ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદને લઈને ચાલતા વિવાદ વચ્ચે એક પછી એક પૌરાણિક સ્થાનો અને ઐતિહાસિક બાંધકામો મળી રહ્યાં છે. આ જ ક્રમમાં હવે એક કૂવો મળી આવ્યો છે, જેની સાથે માન્યતાઓ જોડાયેલી છે. ‘મૃત્યુ કૂપ’ નામથી ઓળખાતા આ કૂવાની બાજુમાં એક મંદિર પણ હતું તેવું જણાવવામાં આવી રહ્યું છે. હાલ સ્થાનિક પ્રશાસને ખોદકામ શરૂ કર્યું છે.
આ ‘મૃત્યુ કૂપ’ના જળથી સ્નાન કરવા પર મોક્ષની પ્રાપ્તિ થાય એવી માન્યતાઓ હતી. જે સરથલ ચોકી પાસેથી આ પ્રાચીન કૂવો મળી આવ્યો, ત્યાંથી શાહી જામા મસ્જિદ માત્ર 150 મીટર જ દૂર છે. નગરપાલિકાની ટીમ કૂવાનું ખોદકામ કરી રહી છે.
STORY | Excavation of 'Mrityu Kup' begins in UP's #Sambhal
— Press Trust of India (@PTI_News) December 26, 2024
READ: https://t.co/At4Xy5DcpE pic.twitter.com/PHN9aud2j9
સ્થાનિકોનો દાવો છે કે આ કૂવાની બાજુમાં જ એક પૌરાણિક મંદિર પણ હતું, જે વિલુપ્ત થઈ ચૂક્યું છે, પરંતુ ખોદકામ કરવામાં આવે તો મળી આવશે.
ખોદકામ શરૂ થયા બાદ સ્થાનિક કોર્પોરેટર ગગન વાર્ષ્ણેય પણ સ્થળ પર પહોંચ્યા હતા, જેમણે જણાવ્યું કે, આ એક પ્રાચીન અને પવિત્ર સ્થળ છે. કૂવો ખૂબ પ્રખ્યાત હતો અને તેના જીર્ણોદ્ધારથી અમારી આસ્થા મજબૂત બનશે. જિલ્લા તંત્ર ખૂબ સહકાર આપી રહ્યું છે અને ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતાં સ્થળોનો પુનઃ વિકાસ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સંભલમાં કુલ 68 તીર્થસ્થળો અને 19 કૂપો ઉપરાંત અન્ય ઐતિહાસિક ધરોહરોનો ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં પણ જોવા મળે છે. પરતું સમય સાથે જેમ ડેમોગ્રાફી બદલાઈ તેમ આ બધું વિલુપ્ત થવા માંડ્યું હતું. તાજેતરમાં સંભલ મસ્જિદના વિવાદ બાદ જિલ્લા તંત્રે આ ધરોહરોને પુનર્જીવિત કરવાનું કામ ઉપાડી લીધું છે. આ જ ક્રમમાં એક પછી એક ઐતિહાસિક બાંધકામોને ચિહ્નિત કરવામાં આવી રહ્યાં છે.
સ્થાનિક હિંદુઓનું માનવું છે કે જો સંભલનાં આ તમામ તીર્થસ્થળોનો જીર્ણોદ્ધાર કરવામાં આવે તો તીર્થનગરી તરીકે શહેર ફરી એક વખત દેશ-દુનિયામાં જાણીતું બનશે.
એ પણ ઉલ્લેખનીય છે કે ગત નવેમ્બરમાં કોર્ટના આદેશથી સરવેની ટીમ જામા મસ્જિદનો સરવે કરવા પહોંચી ત્યારે મુસ્લિમ ટોળાંએ અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો. જે મામલે એક તરફ કાર્યવાહી ચાલી રહી છે તો બીજી તરફ શહેરમાં દબાણ હટાવો અભિયાન પણ પૂરજોશથી ચાલી રહ્યું છે. આ જ અભિયાન દરમિયાન થોડા દિવસ પહેલાં એક પ્રાચીન મંદિર મળી આવ્યું હતું. ત્યારબાદ અન્ય અનેક પ્રાચીન મંદિરો અને વાવ જેવાં ઐતિહાસિક બાંધકામ પણ મળી આવ્યાં હતાં.