ઑલ ઇન્ડિયા ઇમામ એસોશિએશનના મૌલાના સાજિદ રશીદી (Sajid Rashidi) વિરુદ્ધ ઉત્તર પ્રદેશના લખનૌમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કારણ તેમની સમાજવાદી પાર્ટી સાંસદ અને પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવનાં પત્ની ડિમ્પલ યાદવ (Dimple Yadav) વિશેની અત્યંત આપત્તિજનક ટિપ્પણીઓ છે, જે એક લાઇવ ટીવી ડિબેટ દરમિયાન કરવામાં આવી હતી.
વિવાદનાં મૂળ અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવની તાજેતરની એક મસ્જિદની મુલાકાતમાં છે. યાદવ દંપતીએ તાજેતરમાં સંસદ ભવનની નજીક આવેલી એક મસ્જિદની મુલાકાત લીધી હતી. તેમને સમાજવાદી પાર્ટીના જ એક મુસ્લિમ સાંસદ મોહિબુલ્લાહ નદવીએ નિમંત્રણ પાઠવ્યું હતું. આ મુલાકાતની તસવીરો પણ પછીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ.
તસવીરોમાં અખિલેશ યાદવ અમુક મુસ્લિમ મૌલવીઓ અને નેતાઓ સાથે બેઠેલા જોવા મળે છે. સાથે ડિમ્પલ યાદવ અને સમાજવાદી સાંસદ ઈકરા હસન પણ હતાં. ડિમ્પલ યાદવ સાડીનાં વ્યવસ્થિત પરિધાનમાં જોવા મળે છે. પણ મૌલાના અનુસાર તેમણે મસ્જિદમાં બુરખો પહેરવો જોઈતો હતો અને આખા શરીરને ઢાંકવું જોઈતું હતું.
This is horrible. Condemnable. The Samajwadi Party should sue this ‘maulana’. I hope parliamentarians take note of this despicable comment.
— Smita Prakash (@smitaprakash) July 26, 2025
pic.twitter.com/4HcRxn5EHI
રિપબ્લિક ટીવીની એક ડિબેટમાં મૌલાના સાજિદ રશીદીએ ટિપ્પણી કરતાં કહ્યું કે, “બે મુસ્લિમ મહિલાઓ હતી. ઇકરા હસને શરીર ઢાંક્યું હતું. પરંતુ ડિમ્પલ યાદવની પીઠનો ફોટો જોઈ લો. ન% બેઠાં હતાં.”
આ ટિપ્પણી બાદ તરત એન્કરે મૌલાનાને અટકાવીને આ પ્રકારની ટિપ્પણીઓ ન કરવા માટે કહ્યું, છતાં મૌલવીએ ચાલુ રાખ્યું હતું. તેમણે પછીથી એમ પણ કહ્યું કે મસ્જિદમાં આ પ્રકારની રાજકીય મુલાકાતો ન ગોઠવવી જોઈએ.
મૌલાના કહે છે, “હું કહું છું કે ઇસ્લામિક દૃષ્ટિકોણ પ્રમાણે આ પ્રકારની રાજકીય મુલાકાતો કોઈ પણ મસ્જિદમાં પ્રતિબંધિત છે. જે રીતે મહિલાની પીઠ દેખાય રહી હતી, જે રીતે તેઓ બેઠાં હતાં, તે વાંધાજનક છે. જો મોહિબુલ્લાહ નદવીએ બેઠક કરવી જ હતી તો તેઓ ફાઈવ-સ્ટાર હોટલમાં કરી શકતા હતા. મસ્જિદમાં આ પ્રકારે બેસીને બેઠકો કરવી એ યોગ્ય નથી.”
મૌલાના સામે FIR
વિવાદ બાદ રવિવારે (27 જુલાઈ) રાત્રે લખનૌમાં મૌલાના સામે એક FIR દાખલ કરવામાં આવી. પોલીસે સાજિદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 79 (મહિલાનું અપમાન), 196 (સમુદાયો વચ્ચે વૈમનસ્ય), કલમ 299 (ધાર્મિક ભાવનાઓ ભડકાવવી), 352 (ઇરાદાપૂર્વક અપમાન) અને IT એક્ટની કલમ 67 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી હતી.
ફરિયાદ પ્રવેશ યાદવ નામની એક વ્યક્તિએ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું કે, મૌલાના સાજિદ રશીદીએ મીડિયા પ્લેટફોર્મ પર અત્યંત આપત્તિજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરી હતી, જેનાથી ન માત્ર મહિલાની ગરિમાનો ભંગ થયો છે પરંતુ ધાર્મિક અને સાંપ્રદાયિક ભાવનાઓ પણ ભડકાવવામાં આવી છે. પોલીસે આ ફરિયાદ પર સંજ્ઞાન લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.


