Sunday, May 5, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિપ્રાણપ્રતિષ્ઠા પહેલાં 'રામચરિતમાનસ'ની વધી ડિમાન્ડ: તૂટ્યો 50 વર્ષોનો રેકોર્ડ, વધુ નકલો છાપવા...

    પ્રાણપ્રતિષ્ઠા પહેલાં ‘રામચરિતમાનસ’ની વધી ડિમાન્ડ: તૂટ્યો 50 વર્ષોનો રેકોર્ડ, વધુ નકલો છાપવા છતાં ગીતા પ્રેસમાં સ્ટોક ખતમ; હિંદી બાદ સૌથી વધુ માંગ ગુજરાતીમાં

    સામાન્ય રીતે દર મહિને ગીતા પ્રેસ લગભગ 75,000 કોપી રામચરિતમાનસની છાપે છે અને હંમેશા સ્ટોક પણ વધ્યો રહે છે. પરંતુ આ સમયગાળામાં 1 લાખથી વધુ કોપી છાપવામાં આવી હોવા છતાં સ્ટોક ખતમ થઈ ગયો છે.

    - Advertisement -

    રામ મંદિર અયોધ્યામાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આખો દેશ રામમય થઈ ગયો છે. પ્રભુ શ્રીરામના જીવનવૃતાંત વિશે સૌ કોઈ જાણવા માંગે છે. આ સમયગાળા દરમિયાન ગીતા પ્રેસ ગોરખપુરની ધાર્મિક પુસ્તકોની ડિમાન્ડ પણ વધી ગઈ છે. ગીતા પ્રેસમાં ભગવાન શ્રીરામનું સમગ્ર જીવન વર્ણવતું પુસ્તક ‘રામચરિતમાનસ’ પણ પ્રકાશિત થાય છે. હાલના સમયમાં ‘રામચરિતમાનસ’ની માંગ એટલી વધી ગઈ છે કે, ગીતા પ્રેસમાં તેનો સ્ટોક જ ખતમ થઈ ગયો છે. રામચરિતમાનસની સાથે-સાથે હનુમાન ચાલીસા અને સુંદરકાંડની પણ ડિમાન્ડ વધી ગઈ છે.

    22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રીરામ બિરાજીત થવા જઈ રહ્યા છે. ત્યારે ગીતા પ્રેસ ગોરખપુર માટે આ સમયગાળો ખૂબ જ મહેનત અને કટોકટીનો છે. સાથે તેના માટે આ ખુશીનો પણ અવસર છે. કારણ કે ગીતા પ્રેસની પુસ્તક ‘રામચરિતમાનસ’ની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. સામાન્ય રીતે દર મહિને ગીતા પ્રેસ લગભગ 75,000 કોપી રામચરિતમાનસની છાપે છે અને હંમેશા સ્ટોક પણ વધ્યો રહે છે. પરંતુ આ સમયગાળામાં 1 લાખથી વધુ કોપી છાપવામાં આવી હોવા છતાં ગીતા પ્રેસમાં સ્ટોક ખતમ થઈ ગયો છે. આ સાથે જ ગીતાપ્રેસનો 50 વર્ષોનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.

    ગીતાપ્રેસમાં દર મહિને 1.5 લાખ કોપીની ડિમાન્ડ

    ગીતા પ્રેસના મેનેજર લાલમણી ત્રિપાઠીએ જણાવ્યું છે કે, “જ્યારથી રામલલાના પ્રાણપ્રતિષ્ઠાની તિથી જાહેર થઈ છે, ત્યારથી રામચરિતમાનસની માંગ વધી ગઈ છે અને તેની સાથે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાની માંગ પણ વધી છે. રામચરિતમાનસ અમે પાછલા વર્ષોમાં મહિને લગભગ 75,000ની એવરેજ સાથે આપી રહ્યા હતા. આ વર્ષે અમે લગભગ 1 લાખની આસપાસની આપૂર્તિ કરી છે. પરંતુ માંગ એટલી વધી રહી છે કે, અમારી પાસે સ્ટોક વધી રહ્યો નથી.” સાથે તેમણે કહ્યું હતું કે, તેમની અન્ય શાખાઓમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. રામચરિતમાનસની દર મહિને લગભગ 1.5 લાખ પ્રતિઓની ડિમાન્ડ થઈ રહી છે.

    - Advertisement -

    ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં રામચરિતમાનસની 3 લાખ 27 હજાર કોપીઓ છપાઈ હતી, પરંતુ તે તમામ વેચાઈ ગઈ છે. આ ત્રણ મહિનામાં હનુમાન ચાલીસાની 13 લાખ 50 હજાર પ્રત છપાઈ હતી પરંતુ તેનો સ્ટોક પણ ખતમ થઈ ગયો છે. બિહાર અને રાજસ્થાનમાંથી પણ રામચરિતમાનસની માંગ આવી રહી છે. ગીતા પ્રેસે વધુ નકલો સપ્લાય કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. ગીતા પ્રેસે ભગવાન રામ પર આધારિત લગભગ 13 કરોડ પુસ્તકો છાપ્યાં છે. લાલમણી તિવારીએ કહ્યું કે, “અમે લગભગ 75% પુસ્તકો આપવા જ સક્ષમ છીએ. ગત વર્ષની તુલનામાં આ વર્ષે અત્યાર સુધીમાં 20 કરોડથી વધુની કિંમતના પુસ્તકો વેચાયાં છે.”

    10 ભાષાઓમાં પ્રકાશિત થાય છે રામચરિતમાનસ

    વર્ષ 1923માં ગીતા પ્રેસની સ્થાપના થઈ હતી. તેમાં શ્રીમદ ભગવદ ગીતા પ્રકાશિત કરવામાં આવતી હતી. સાથે અન્ય હિંદુ ધર્મગ્રંથો પણ પ્રકાશિત થતા હતા, જે નજીવી કિંમતે લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા. વર્ષ 1939માં ગીતા પ્રેસે તુલસીદાસ રચિત રામચરિતમાનસનું પ્રકાશન કર્યું હતું. આ પુસ્તક કુલ 10 ભાષાઓમાં પ્રકાશિત થાય છે. અત્યાર સુધીમાં માત્ર હિંદીમાં જ કુલ 6 સાઈઝમાં 3,62,79,750 કોપી પ્રકાશિત થઈ ચૂકી છે. માનસ એક વિસ્તૃત પુસ્તક છે, જેમાં રામાયણના 7 કાંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માનસના અલગ-અલગ સાત કાંડની પણ બજારમાં માંગ વધી રહી છે. તેમાં સૌથી વધુ માંગ સુંદરકાંડની છે.

    રામચરિતમાનસની હિંદી બાદ સૌથી વધુ માંગ ગુજરાતીમાં (અત્યાર સુધીમાં 5.43 લાખ કોપી) છે. માનસની સાથે-સાથે વાલ્મીકિ રામાયણની માંગ પણ વધી રહી છે. પાછલા એક વર્ષમાં વાલ્મીકિ રામાયણની 94 હજાર કોપી વેચાઈ છે. નોંધનીય છે કે, શુકવારે (12 જાન્યુઆરી) ગીતા પ્રેસમાંથી 10 હજાર અયોધ્યા દર્શન પુસ્તકો, ગીતાદૈનંદિનીના 51 ગુચ્છો, 1972માં પ્રકાશિત શ્રી રામાંક અને અયોધ્યા મહાત્મયની સુધારેલી આવૃતિ કલ્યાણની વિશેષ આવૃતિઓ પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા મોકલવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં