બાંગ્લાદેશના (Bangladesh) સિરાજગંજ જિલ્લામાં સ્થિત નોબેલ પુરસ્કાર વિજેતા અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીતના રચયિતા રવિન્દ્રનાથ ટાગોરના (Rabindranath Tagore) પૈતૃક નિવાસસ્થાન ‘કછેરીબારી’ (Kachharibari) પર તાજેતરમાં ઇસ્લામિક ભીડે હુમલો કર્યો હતો. આ ઘટના પાર્કિંગના વિવાદને લઈને બની હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે આ ઐતિહાસિક સ્થળને નુકસાન થયું છે. આ ઘટનાએ બાંગ્લાદેશ અને ભારતમાં વ્યાપક ચર્ચા જગાવી છે, કારણ કે ટાગોરનું આ ઘર માત્ર સાંસ્કૃતિક વારસો જ નથી, પરંતુ બંગાળી સાહિત્ય અને ઈતિહાસનું પણ એક મહત્વનું પ્રતીક છે.
8 જૂનના રોજ એક મુલાકાતી તેના પરિવાર સાથે સિરાજગંજ જિલ્લાના કછેરીબારી ગયો હતો. આ જગ્યા ‘રવિન્દ્ર કછેરીબારી’અથવા ‘રવિન્દ્ર સ્મારક સંગ્રહાલય’ તરીકે પણ ઓળખાય છે. અહેવાલ અનુસાર, મોટરસાયકલ પાર્કિંગ ફી અંગે પ્રવેશદ્વાર પરના એક કર્મચારી સાથે તેનો ઝઘડો થયો હતો. આ પછી, મુલાકાતીને કથિત રીતે ઓફિસરૂમમાં બંધ કરી દેવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો.
ઘટનાથી ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ 10 જૂને માનવ સાંકળ બનાવીને વિરોધ કર્યો હતો. બાદમાં, ટોળાએ કછેરીબારી ઓડિટોરિયમ પર હુમલો કર્યો, તોડફોડ કરી અને સંસ્થાના ડિરેક્ટરને માર માર્યો. ટાગોરના આ ઘરમાં તેમની યાદગાર વસ્તુઓ, પુસ્તકો અને અન્ય સાંસ્કૃતિક વસ્તુઓનો સંગ્રહ છે, જે આ હુમલામાં નુકસાન પામ્યો હોવાનું જણાવાયું છે. હુમલા દરમિયાન ભીડે ઘરની બારીઓ, દરવાજા અને અન્ય માળખાકીય ભાગોને નુકસાન પહોંચાડ્યું.
🔸 Rabindranath Tagore’s ancestral house was vandalised in Sirajganj district of Bangladesh.
— Joy Das 🇧🇩 (@joydas1844417) June 11, 2025
That's how the Greatest poet of Bengal is respected by Bengali muslims. pic.twitter.com/uOa3UtVEgw
સ્થાનિક પોલીસે આ ઘટનાને ગંભીર ગણાવી છે અને તેની તપાસ શરૂ કરી છે. જોકે, હજુ સુધી આ ઘટનામાં સામેલ લોકોની ધરપકડ થઈ નથી. આ ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્રે શાહજાદપુર કછેરીબારીને અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધું છે, જેના કારણે પ્રવાસીઓ અને ટાગોરના ચાહકોમાં નિરાશા ફેલાઈ છે.
શાહજાદપુર કછેરીબારીનું મહત્વ
શાહજાદપુર કછેરીબારી એ રવિન્દ્રનાથ ટાગોરનું પૈતૃક નિવાસસ્થાન છે, જે 19મી સદીમાં ટાગોર પરિવાર દ્વારા બાંધવામાં આવ્યું હતું. આ સ્થળે ટાગોરે તેમના જીવનનો નોંધપાત્ર સમય વિતાવ્યો હતો અને અહીં તેમણે તેમની અનેક રચનાઓનું સર્જન કર્યું હતું. આ ઘર માત્ર ટાગોરની વ્યક્તિગત યાદોનું જ પ્રતીક નથી, પરંતુ તે બાંગ્લાદેશ અને ભારતના સાંસ્કૃતિક સંબંધોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. ટાગોરે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ’આમાર સોનાર બાંગ્લા’ અને ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ લખ્યું હતું, જેના કારણે તેમનું આ ઘર બંને દેશો માટે ખાસ મહત્વ ધરાવે છે.
આ સ્થળ દર વર્ષે હજારો પ્રવાસીઓ અને સાહિત્યપ્રેમીઓને આકર્ષે છે, જેઓ ટાગોરની સાહિત્યિક યાત્રા અને તેમના જીવન વિશે જાણવા માટે અહીં આવે છે. આ ઘરમાં ટાગોરની અંગત વસ્તુઓ, તેમની રચનાઓની હસ્તપ્રતો અને અન્ય ઐતિહાસિક વસ્તુઓનો સંગ્રહ છે, જે બંગાળી સાહિત્યના ઇતિહાસનો એક અમૂલ્ય ભાગ છે.
અહેવાલ અનુસાર આ ઘટના પછી, પુરાતત્વ વિભાગે હુમલાની તપાસ માટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. કછેરીબારીના સંરક્ષક મોહમ્મદ હબીબુર રહેમાને જણાવ્યું હતું કે અનિવાર્ય સંજોગોને કારણે સત્તાવાળાઓએ કછેરીબારીમાં મુલાકાતીઓના પ્રવેશને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધો છે. તપાસ સમિતિને આગામી પાંચ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે હાલમાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય સલાહકાર મહોમ્મદ યુનુસ વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનકરીઓ લોકતાંત્રિક ઢબે ચૂંટણીની માંગ કરી રહ્યા છે.