Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમૌલાના મદની સહિતના ઉલેમાઓ પ્રતિનિધિમંડળ લઈને પહોંચ્યા ગૃહ મંત્રી અમિત શાહ સાથે...

    મૌલાના મદની સહિતના ઉલેમાઓ પ્રતિનિધિમંડળ લઈને પહોંચ્યા ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠક કરવા: રામનવમી હિંસા, UCC, CAA સહિતના મુદ્દા પર થઈ ચર્ચા

    અમિત શાહે મોબ લિંચિંગના મામલાઓ પર ખાતરી આપતાં કહ્યું કે, "જો કોઈ રાજ્યમાં કાર્યવાહીના અભાવની રાવ છે, તો તે કેસોની યાદી મોકલો. આવા કેસોની તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે."

    - Advertisement -

    મુસ્લિમ સમાજ અને કેન્દ્ર સરકાર વચ્ચેના ભ્રમ દૂર કરવાને લઈને મોટી પહેલ કરવામાં આવી છે. મંગળવાર (4 એપ્રિલ) રાત્રે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુસ્લિમ નેતાઓના પ્રતિનિધિમંડળને મળ્યા હતા. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદની, સેક્રેટરી નિયાઝ ફારૂકી અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યો કમલ ફારૂકી અને પ્રોફેસર અખ્તારુલ વાસેએ કર્યું હતું.

    નોંધનીય છે કે મુસ્લિમ ઉલેમાઓ એવા સમયે ગૃહમંત્રીને મળ્યા છે જ્યારે તાજેતરના દિવસોમાં રામ નવમી દરમિયાન દેશમાં ઘણી જગ્યાએ હિંસાની ઘટનાઓ જોવા મળી રહી છે.

    અમિત શાહ અને મુસ્લિમ નેતાઓ વચ્ચે 14 મુદ્દાઓ પર થઈ ચર્ચા

    એક અહેવાલ મુજબ, ગૃહ મંત્રીના નિવાસસ્થાને લગભગ દોઢ કલાક આ બેઠક ચાલી હતી. અમિત શાહ મુસ્લિમ નેતાઓના પ્રતિનિધિમંડળને મળ્યા એ દરમિયાન 14 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર તરફથી ઘણા મુદ્દાઓ અંગે મુસ્લિમ સમુદાયની મૂંઝવણ દૂર કરવામાં આવી છે. ઘણા મુદ્દાઓ એવા હતા જેના પર કાર્યવાહી કરવાનું અમિત શાહે આશ્વાસન આપ્યું છે.

    - Advertisement -

    આ બેઠકમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન દેશના અનેક ભાગોમાં થયેલી હિંસા, હરિયાણા સહિતના રાજ્યોમાં મોબ લિંચિંગની ઘટનાઓ અને કર્ણાટકમાં મુસ્લિમ આરક્ષણની નાબૂદી વગેરે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

    આ ઉપરાંત, યુનિફોર્મ સિવિલ કોડ, સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA), સેમ જેન્ડર મેરેજ સહિતના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તો કાશ્મીરમાં કલમ-370 હટાવવાનો મુદ્દો પણ આ બેઠકમાં ચર્ચાયો હતો. આ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો કે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ પર વિગતવાર બેઠક યોજવામાં આવશે.

    કેન્દ્રીય મંત્રીએ કર્ણાટકમાં મુસ્લિમ આરક્ષણને લઈને મુસ્લિમ સમુદાયની મૂંઝવણ દૂર કરી. આ ઉપરાંત, મદરેસામાં આધુનિક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. અમિત શાહે મોબ લિંચિંગના મામલાઓ પર ખાતરી આપતાં કહ્યું કે, “જો કોઈ રાજ્યમાં કાર્યવાહીના અભાવની રાવ છે, તો તે કેસોની યાદી મોકલો. આવા કેસોની તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.”

    RSSના વડા મોહન ભાગવતે પણ મુસ્લિમ ઉલેમાઓ સાથે કરી હતી બેઠક

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત પણ જાણીતા મુસ્લિમ ઉલેમાઓ સાથે દિલ્હીમાં બેઠક કરી ચૂક્યા છે. તાજેતરમાં ભાજપે યુપીમાં તેના ક્વોટામાંથી વિધાન પરિષદના સભ્ય માટે એએમયુના વીસીને નામાંકિત કર્યા છે. બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર યુપી ઇલેક્શનમાં મુસ્લિમોને પણ મોટા પાયે ટિકિટ આપવામાં આવનાર છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં