુમાં સરકારી સૂત્રોને ટાંકીને એવું પણ કહેવાયું છે કે, સિંધુ જળ સંધિ સ્થગિત કર્યાં બાદથી પાકિસ્તાને ભારતને 4 પત્રો લખ્યા હતા. તે તમામ પત્રોને વિદેશ મંત્રાલય મોકલી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય સુરક્ષા વિશેષાધિકારનો હવાલો આપીને ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, લોહી અને પાણી એક સાથે નહીં વહે. જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે અને તેના પર કોઈ વાતચીત નહીં થાય. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે પણ ભારત સાથે વાતચીત કરવાની વાત કરી હતી. જોકે, ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.