500 વર્ષ પછી ભગવાન શ્રીરામ લલા તેમના જન્મસ્થળ અયોધ્યામાં (Ayodhya Ram Mandir) બનેલા મંદિરમાં બિરાજમાન થયા છે. આ મંદિર હજી સુધી પૂર્ણ રીતે બનીને તૈયાર થયું નથી, મંદિર નિર્માણાધીન છે. જોકે રોજબરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે એવો ઘસ્ફોટ થયો છે કે પાકિસ્તાન રામમંદિર પર આતંકવાદી હુમલો (Terror Attack) કરાવવાની તૈયારીઓ કરી રહ્યું હતું. પરંતુ સુરક્ષા દળોએ ફરીદાબાદમાંથી સંદિગ્ધ આતંકી અબ્દુલ રહેમાનની (Abdul Raheman Arrested) ધરપકડ કરી હતી. જેણે પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે.
અબ્દુલ રહેમાનની 2 માર્ચના રોજ ગુજરાત ATS અને હરિયાણા STF દ્વારા સંયુક્ત રીતે ધરપકડ કરવામાં આવી છે. અબ્દુલ પાસેથી બે હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા છે. અબ્દુલ રહેમાન ઉત્તર પ્રદેશના અયોધ્યાના મિલ્કીપુરનો રહેવાસી છે. પરિવારમાં અબ્બા-અમ્મી ઉપરાંત ત્રણ નાની બહેનો છે. માહિતી મુજબ, અબ્દુલ રહેમાન 19 વર્ષનો છે. અબ્દુલ રહેમાને ફક્ત 10મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. તે પહેલાં ફૈઝાબાદમાં મટનની દુકાન અને રિક્ષા પણ ચલાવતો હતો.
ISI-જમાત સાથે કનેક્શન
અબ્દુલ રહેમાનના ફોનની તપાસ કરતા જાણવા મળ્યું કે તે પ્રતિબંધિત એપ્સનો ઉપયોગ કરી રહ્યો હતો. ઉપરાંત જમાત સાથે સંકળાયેલો હતો. તેના પાકિસ્તાન ગુપ્તચર એજન્સી ISI ઉપરાંત, ઇસ્લામિક સ્ટેટ – ખોરાસન પ્રાંત (ISKP) સાથે પણ સંબંધો હોવાના પુરાવા મળ્યા હતા. ઇસ્લામિક સ્ટેટ – ખોરાસન પ્રાંત એ સલાફી જેહાદી જૂથ ઇસ્લામિક સ્ટેટની પ્રાદેશિક શાખા છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેને ISI દ્વારા રામમંદિર પર હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો.
અબ્દુલ રહેમાનના ફોનમાંથી ઘણા શંકાસ્પદ વિડીયો પણ મળી આવ્યા છે, જેમાં દેશના મુખ્ય ધાર્મિક સ્થળો વિશે માહિતી હતી. હરિયાણા પોલીસના જણાવ્યા અનુસાર, ફરીદાબાદના પાલી ગામમાંથી ધરપકડ કરવામાં આવ્યા બાદ શંકાસ્પદ આતંકવાદી અબ્દુલ રહેમાન હરિયાણા STFની કસ્ટડીમાં છે. આ ઉપરાંત તેને ISIએ 2 હેન્ડ ગ્રેનેડ આપ્યા હતા જે તેણે એ ખંડેરમાં છૂપાવેલા હતા જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.
પરિવાર સાથે પણ પૂછપરછ
પોલીસના જણાવ્યા અનુસાર, કેસ હરિયાણામાં નોંધાયેલો છે, તેથી અબ્દુલ રહેમાન હરિયાણા પોલીસના કબજામાં છે. આ મામલે પોલીસે અબ્દુલના પરિવાર સાથે પણ પૂછપરછ કરી હતી. તેની અમ્મીનું કહેવું છે તેને ફસાવવામાં આવ્યો છે. એવું પણ જાણવા મળ્યું છે કે અબ્દુલને હૃદયની સમસ્યા હતી જેની સારવાર કરવામાં આવી રહી છે.
અબ્દુલ રહેમાનની અમ્મી યાસ્મીને જણાવ્યું કે અબ્દુલ રહેમાન અયોધ્યામાં જ રિક્ષા ચલાવતો હતો. એવું પણ સામે આવ્યું કે એક વાર તે જામીન સુનાવણીમાં હાજરી આપવા માટે દિલ્હી ગયો પછી લગભગ ચાર મહિના પછી ઘરે પરત આવ્યો હતો. ત્યારપછી દિલ્હીમાં એક મિત્રને મળવા જઈ રહ્યો હોવાનું કહીને ચાલ્યો ગયો. હવે તેની ધરપકડના સમાચાર આવ્યા છે. પોલીસે અબ્દુલના પરિવાર સાથે પૂછપરછ કર્યા બાદ પરિવારને છોડી મૂક્યો હતો. જોકે અબ્દુલ પોલીસ કસ્ટડીમાં છે તથા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.