વડોદરામાં (Vadodara) એક મુસ્લિમ યુવકે એક હિંદુ સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યાની અને ત્યારબાદ ધર્માંતરણ કરીને ઇસ્લામ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હોવાની ફરિયાદ કપુરાઈ પોલીસના ચોપડે નોંધાઈ છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી અને તેના બે સાથીદારોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગતો અનુસાર, આજવા રોડ પર રહેતી યુવતી વર્ષ 2023માં રિક્ષાચાલક સોહેલ નજીમખાન પઠાણના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને મોબાઇલ નંબરની આપલે કરીને સંબંધો આગળ વધાર્યા હતા.
ફરિયાદ છે કે સોહેલ તેને લગ્ન કરવાની લાલચ આપીને ફરવા માટે લઈ જતો હતો. યુવતીએ આ બાબતની જાણ તેની માતા અને નાનીને કરતાં બંનેએ કહ્યું હતું કે, તેની ઉંમર નાની છે અને વયસ્ક થાય પછી નિર્ણય કરશે. 2023માં પીડિતાની ઉંમર 17 વર્ષ હતી તેમ જણાવવામાં આવ્યું છે.
આગળ જણાવવામાં આવ્યું કે, સોહેલ 2023માં તેને ઘરે લઈ ગયો હતો અને બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતો હતો અને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. તેને ઘરે પણ જવા ન દેતો હોવાનું પીડિતાએ નિવેદનમાં જણાવ્યું છે.
‘ફઈમ અને જુનેદ સોહેલના ઘરે લઈ ગયા, સિગરેટના ડામ આપ્યા’
ગત 17 મેની ઘટનાનો ઉલ્લેખ કરીને પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે દિવસે સોહેલના બે મિત્રો ફઇમ અને જુનેદ તેની પાસે આવ્યા હતા અને મારી નાખવાની ધમકી આપીને સોહેલના ઘરે લઈ ગયા હતા. આરોપ છે કે અહીં સોહેલે તેને માર મારીને હાથ પર સિગરેટના ડામ આપ્યા હતા. બીજા દિવસે યુવતી સોહેલના ઘરેથી ભાગી આવી હતી અને પરિવારને જાણ કરી હતી, જેમણે કપુરાઈ પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
પોલીસે આ મામલે સોહેલ અને તેના બંને મિત્રોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.