દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમોએ મંગળવારે (3 ઓક્ટોબર, 2023) સવારે ન્યૂઝક્લિક સાથે જોડાયેલા અનેક પત્રકારોનાં ઠેકાણે દરોડા પડ્યા હતા. દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ વગેરે શહેરોમાં કુલ 30 સ્થળોએ રેડ પાડવામાં આવી. ન્યૂઝક્લિક એક ન્યૂઝ પોર્ટલ છે જેના પર ચીન પાસેથી કરોડોનું ફન્ડિંગ લીધું હોવાનો આરોપ છે. આ મામલે 17 ઓગસ્ટ, 2023ના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ UAPAની લાગુ પડતી કલમો તેમજ IPCની કલમ 153A (વિવિધ સમુદાયો વચ્ચે વૈમનસ્ય સર્જવું) અને 120B (ગુનાહિત ષડયંત્ર રચવું) હેઠળ નોંધાયો છે. તેવામાં હવે આ જ કેસને લઈને દિલ્હી પોલીસે આજે દરોડા પાડ્યા હતા. ત્યારે એ જાણવું જરૂરી છે કે આ આખા ચાઇનીઝ નેટવર્કનો ખુલાસો કઈ રીતે થયો અને કઈ રીતે પ્રોપગેન્ડા ફેલાવવામાં આવતો હતો.
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની પ્રોપગેન્ડા શાખા સાથે સંકળાયેલા અમેરિકન કરોડપતિ નેવિલ રૉય સિંઘમ ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચીનનો માત્ર પ્રચાર જ નથી કરતા પરંતુ તે વિશ્વને ચાઈના તરફ ઢાળવાનું કામ પણ કરે છે. ચીનનો પ્રચાર કરવા માટે દુનિયાભરના સમાચાર પ્રકાશકોને પૈસાની મદદ આપનાર સિંઘમે આ સંદર્ભે ન્યૂઝક્લિક નામના ન્યૂઝ પોર્ટલના એડિટર ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થને પણ નિર્દેશ આપ્યા હતા કે કયા એંગલથી પ્રોપગેન્ડા ફેલાવવાનો છે. આવા પ્રોપગેન્ડા ફેલાવવા માટે ન્યૂઝક્લિકને કરોડોનું ફન્ડિંગ મળતું હોવાનો આરોપ છે.
રિપોર્ટ્સમાં સામે આવ્યું હતું કે, ન્યૂઝક્લિક મીડિયા પોર્ટલના પુરકાયસ્થ અને સિંઘમ વચ્ચે ઇમેઇલ પર વાતચીત થઈ હતી કે ભારત-ચીન વિવાદને લઈને સમાચારમાં કઈ રીતે રિપોર્ટિંગ કરવું. આ સિવાય પણ ચીન સાથે જોડાયેલા અન્ય સમાચાર ભારતમાં કેવી રીતે બતાવવા અને પ્રકાશિત કરવા તે અંગે પણ બંને વચ્ચે ચર્ચા થઈ હતી. ‘ટાઈમ્સ નાઉ’એ ઓગસ્ટમાં પ્રકાશિત કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે તેમાંના કેટલાક ઇમેઇલને એક્સેસ કર્યા છે જે બંને જણાએ એકબીજાને મોકલ્યા હતા.
વાસ્તવમાં ચીનના ઈશારે ભારત વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવનાર વામપંથી મીડિયા પોર્ટલ ન્યૂઝક્લિકનો ચીની કનેક્શનનો ખુલાસો ન્યુયોર્ક ટાઈમ્સે પોતાના એક રિપોર્ટમાં કર્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ન્યૂઝક્લિક મીડિયા પોર્ટલને ભારત વિરોધી પ્રોપગેન્ડા ચલાવવા માટે ચીન દ્વારા ફન્ડિંગ આપવામાં આવે છે અને ભારતના અનેક પત્રકારો સહિતના લોકો આમાં સામેલ છે.
ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીપી)ના ઈશારે કામ કરતા અમેરિકી કરોડપતિ નેવિલ રૉય સિંઘમ અને વિવાદાસ્પદ વામપંથી મીડિયા પોર્ટલ ન્યૂઝક્લિકની ભારતમાં ચીનના પરિપ્રેક્ષ્યને પ્રોત્સાહન આપવા માટે વાતચીત થઈ હતી. 6 જાન્યુઆરી, 2021ના રોજ સાંજે 5:09 વાગ્યે સિંઘમે ન્યૂઝક્લિકના એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થ સહિત અનેક વ્યક્તિઓને એક ઇમેઇલ મોકલ્યો હતો.
