મહારાષ્ટ્રના (Maharashtra) અહિલ્યાનગર જિલ્લાના પાથર્ડી તાલુકામાં માઘી યાત્રામાં (Madhi Chi Yatra) મુસ્લિમ વેપારીઓ પર પ્રતિબંધ (Ban on Muslim Traders) મૂકતાં વિવાદ ફાટી નીકળ્યો હતો. રાજ્યભરમાં આ નિર્ણયની નિંદા થતા, BDOએ ગ્રામસભાએ પારિત કરેલ ઠરાવ રદ્દ કર્યો હતો. ત્યારે હવે રાજ્યમંત્રી અને હિંદુત્વવાદી નેતા તરીકે પ્રખ્યાત નિતેશ રાણેએ (Nitesh Rane) માધી ગામમાં ગ્રામ પંચાયતના પ્રસ્તાવને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે માધી ગામ દ્વારા લેવાયેલો નિર્ણય ઇતિહાસમાં લખાશે. ઉપરાંત તેમણે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરને ચેતવણી પણ આપી દીધી છે.
નોંધનીય છે કે માધી ગામમાં યોજાનારી કનિફનાથ યાત્રામાં (માધી, માઘી કે માઢી યાત્રા) મુસ્લિમ વેપારીઓની દુકાનો પર પ્રતિબંધ મૂકતો ઠરાવ ગ્રામસભાએ પારિત કર્યો હતો, જે BDOએ રદ્દ કરી દીધો હતો. ઉપરાંત કારણ જણાવો નોટિસ પણ જારી કરી હતી. ત્યારે હવે નિતેશ રાણેનું આ મામલે નિવેદન સામે આવ્યું છે. તેમણે ગ્રામસભાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.
BDOને આપી ચેતવણી
નિતેશ રાણે 1 માર્ચના રોજ અહિલ્યાનગરના પ્રવાસ પર હતા. આ દરમિયાન રાણેએ BDOને ચેતવણી આપતા કહ્યું હતું કે, “BDOએ યાદ રાખવું જોઈએ કે મહારાષ્ટ્રમાં હિંદુત્વની સરકાર સત્તામાં છે. માધી ગ્રામ પંચાયત દ્વારા પસાર કરાયેલા ઠરાવને BDOએ રદ્દ કર્યો હોવા છતાં, હું ગ્રામસભાને ફરીથી ઠરાવ પસાર કરવા વિનંતી કરું છું. જો બધા ગ્રામજનો ઠરાવ પર સહી કરે, તો BDO તેને કેવી રીતે નકારી શકે?”
નિતેશ રાણેએ ગ્રામસભાના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ગામમાં કટ્ટર હિંદુત્વ સમર્થકો જાગી ગયા છે. ગ્રામસભાનો નિર્ણય દેશને દિશા આપશે. જો હિંદુ ધર્મને પડકારવામાં આવશે, તો આવો નિર્ણય સમગ્ર મહારાષ્ટ્રમાં લેવામાં આવશે.”
🚨 Madhi Village Sets a Bold Precedent! 🚨
— Sanatan Prabhat (@SanatanPrabhat) March 2, 2025
🔥 "Challenge Hinduism, and Madhi's decision will echo across Maharashtra!" – Minister @NiteshNRane
📢 At the Hindu Dharma Sabha in Madhi (Ahilyanagar, Maharashtra), Rane strongly backed the Gram Panchayat’s resolution to ban Mu$l!m… pic.twitter.com/ZDTRUWLlyT
તેમણે કહ્યું હતું કે, “ઓવૈસી હોય કે અબુ આઝમી, તે બધા લીલા રંગના સાપ છે. જો આપણે તેમના ઈદ કે મોહરમ વખતે કે તેમના તહેવારો વખતે કોઈ ખલેલ પહોંચાડીશું તો તેમને ચાલશે? જ્યારે આપણે તેમના તહેવારો પર પથ્થરમારો નથી કરતા, તો એ લોકો આપણા હિંદુ તહેવારો પર ગંદકી કેમ ફેલાવે છે? આ લોકો સર્વધર્મ સૌહાર્દનું ટેપ રેકોર્ડર વગાડે છે, પરંતુ આ લોકો જ બેવડા ધોરણો રાખે છે.”
મુસ્લિમો પરંપરાઓનું ઉલ્લંઘન કરતા હોવાનો દાવો
નોંધનીય છે કે 22 ફેબ્રુઆરીએ ગ્રામસભાએ એક ઠરાવ પારિત કર્યો હતો. આ ઠરાવમાં 28 ફેબ્રુઆરીથી શરૂ થતી માઘી યાત્રામાં મુસ્લિમ વેપારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ મામલે માધી ગામના સરપંચ મરકડે જણાવ્યું હતું કે મુસ્લિમ વેપારીઓ હિંદુ સમુદાયની પરંપરાઓનું પાલન નથી કરતા તથા અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે.
कानिफनाथ भगवान की यात्रा…मुस्लिम कारोबारियों पर बैन, मंत्री नितेश राणे ने किया स्वागत #Maharashtra #NiteshRane | @TheSamirAbbas pic.twitter.com/tHHeUtrkpY
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) February 25, 2025
ઉલ્લેખનીય છે કે આ યાત્રા હોળીથી શરૂ કરીને ગુડી પડવા સુધી એટલે કે 1 મહિના સુધી ચાલતી હોય છે, જે 700 વર્ષ જૂની પરંપરા માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, ગામલોકો કડક ધાર્મિક પ્રથાઓનું પાલન કરે છે. તેઓ માંસાહારી ખોરાક, તળેલી વસ્તુઓ અને મીઠાઈઓનો ત્યાગ કરે છે. તેઓ ગાદલાનો ઉપયોગ, લગ્ન કરવાનું કે કૃષિ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું પણ ટાળે છે.
ત્યારે ગ્રામજનોનો દાવો છે કે મુસ્લિમ વેપારીઓ પ્રાણીઓની બલિ ચઢાવે છે અને માંસાહારી ખોરાક ખાય છે, જે તેમની ધાર્મિક પવિત્રતાનું ઉલ્લંઘન છે. વધુમાં, ગ્રામજનોએ યાત્રા દરમિયાન કેટલાક વેપારીઓ પર દારૂ વેચવા, જુગાર રમવા અને ચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગ્રામસભાએ મુસ્લિમ વેપારીઓના પ્રતિબંધનો ઠરાવ પસાર કર્યો હતો.