મુંબઈની ધારાવી ખાતે (Mumbai Dhravi) આવેલી મહેબૂબ-એ-સુભાનિયા (Maheboob-e-Subhaniya) મસ્જિદનો (Mosque) વિવાદિત ભાગ તોડી પડાયો હતો. મસ્જિદ કમિટીના લોકોએ પોતે જ ગેરકાયદે હિસ્સાને તોડી પાડ્યો હતો. આ અંગે ગત શનિવારે (21 સપ્ટેમ્બરે) હોબાળો થયો હતો. તોડવાની કાર્યવાહી કરવા પહોંચેલા BMC વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે સરકારી કામમાં અવરોધ, તોફાન અને સરકારી મિલકતને નુકસાન કરવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
આ અગાઉ ધારાવી ખાતે મહેબૂબ-એ-સુભાનિયા મસ્જિદ ખાતે ખૂબ મોટો હંગામો થયો હતો. આ હંગામા દરમિયાન ત્યાં રહેતા લોકોએ હોબાળો મચાવી દીધો હતો. આ બાદ મસ્જિદ કમિટીએ સાત દિવસનો સમય માંગ્યો હતો અને ગેરકાયદેસર ભાગ તોડી પાડવાની ખાતરી આપી હતી. ત્યારપછી સોમવારે (30 સપ્ટેમ્બરે) વહેલી સવારે મસ્જિદ કમિટી દ્વારા મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડી પાડવાની શરૂઆત થઇ ગઈ હતી. મસ્જિદની ઉપર મિનારનો 30 ફૂટનો ભાગ ગેરકાયદે હતો, જેના પર લીલો પડદો લગાવીને લાકડા ગોઠવીને તોડી પડાયો હતો.
ઉલ્લેખનીય છે કે આ ગેરકાયદે માળખાને તોડી પાડવાની સમયમર્યાદા 30 સપ્ટેબરે જ પૂરી થઇ હતી. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ગેરકાયદેસર ભાગોમાંથી, 30-ફૂટના ગુંબજને તોડી પાડવામાં આવશે, જે બાદ મસ્જિદની આસપાસના દુકાનો સહિતના ગેરકાયદેસર ભાગોને દૂર કરવામાં આવશે. આ કાર્યવાહી ચુસ્ત પોલીસ દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે.”
શું છે સમગ્ર મામલો?
21 સપ્ટેમ્બરે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનની (BMC) ટીમ પોલીસ દળ સાથે સુભાનિયા મસ્જિદના ગેરકાયદે ભાગને તોડવા પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિકોએ પોલીસ અને સરકારી કામમાં ખલેલ ઉભી કરતા હોબાળો થયો હતો. સ્થાનિક મુસ્લિમોએ એવો દાવો કર્યો હતો કે આ મસ્જિદ 25 વર્ષ જૂની છે. મુસ્લિમ સમુદાયના લોકોએ જણાવ્યું કે જે સમયે મસ્જિદ બનાવવામાં આવી હતી તે સમયે સમુદાયના લોકોની સંખ્યા ઓછી હતી. જેમ જેમ વસ્તી વધી અને નમાજ કરનારાઓની સંખ્યા વધતી ગઈ તેમ તેમ મસ્જિદનો બીજો માળ બનાવવામાં આવ્યો.
જ્યારે BMCની ટીમ મસ્જિદના ગેરકાયદે ભાગને તોડવા પહોંચી ત્યારે સ્થાનિક મુસ્લિમોએ તેનો વિરોધ કરતા સ્થિતિ તંગ બની હતી. ત્યારે મસ્જિદ પ્રબંધન સાથે સંકળાયેલા લોકોએ BMC અધિકારીઓ સાથે વાત કરી, તેઓએ અતિક્રમણ કરેલા ભાગને હટાવવા માટે ચારથી પાંચ દિવસનો સમય માંગ્યો, જેના પર અધિકારીઓ સંમત થયા હતા. તથા 30 સપ્ટેમ્બરે આ સમયાવધિ પૂર્ણ થતા મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડી પાડવામાં આવ્યો હતો.