તેમાંના એક ઇમેઇલમાં લખ્યું હતું કે, “મને લાગે છે કે ભારત-ચીન સરહદ વિવાદ મુદ્દાઓ પર ચર્ચા કરતી વખતે આપણે ભારત અને ચીનની વચ્ચે (ભૂતાનની ડાબી બાજુએ) ડોટેડ લાઈન ચૂકી ગયા છીએ.” તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “સ્પષ્ટપણે ચીન અને ભારતે પોતાના દેશોમાં બે નકશા રાખવા પડશે.”
વાસ્તવમાં ચાઈના પોતાના નકશામાં અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ દર્શાવે છે. આ સિવાય તે કેટલીક વાર ભારતના આ ભૂભાગને ‘તથાકથિત અરુણાચલ પ્રદેશ’ તરીકે પણ ઓળખાવે છે. ચીન ભારતીય વિસ્તાર પર આ એકપક્ષીય દાવાને રેખાંકિત કરવા અને ભારતીય ક્ષેત્રના કેટલાક ભાગો પર ભારતના સાર્વભૌમત્વને નબળું પાડવાના પ્રયાસો કરતું રહ્યું છે.
ચીનના એજન્ડાને પ્રોત્સાહન આપતા વિવાદાસ્પદ નકશાની સાથે ઇમેઇલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “આ નકશો ચીની રાજદ્વારીઓ દ્વારા બનાવવામાં આવ્યો છે જ્યાં ચીન અરુણાચલ પ્રદેશ પર દાવો કરે છે.”
દેશના રાષ્ટ્રીય હિતોનું ઉલંઘન અને અતિક્રમણ કરી અથવા તો આપણી ઘોષિત સાર્વભોમ સીમાઓ વિરુદ્ધ જતી હોવાની વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરીને આ ઈમેલ એકબીજાને મોકલવા તે ન્યૂઝક્લિક જેવા વામપંથી મીડિયા પોર્ટલોને ચાઈનાની વાતોનું પુનરાવર્તન કરવા માટે ચીનના જ નિર્દેશોનો એક ભાગ હોય તેવું લાગે છે.
અમેરિકન કરોડપતિ નેવિલ રોય સિંઘમના ઈશારે ચીનના દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવાના ન્યૂઝક્લિક સામેના આરોપો ન્યૂઝક્લિક અને સિંઘમ સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓ વચ્ચેના વ્યવહારોના ઈતિહાસ પરથી સ્પષ્ટ થાય છે. એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ન્યૂઝક્લિકને સિંંઘમ પાસેથી ગુપ્ત રીતે મોટી નાણાકીય રકમ મળી છે, જે શી જિનપિંગ સરકાર પાસેથી નાણાંના બદલામાં વિશ્વભરમાં સીસીપીની બોલી લગાવે છે.
NYTએ કર્યો ભારત સુધી ફેલાયેલા વિશાળ ચીની નેટવર્કનો ખુલાસો
આરોપ છે કે ન્યૂઝક્લિકને વિદેશી સ્ત્રોતો પાસેથી અઢળક રૂપિયા મળ્યા હતા. આ સાથે તે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ નાણાકીય ગેરરીતિઓમાં પણ સંડોવાયેલ છે. આ ન્યૂઝ પોર્ટલ પર EDના દરોડા બાદ આ બાબતો સામે આવી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના તાજેતરના ખુલાસા બાદ આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
શનિવારે (5, ઓગસ્ટે) ન્યુયોર્ક ટાઈમ્સએ એક વિસ્તૃત લેખ પ્રકાશિત કર્યો હતો. તેમાં એક અમેરિકન ઉદ્યોગપતિના ચીનની સરકાર સાથેના સંબંધો અને ન્યૂઝક્લિક નામના ભારતીય વામપંથી પ્રચાર આઉટલેટને તેમાંથી નાણાકીય સહાય મળ્યાનો ખુલાસો કર્યો હતો. આ અમેરિકન અખબાર અનુસાર, નેવિલ રૉય સિંઘમ નામનો એક કરોડપતિ ચીની પ્રચારને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં (ભારત સહિત) ઘણા સમાચાર પ્રકાશનોને ફન્ડિંગ આપી રહ્યો છે.
ન્યુયોર્ક ટાઈમ્સે લખ્યું હતું કે, “નવી દિલ્હીમાં કૉર્પોરેટ ફાઈલિંગથી ખ્યાલ આવે છે કે સિંઘમના નેટવર્કે પોતાના કવરેજને ચાઇનીઝ મુદ્દાઓ સાથે જોડનાર એક ન્યુઝ સાઈટ, ન્યૂઝક્લિકને ધિરાણ આપ્યું હતું.” અમેરિકન અખબારે તે પણ નોંધ્યું હતું કે એક વિડીયોમાં કહેવામાં આવ્યું હતું કે, “ચીનનો ઈતિહાસ શ્રમિક વર્ગને પ્રેરિત કરતો રહ્યો છે .”
ન્યૂઝક્લિકને મળ્યું કરોડો રૂપિયાનું ‘બિનહિસાબી’ વિદેશી ફન્ડિંગ
આ પહેલાં, 9 ફેબ્રુઆરી, 2021ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ન્યૂઝક્લિકના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થના ઘરે દરોડા પાડ્યા હતા. ઇડીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ન્યૂઝક્લિકને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) હેઠળ અમેરિકન કંપની પાસેથી 10 કરોડ રૂપિયા મળ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે, અમેરિકન કંપનીએ શા માટે તેમની કંપનીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા તે અંગે પુરકાયસ્થને કોઈ જાણ નહોતી. તેમણે ચોક્કસ કંપની માટે શું કામ કર્યું છે તે અંગે તે કોઈ પુરાવા આપી શક્યા નહોતા.
વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે યુએસ સ્થિત અન્ય એક કંપનીએ ન્યૂઝક્લિકને 20 કરોડ રૂપિયા આપ્યા હતા અને તેને ‘રેમિટન્સ’ તરીકે દર્શાવ્યા હતા. આ કંપનીએ પીપલ્સ ડિસ્પેચ નામના પોર્ટલ પર કન્ટેન્ટ અપલોડ કરવાના બદલામાં ન્યૂઝક્લિકને આ ચૂકવણી કરી હતી.
એટલું જ નહીં પુરકાયસ્થે મેન્ટેનન્સના નામે દોઢ કરોડ રૂપિયા લીધા હોવાનું પણ બહાર આવ્યું છે. અહીં પણ મજાની વાત એ છે કે તેમણે પોતાની ઓફિસમાં મેન્ટેનન્સ માટે નવમું પાસ ઇલેક્ટ્રિશિયન રાખ્યો હતો. તેને આપેલા રૂપિયા કોઈપણ દસ્તાવેજ વગરના હતા. આ કારણે પુરકાયસ્થ માટે આ ટ્રાન્ઝેક્શન વિશે EDને જવાબ આપવો મુશ્કેલ બની ગયો હતો.
પછીથી જુલાઈ 2021માં EDએ જણાવ્યું હતું કે ‘ન્યૂઝક્લિક‘ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસથી જાણવા મળ્યું છે કે આ મીડિયા આઉટલેટના પ્રમોટર્સેને લગભગ 38 કરોડ રૂપિયા મળ્યા, જે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની સાથે સંકળાયેલા હોય શકે છે.
મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલા એક અધિકારીએ ખુલાસો કર્યો હતો કે ન્યૂઝક્લિકનો નેવિલ રૉય સિંઘમ નામના શ્રીલંકન-ક્યુબા સ્થિત બિઝનેસમેન સાથે નાણાકીય વ્યવહાર હતો. તેણે કથિત રીતે 2018 અને 2021ની વચ્ચે વિદેશથી PPK ન્યૂઝક્લિક સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડને 38 કરોડ રૂપિયા આપ્યા હતા.
તાજેતરમાં ન્યુયોર્ક ટાઈમ્સના એક વ્યાપક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મીડિયા આઉટલેટના નાણાં પ્રવાહને શોધી કાઢનાર ED અધિકારીએ એમ પણ કહ્યું હતું કે સિંઘમ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (CPC)ની પ્રચાર શાખા સાથે જોડાયેલો છે.