નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ વિરુદ્ધ શરૂ થયેલાં આંદોલનોએ હિંસક સ્વરૂપ પકડી લેતાં દેશમાં અરાજકતાની સ્થિતિ સર્જાયા બાદ હવે સેનાએ કાઠમંડુનું નિયંત્રણ હાથમાં લઈ લીધું છે. બીજી તરફ વડા પ્રધાન કે. પી શર્મા ઓલીએ રાજીનામું ધરી દીધું છે. શહેરોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. સ્થિતિ સામાન્ય કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.
નેપાળ સરકારે 4 સપ્ટેમ્બર, 2025ના રોજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ અને એક્સ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. કારણ આપવામાં આવ્યું હતું કે આ માધ્યમોએ સરકારના અમુક નિયમોનું પાલન કર્યું ન હતું. આ નિર્ણયથી ખાસ કરીને યુવાનોમાં ભારે રોષ ફેલાયો, જેઓ આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ મનોરંજન, સમાચાર અને વ્યવસાય માટે કરે છે. આ ઉપરાંત સરકાર પર ભ્રષ્ટાચાર, નોકરીની અછત, નાણાકીય અસમાનતા અને ખરાબ શાસનના આરોપોએ વિરોધને વધુ ઉગ્ર બનાવ્યો અને પ્રદર્શનો શરૂ થઈ ગયાં.
હિંસક ઘટનાઓ અને કર્ફ્યુ
8 સપ્ટેમ્બર, 2025ના રોજ કાઠમંડુના મૈતીઘર અને નવ બાનેશ્વર વિસ્તારોમાં હજારો યુવાનો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આ પ્રદર્શન 9 સપ્ટેમ્બરે પણ ચાલુ રહ્યું. પ્રદર્શનકારીઓ સૂત્રોચ્ચાર સાથે સંસદ ભવનમાં ઘૂસી ગયા. આ દરમિયાન પોલીસે ટીયર ગેસ, વોટર કેનન, રબર બુલેટ અને કેટલાક કિસ્સાઓમાં લાઈવ ગોળીઓનો ઉપયોગ કર્યો હતો.
પ્રદર્શનકારીઓએ નેપાળના રાષ્ટ્રપતિ ભવન, સુપ્રીમ કોર્ટ અને મંત્રીઓના ઘરો ફૂંકી માર્યાં હતાં. આ પ્રદર્શન હિંસક બનતાં પોલીસે પણ કાર્યવાહી કરી જેના પરિણામે 19 લોકોનાં મોત થયાં અને કેટલાય ઘાયલ થયા છે.
પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ઓફિસે રાજધાનીના રિંગ રોડ વિસ્તારમાં અનિશ્ચિત મુદત માટે કર્ફ્યુ લાદી દીધો છે. આ ઉપરાંત પોલીસે નવ બાનેશ્વર, સિંઘા દરબાર અને અન્ય મહત્ત્વનાં સ્થળો પર બેરિકેડ્સ પાન લગાવી દીધાં હતાં, પરંતુ પ્રદર્શનકારીઓએ આ બેરિકેડ્સ તોડી નાખ્યાં હતાં અને સંસદ ભવનમાં પ્રવેશવાનો પણ પ્રયાસ કર્યો.
આર્મીનો હસ્તક્ષેપ
10 સપ્ટેમ્બર, 2025ના રોજ નેપાળ આર્મીએ રાજધાનીમાં સુરક્ષાની જવાબદારી સંભાળી લીધી. આર્મીએ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો કબજો પણ લઈ લીધો છે, જેના કારણે ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આર્મીના નિવેદનમાં જણાવાયું હતું કે “કેટલાંક જૂથો દ્વારા આ કઠિન પરિસ્થિતિનો ગેરલાભ લઈને સામાન્ય નાગરિકો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.” આર્મીએ શાંતિ જાળવવા અને રાષ્ટ્રીય એકતા માટે નાગરિકોને સહકાર આપવાની અપીલ કરી છે.
વધતી જતી હિંસા અને જનતાના દબાણને કારણે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ 9 સપ્ટેમ્બર, 2025ના રોજ રાજીનામું આપી દીધું હતું. તે પહેલાં ગૃહ મંત્રી અને અન્ય અમુક મંત્રીઓ અને સાંસદો રાજીનામાં ધરી ચૂક્યાં હતાં. ઓલીએ રાજીનામું આપતાં પહેલાં આગલા દિવસે સોશિયલ મીડિયા પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી હતી, પરંતુ આ નિર્ણયની કોઈ અસર ન થઈ.
ભારતે નેપાળમાં વધતી અશાંતિને ધ્યાને લઈને પોતાના નાગરિકોને નેપાળની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. ભારત-નેપાળ સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં બોર્ડર ચેકિંગ તીવ્ર કરવામાં આવ્યું છે. રશિયા અને અન્ય દેશોએ પણ નેપાળમાં શાંતિપૂર્ણ ઉકેલની હિમાયત કરી છે.


