Thursday, September 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિવાદિત માળખા જ્ઞાનવાપીના સરવે દરમિયાન મોટો ખુલાસો, હિંદુ પક્ષે કહ્યું- અમારી કલ્પનાથી...

    વિવાદિત માળખા જ્ઞાનવાપીના સરવે દરમિયાન મોટો ખુલાસો, હિંદુ પક્ષે કહ્યું- અમારી કલ્પનાથી અનેકગણું વધુ જોવા મળ્યું

    વારાણસીના જ્ઞાનવાપી વિવાદિત માળખાનો સરવે શરુ થઇ ગયો છે, જેના પહેલા દિવસ બાદ હિંદુ પક્ષે જણાવ્યું છે કે અત્યારસુધી જે માહિતી ઉપલબ્ધ હતી તેના કરતાં ઘણું વધુ જાણવા મળ્યું છે.

    - Advertisement -

    કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં આવેલા વિવાદિત માળખા જ્ઞાનવાપી અંદર સરવે કાર્ય હાલ ચાલી રહ્યું છે. સરવે ઉપરાંત વીડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મંદિરના ભોંયરાના ચાર ઓરડાઓ અને પશ્ચિમી દીવાલો પર સરવે અને વીડિયોગ્રાફીનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. આ કાર્યવાહી કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ એડવોકેટ કમિશનરની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. 

    દરમ્યાન, હિંદુ સંસ્થા ‘વિશ્વ વૈદિક સનાતન સંઘ’ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરવે અને વીડિયોગ્રાફી દરમિયાન કલ્પના કરતા અનેકગણું વધારે જોવા મળ્યું છે. સંસ્થાના અધ્યક્ષ જીતેન્દ્રસિંહ બિસેનને પૂછવામાં આવ્યું હતું કે જ્ઞાનવાપી વિવાદિત માળખા અંદર સરવે અને વીડિયોગ્રાફી દરમિયાન શું-શું જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે માત્ર તેમની જ નહીં પરંતુ તમામ લોકોની કલ્પનાથી આગળ ઘણું બધું જોવા મળ્યું છે. તેમણે જાણકારી આપતા કહ્યું કે, કેટલાંક તાળાં ખોલવામાં આવ્યાં તો કેટલાંક તોડી નાંખવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે સરવેનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે. 

    જિતેન્દ્રસિંહ બિસેને કહ્યું કે, કોર્ટના નિર્દેશ અનુસાર સરવે કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન બંને પક્ષોએ પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે તમામ બાબતો મીડિયામાં કહી શકાતી નથી. બને પક્ષોની સહમતિથી સરવેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને વકીલોએ પણ જણાવ્યું કે સરવેમાં કોઈ પણ પ્રકારની અડચણો આવી નહીં. વકીલોએ વધુમાં જણાવ્યું કે, કાર્યવાહી ચાર કલાક સુધી ચાલી હતી અને પક્ષ-પ્રતિપક્ષે પણ પૂરતો સહયોગ આપ્યો હતો તેમજ પોલીસ તંત્ર પણ ખડેપગે રહ્યું હતું. 

    - Advertisement -

    આ પહેલાં સમાચાર મળ્યા હતું કે તંત્રે મસ્જિદ સમિતિ પાસે ચાવીઓ માંગી હતી. પરંતુ તેમને ચાવી મળી ન હતી. જોકે, તંત્રે સ્પષ્ટ કર્યું હતું કે જો ચાવી નહીં મળે તો તાળાં તોડી નાંખવામાં આવશે. મુસ્લિમ પક્ષના ત્રણ ઓરડાઓમાં તાળાં લાગ્યાં હતાં, જ્યારે હિંદુ પક્ષના ઓરડામાં દરવાજા નથી, જેથી ચાવીની જરૂર પડી ન હતી.

    આ મામલે કોર્ટ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂકી છે કે કાર્યવાહીમાં અડચણો પેદા કરનારા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ સરવેનો રિપોર્ટ ગોપનીય રાખવામાં આવ્યો છે. કાર્યવાહીને લઈને કોઈ બાબત લીક કરનારા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે.  નોંધનીય છે કે રવિવારે (15 મેં, 2022) પણ સરવે અને વીડિયોગ્રાફીનું કામ ચાલુ જ રહેશે. આવતીકાલે રવિવારે સવારે આઠ વાગ્યાથી ફરી સરવે હાથ ધરવામાં આવશે. જોકે, સરવેનું કામ ક્યારે પૂર્ણ થશે તે જાણવા મળ્યું નથી.

    વિવાદિત માળખાના ભોંયરામાં ચાર ઓરડાઓ છે. જેમાંથી ત્રણ ઓરડાઓ મુસ્લિમ પક્ષના કબજા હેઠળ છે અને એક પર હિંદુ પક્ષનું નિયંત્રણ છે. સરવેની ટીમમાં કુલ 52 લોકો સામેલ છે. જેમાં કોર્ટ કમિશનરથી લઈને ડોકટરોનો પણ સમાવેશ થાય છે. તેમજ ઓરડાઓમાં ઝેરીલા સાપો હોવાના કારણે મદારીઓને પણ બોલાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ CRPF કેમ્પ નજીક જ હોવાથી તેની જરૂર પડી ન હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં