ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલ (Sambhal) ખાતે થયેલી હિંસાના પડઘા શમી નથી રહ્યા. એક પછી એક આરોપીઓના ઝડપાવવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. ત્યારે હવે આ મામલે વધુ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં એક આરોપી મુલ્લા અફરોઝ પણ છે, જેની પિસ્તોલથી હિંસામાં હત્યા થઈ હતી. આરોપ છે કે, સંભલ હિંસામાં હત્યા કરનાર મુલ્લા અફરોઝની લિંક શારિક ગેંગ સાથે છે અને તેના તાર દાઉદ સાથે પણ જોડાયેલા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સંભલ હિંસા સમયે મૃતકો પૈકીના બિલાલ અને આયાનની હત્યા મુલ્લા અફરોઝે કરી હતી, આ હત્યા 32 બોરની પિસ્તોલથી કરવામાં આવી હતી. જે બાદમાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. અફરોઝે પૂછપરછમાં જણાવ્યું હતું કે ,હિંસા પાછળ શારિક સાટા શામેલ હતો અને તેણે જ તેને હથિયાર આપ્યું હતું. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ધારાધોરણો અનુસાર કાર્યવાહી શરૂ કરી છે.
10-20 લોકો અને પોલીસની હત્યા કરવાનો હતો કારસો
આ મામલે અમર ઉજાલાએ આપેલા અહેવાલ અનુસાર, સાટાએ આ આખી હિંસાનું કાવતરું ઘડ્યું હોવાનું અફરોઝે કબૂલ્યું છે. શાહી જામા મસ્જિદના સર્વેક્ષણ દરમિયાન ટોળું ભેગું કરીને ટોળાના 10-20 સામાન્ય લોકો અને પોલીસકર્મીઓની હત્યા કરવાના નિર્દેશ તેમને આપવામાં આવ્યા હતા. આ ગેંગ ઈચ્છતી હતી કે, હિંસા એ હદે ભભૂકે કે શહેરમાં ઓછામાં ઓછું એક મહિના માટે કર્ફ્યૂ લાગી જાય.
અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ માટે સાટાએ મુલ્લા અફરોઝ સહિતના કેટલાક લોકોને હથિયાર પણ આપ્યા હતા. જોકે, પોલીસ કાર્યવાહી સામે તેમનો મનસૂબો પાર નહોતો પડ્યો. જોકે, મુલ્લાએ તેમ છતાં ગોળીઓ ચલાવી અને તેની ગોળીથી આયાન અને બિલાલની મોત નીપજી હતી. આ મામલે ASPએ જણાવ્યું હતું કે, મુલ્લાએ અન્ય કેટલાક આરોપીઓના નામ પણ આપ્યા છે અને તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આરોપી પાસેથી પોલીસને તે કારતૂસ પણ મળી આવ્યા હતા, જે હિંસાના દિવસે પોલીસકર્મીઓ પાસેથી લૂંટવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સંભલમાં 24 નવેમ્બર 2024ના રોજ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા જામા મસ્જિદનું સર્વેક્ષણ કરવા પહોંચેલી ટીમ અને પોલીસ વિરુદ્ધ આચરવામાં આવી હતી. પથ્થરમારો, આગચંપી, હથિયારોની લૂંટ અને હત્યાને આ હિંસા દરમિયાન અંજામ આપવામાં આવ્યા. આ હિંસાના કેસમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયા ઉર રહેમાન બર્કને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.