પશ્ચિમ બંગાળના (West Bengal) મુર્શિદાબાદમાં (Murshidabad) વક્ફ કાયદાના વિરોધની આડમાં હિંદુવિરોધી હિંસા (Anti-Hindu violence) આચરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટે એક તપાસ કમિટી પણ બનાવી હતી. જે બાદ હવે કમિટીએ તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપ્યો છે. કલકત્તા હાઇકોર્ટ દ્વારા ગઠિત આ તપાસ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, મુર્શિદાબાદ હિંસા દરમિયાન મમતા બેનર્જીની સત્તાધારી પાર્ટી TMCના સ્થાનિક નેતાઓની મુખ્ય ભૂમિકા હતી. આ સાથે જ બંગાળ પોલીસ પણ નિષ્ક્રિય રહી હતી અને હિંસામાં માત્ર હિંદુઓને ટાર્ગેટ કરાયા હતા.
આ હિંસા વક્ફ સુધારા બિલ પસાર થવા દરમિયાન શરૂ થઈ હતી, જેમાં હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યારે પીડિતોએ પોલીસને મદદ માટે ફોન કર્યો, ત્યારે પોલીસે કોઈ જવાબ આપ્યો નહીં અને સંપૂર્ણપણે નિષ્ક્રિય રહી હતી. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, સ્થાનિક TMC નેતાઓ પણ આ હિંસામાં સામેલ હતા. આ ઉપરાંત જીવ બચાવીને અન્ય સ્થળોએ ભાગેલા હિંદુઓને પણ પોલીસે પરત મોકલી દીધા હતા.
સ્થાનિક TMC ધારાસભ્યના આવ્યા બાદ મકાનો સળગાવાયાં
રિપોર્ટ અનુસાર, હિંસાના પરિણામે વ્યાપક આગચંપી અને લૂંટફાટ થઈ હતી. દુકાનો અને મોલનો નાશ કરવામાં આવ્યો હતો. તપાસ કમિટીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, “આ હુમલા સ્થાનિક TMC નેતા મહેબૂબ આલમના કહેવાથી થયા હતા. સ્થાનિક પોલીસ ગેરહાજર રહી અને કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.”
રિપોર્ટ મુજબ, મુખ્ય હુમલો શુક્રવારે (11 એપ્રિલ, 2025) બપોરે 2:30 વાગ્યા પછી થયો હતો. કહેવામાં આવ્યું છે કે, “પૂર્વ કાઉન્સિલર મહેબૂબ આલમ હુમલાખોરો સાથે અહીં આવ્યો હતો. તેની સાથે સમસેરગંજ, હિજલતલા, શિઉલીતલા અને ડિગરીના નકાબ પહેરેલા મુસ્લિમો પણ હતા. તેમણે હુમલો કરીને બધે આગ ચાંપી દીધી હતી. આ પછી ધારાસભ્ય અમીરુલ ઇસ્લામે આવીને જોયું કે કયાં ઘરો હજુ સુધી નથી સળગ્યાં. ત્યારબાદ હુમલાખોરોએ તે ઘરોમાં પણ આગ લગાવી દીધી હતી.”
પોલીસ પ્રશાસને ન આપી પ્રતિક્રિયા
હિંસાથી પ્રભાવિત બેટબોના ગામના લોકોએ પોલીસને ફોન કર્યો, પરંતુ પશ્ચિમ બંગાળ પોલીસે કોઈ જવાબ આપ્યો નહીં. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્થાનિક ધારાસભ્ય અમીરુલ ઇસ્લામ ત્યાં હાજર હતા પરંતુ તેમણે હિંસા રોકવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. તેઓ હિંસાને જોતાં રહ્યા અને ત્યાંથી નીકળી ગયા હતા. પછી બીજા દિવસે પણ હિંસા ભડકી ઉઠી.
ગ્રામજનો પર હિંસા આચર્યા બાદ હુમલાખોરોએ પાણીની પાઇપલાઇન પણ કાપી નાખી હતી. જેથી તેઓ તેમના ઘરોમાં લાગેલી આગ પણ ઓલવી ન શક્યા. આ બેટબોના ગામમાં 113 ઘરોને સૌથી વધુ અસર થઈ હતી. આ ઘરોને એટલું બધું નુકસાન થયું છે કે તે હવે રહેવા યોગ્ય રહ્યા નથી. તેને સંપૂર્ણપણે ફરીથી બનાવવા પડશે. ગામની મહિલાઓ ડરના કારણે તેમના સંબંધીઓ પાસે રહેવા મજબૂર છે.
મુર્શિદાબાદ હિંસાના બીજા દિવસે શનિવારે (12 એપ્રિલ, 2025) એક હિંદુ પિતા અને પુત્રની તેમના મુસ્લિમ પાડોશીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ થયેલી હિંસામાં આ વિસ્તારની દુકાનો અને બજારો સંપૂર્ણપણે નાશ પામ્યાં હતાં. કરિયાણાની દુકાનો, હાર્ડવેરની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સ અને કપડાંની દુકાનો નાશ પામી હતી. મંદિરો પણ બાકાત રહ્યાં ન હતાં. આ બધું સ્થાનિક પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર બન્યું હતું.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઘોષપરામાં (મુર્શિદાબાદનો એક વિસ્તાર) 29 દુકાનો સળગાવી દેવામાં આવી હતી અથવા તો તેમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન શોપિંગ મોલ જેવા બજારમાં પણ લૂંટ ચલાવવામાં આવી હતી. તપાસ કમિટીમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને ન્યાયિક સેવાના સભ્યોનો સમાવેશ થતો હતો. આ સમિતિએ હિંસાથી પ્રભાવિત ગામડાઓની મુલાકાત લીધી હતી અને હિંસાના પીડિતો સાથે વાત કરી હતી. ત્યારબાદ આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જે મંગળવારે (20 મે) હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.