Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશનાઇટ શિફ્ટ દરમિયાન બીરભૂમની હોસ્પિટલમાં નર્સની છેડતી, અબ્બાસુદ્દીનની ધરપકડ: હાવડામાં 13 વર્ષીય...

    નાઇટ શિફ્ટ દરમિયાન બીરભૂમની હોસ્પિટલમાં નર્સની છેડતી, અબ્બાસુદ્દીનની ધરપકડ: હાવડામાં 13 વર્ષીય સગીરા સાથે લેબ ટેક્નિશિયને કર્યાં અડપલાં- બંને ઘટનાઓ બંગાળની

    આ ઘટનાઓ એવા સમયે સામે આવી છે, જ્યારે કોલકાતાની RG કર હોસ્પિટલમાં એક મહિલા ટ્રેની ડોકટર સાથે રેપ અને હત્યાની ઘટનાને હજુ મહિનો પણ થયો નથી. આ કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા હતા અને મહિલા સુરક્ષાનો મુદ્દો પણ ચર્ચાયો હતો.

    - Advertisement -

    કોલકાતા રેપ-મર્ડર કેસને લઈને હજુ તો ન્યાયની માંગણી સાથે આંદોલન ચાલી રહ્યું છે અને તેવામાં ફરી એકવાર પશ્ચિમ બંગાળમાં એવી ઘટનાઓ સામે આવી છે, જેનાથી મહિલા સુરક્ષા મુદ્દે ગંભીર પ્રશ્નો સર્જાયા છે. અહીં હાવડાની એક હોસ્પિટલના CT-સ્કેન વિભાગમાં 13 વર્ષની સગીરાનું યૌન શોષણ થયું હોવાની ફરિયાદ થઈ. ઘટનાનો આરોપી અમન હાવડા હોસ્પિટલના CT-સ્કેન વિભાગનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે, તેણે હોસ્પિટલમાં જ સગીરા સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં. જ્યારે અન્ય એક ઘટનામાં બીરભૂમ જિલ્લાની એક હોસ્પિટલમાં કામ કરતી નર્સની એક પુરુષ દર્દીએ છેડતી કરી હતી.

    પ્રથમ ઘટનાની વાત કરવામાં આવે તો, પશ્ચિમ બંગાળના શિવપુરની રહેવાસી 13 વર્ષીય સગીરાને ન્યુમોનિયા થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેને 28 ઑગસ્ટના રોજ સારવાર માટે હાવડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના એક દિવસ પછી, 29 ઑગસ્ટના રોજ તેને CT સ્કેન માટે લઈ જવામાં આવી હતી. થોડી જ વારમાં તે ત્યાંથી રડતી-રડતી બહાર આવતી જોવા મળી હતી. ગભરાઈ ગયેલી પીડિતાએ અન્ય એક દર્દીના પરિવાર પાસે મદદ માંગી હતી. બાળકીની માતા હોસ્પિટલની બહાર હતી, પરંતુ ઘટનાની જાણ થતાં જ તે પણ દોડી આવી હતી.

    આ ઘટનાના સમાચાર આખી હોસ્પિટલમાં ફેલાઈ ગયા હતા અને લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો પણ ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને હોબાળો કર્યો હતો. આ પછી યુવતીના પરિવારજનો અને અન્ય સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આરોપીને પકડીને માર મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં હાવડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને ભીડથી બચાવીને કસ્ટડીમાં લઈ લીધો હતો. ત્યારબાદ પરિવારજનોની ફરિયાદ પર FIR નોંધવામાં આવી છે. હાલ ઘટનાની તપાસ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    ઘટના વિશે પૂછતાં પીડિતાએ જણાવ્યું હતું કે, આરોપીએ તેનું પેન્ટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો અને પૂછ્યું હતું કે, શું તેણે ગંદા વિડીયો જોયા છે? આ ઉપરાંત તેણે સગીરાને કિસ પણ કરી હતી. ઘટના બાદથી આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આરોપી અમન રાજની ધરપકડ કરી લેવામાં આવી છે અને ઘટનાને લઈને તેની પૂછપરછ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

    બીરભૂમમાં નર્સની છેડતી

    પશ્ચિમ બંગાળના જ બીરભૂમ સ્થિત એક હેલ્થ સેન્ટરમાં પુરુષ દર્દીએ મહિલા નર્સની છેડતી કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. દર્દીને તાવ વધુ હોવાના કારણે સ્ટ્રેચર પર હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. નર્સ તેની સારવાર કરી રહી હતી ત્યારે તેણે અડપલાં કરવાના પ્રયાસ કર્યા હતા. આરોપીની ઓળખ અબ્બાસુદ્દીન તરીકે થઈ છે, જે પકડાઈ ગયો છે.

    પોતાએ ફરિયાદમાં નર્સે આરોપી પર તેમને ખરાબ રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેણે અપશબ્દો પણ વાપર્યા હતા. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે, ‘નાઇટ શિફ્ટ દરમિયાન એક દર્દીને તાવની ફરિયાદ સાથે લાવવામાં આવ્યો હતો. ડોક્ટરોની સલાહ પર હું તેની સારવાર કરી રહી હતી ત્યારે તેણે ગેરવર્તન કર્યું. તેણે મને સ્પર્શ કર્યો અને ખરાબ ભાષા વાપરી. પૂરતી સુરક્ષા ન હોવાના કારણે અમે અહીં કામ કરવામાં અસુરક્ષા અનુભવી છીએ. દર્દી આ રીતે વ્યવહાર કઈ રીતે કરી શકે?’

    જાણવા મળ્યા અનુસાર, મામલાની જાણ પોલીસને કરવામાં આવતાં તેમણે હોસ્પિટલ પહોંચીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

    આ ઘટનાઓ એવા સમયે સામે આવી છે, જ્યારે કોલકાતાની RG કર હોસ્પિટલમાં એક મહિલા ટ્રેની ડોકટર સાથે રેપ અને હત્યાની ઘટનાને હજુ મહિનો પણ થયો નથી. આ કેસમાં પશ્ચિમ બંગાળ પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા હતા અને પછીથી કલકત્તા હાઈકોર્ટે મામલાની તપાસ કેન્દ્રીય એજન્સી CBIને સોંપી દીધી હતી. બીજી તરફ બંગાળમાં મહિલા સુરક્ષાનો મુદ્દો પણ ખૂબ ચર્ચાયો હતો. હાલ CBI કેસની વધુ તપાસ કરી રહી છે. ઘટનાના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી, હાલ તે જેલમાં બંધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં