Sunday, October 6, 2024
More
    હોમપેજદેશ‘વન નેશન-વન ઈલેકશન’ આ જ ટર્મમાં બનશે હકીકત: મીડિયા અહેવાલોમાં દાવો- મોદી...

    ‘વન નેશન-વન ઈલેકશન’ આ જ ટર્મમાં બનશે હકીકત: મીડિયા અહેવાલોમાં દાવો- મોદી સરકાર 2029 પહેલાં કરશે લાગુ

    દેશમાં ‘એક દેશ-એક ચૂંટણી’ લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિ પણ બનાવી હતી. આ સમિતિએ ગત માર્ચ મહિનામાં જ પોતાનો વિસ્તૃત રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો હતો. 

    - Advertisement -

    નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકાર આ જ ટર્મમાં ‘વન નેશન-વન ઈલેક્શન’ લાગુ કરશે. આ બાબત મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવી રહી છે. સરકાર આ જ ટર્મમાં આ નવો નિયમ લાગુ કરવાની વિચારણા કરી રહી હોવાનું રિપોર્ટ્સ જણાવી રહ્યા છે. જોકે, સત્તાવાર રીતે આ બાબતે કોઇ જાણકારી સામે આવી નથી. 

    ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને રવિવારે (15 સપ્ટેમ્બર) આ જાણકારી આપી હતી. જે રિપોર્ટ અનુસાર, સરકાર ‘વન નેશન-વન ઈલેક્શન’ માટે હવે વધુ ટર્મની રાહ નહીં જુએ અને વર્તમાન કાર્યકાળમાં જ તેને અસ્તિત્વમાં લાવવામાં આવશે. 

    મોદી સરકારના કેન્દ્રમાં 100 દિવસ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે જ આ રિપોર્ટ સામે આવ્યો છે. 10 જૂન, 2024ના રોજ નવી સરકારે શપથ ગ્રહણ કર્યા હતા. જો દિવસો પ્રમાણે ગણતરી કરવામાં આવે તો 16 સપ્ટેમ્બર (સોમવાર)ના રોજ સરકારના 100 દિવસ પૂર્ણ થાય છે. તેની બરાબર પહેલાં આ જાણકારી સામે આવી છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે 15 ઑગસ્ટ, 2024ના રોજ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સંબોધનમાં પણ વડાપ્રધાન મોદીએ ‘વન નેશન-વન ઈલેકશન’ની વાત કહી હતી અને કહ્યું હતું કે, છાશવારે ચૂંટણીઓ યોજાવાના કારણે દેશની પ્રગતિ પણ રુંધાય છે. તેમણે કહ્યું હતું કે, “દેશે ‘એક દેશ-એક ચૂંટણી’ માટે આગળ આવવું જ પડશે.” 

    નોંધવું રહ્યું કે વડાપ્રધાન મોદી અગાઉ પણ ઘણી વખત કહી ચૂક્યા છે કે તેમનો ત્રીજો કાર્યકાળ કેટલાક મોટા નિર્ણયનો રહેશે. ઉપરાંત, ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી અગાઉના પોતાના ઘોષણાપત્રમાં પણ ‘એક દેશ-એક ચૂંટણી’ લાગુ કરવાની વાત કહી હતી. 

    પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની અધ્યક્ષતામાં બની હતી સમિતિ, માર્ચમાં રાષ્ટ્રપતિને સોંપ્યો હતો રિપોર્ટ

    દેશમાં ‘એક દેશ-એક ચૂંટણી’ લાગુ કરવા માટે કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિ પણ બનાવી હતી, જેના સભ્ય ગૃહમંત્રી અમિત શાહ પણ હતા. આ સમિતિએ ગત માર્ચ મહિનામાં જ પોતાનો વિસ્તૃત રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો હતો. 

    તમામ પાર્ટીઓ અને હિતધારકો સાથે ચર્ચા-વિચારણા કરીને આ સમિતિએ કઈ રીતે ‘એક દેશ-એક ચૂંટણી’ લાગુ કરી શકાય તેની વાત કહી હતી. 18 હજાર પાનાંના આ રિપોર્ટમાં ‘એક દેશ, એક ચૂંટણી’ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને અંતે અમુક ભલામણો કરવામાં આવી છે. જો રિપોર્ટ સરકાર સ્વીકારી લે તો સંસદમાં એક બિલ રજૂ કરવું પડશે અને પસાર કરીને બંધારણમાં સુધારો કરવામાં આવશે. સંસદ જ નક્કી કરશે કે તેને ક્યારે અધિસૂચિત કરવું. 

    આ સમિતિની રચના 2 સપ્ટેમ્બર, 2023ના રોજ કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ તેના અધ્યક્ષ છે. બાકીના સભ્યોમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભામાં પૂર્વ વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ, ફાયનાન્સ કમિશનના પૂર્વ ચેરમેન એન.કે સિંઘ, લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ સુભાષ કશ્યપ, વરિષ્ઠ વકીલ હરીશ સાલવે વગેરે તેના સભ્યો છે. કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ આમંત્રિત સદસ્ય છે. લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીને પણ સભ્ય નીમવામાં આવ્યા હતા, પરંતુ તેમણે રાજીનામું આપી દીધું હતું. સમિતિએ કુલ 65 બેઠકો કરીને વિવિધ રાજકીય પાર્ટીઓ સહિત અનેક હિતધારકો, નિષ્ણાતોના મત લઈને, ચર્ચા-વિચારણાને અંતે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જે રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો હતો. 

    સમિતિમાં શું ભલામણો કરવામાં આવી છે અને આ ફોર્મ્યુલા કઈ રીતે કામ કરશે, તે સરળ શબ્દોમાં વિગતવાર અહીંથી વાંચી શકાશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં