મહારાષ્ટ્રના (Maharashtra) નવનિર્વાચિત ભાજપના મંત્રી નીતેશ રાણેએ (Nitesh Rane) મોટું નિવેદન આપતા કેરળને મીની પાકિસ્તાન (Kerala Mini Pakistan) કહ્યું છે. તેમણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને તેમના બહેન પ્રિયંકા વાડ્રાને (Priyanka Vadra) ઘેરવા આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે કટ્ટરપંથી લોકોના દમ પર બંને ભાઈ બહેન કેરળતી ચૂંટણી લડે છે અને તેમના સહયોગથી જ જીતે છે. જોકે રાણેના આ નિવેદન બાદ વિવાદ સર્જાયો છે. આ પહેલા વામપંથી પાર્ટી CPIMના કેરળના મુખ્યમંત્રી અને તેમની પાર્ટીના નેતા પણ કોંગ્રેસ પર આવો જ આરોપ લગાવી ચૂક્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નીતેશ રાણેએ રવિવારે (29 નવેમ્બર 2024) પુણે ખાતે એક જનસભામાં ભાગ લીધો હતો. આ સભામાં તેમણે વિશાળ જનમેદનીને સંબોધી હતી. આ જ ભાષણમાં નીતેશ રાણેએ મોટું નિવેદન આપતા કેરળને મીની પાકિસ્તાન કહ્યું હતું. લોકોને સંબોધિત કરતા રાણેએ કહ્યું હતું કે, કેરળમાં કટ્ટરપંથીઓ અને ઉગ્રવાદીઓ જ પ્રિયંકા વાડ્રાને વોટ આપે છે. કેરળ એક મીની પાકિસ્તાન છે અને એટલે જ રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા વાડ્રા ત્યાંથી ચૂંટણીઓ જીતી રહ્યા છે.
દેશમાં હિંદુઓની ચિંતા કરવી કોઈ અપરાધ થોડી છે?: નીતેશ રાણે
તેમના આ નિવેદન બાદ વિપક્ષ અને વિરોધીઓ તેમનો વિરોધ કરી રહ્યા છે. તેમણે આ પહેલા 2 નવેમ્બરના રોજ આપેલા એક નિવેદનનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. તે સમયે મીડિયાએ તેમને સવાલ કર્યો હતો કે તેમને મુસ્લિમ સમુદાયથી કોઈ તકલીફ છે કે કેમ. તેના જવાબના તેમણે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “દેશમાં 90% વસ્તી હિંદુઓની છે. તો હિંદુઓની ચિંતા કરવી કોઈ અપરાધ તો નથી. આ દેશમાં હિંદુઓના તહેવારો પર પથ્થરમારો થાય છે, બાંગ્લાદેશીઓ પથ્થરમારો કરે છે. જ તેનો વિરોધ કરવામાં કેસ થાય, તો હું કાયદાનો સામનો કરવા તૈયાર છું.”
કેરળના મુખ્યમંત્રી અને તેમના નેતાએ પણ રાહુલ-પ્રિયંકા પર લગાવ્યા હતા આવા જ આરોપ
નોંધવું જોઈએ કે કેરળના મુખ્યમંત્રી મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને તેમની વામપંથી પાર્ટી CPIMના નેતાએ પણ રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા અને કોંગ્રેસ પાર્ટીને આ જ મુદ્દે ઘેર્યા હતા. સહુથી પહેલા મુખ્યમંત્રી વિજયનની વાત કરીએ તો તેમણે કોંગ્રેસ પર જમાત-એ-ઇસ્લામી (Jamaat-e-Islami) જેવા મુસ્લિમ સંગઠનના સહયોગથી ચૂંટણી લડી રહ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી પ્રિયંકા ગાંધી વાડ્રાને ઘેર્યાં હતાં. પોસ્ટમાં તેમણે દાવો કર્યો કે વાયનાડ (Waynad) પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો ચહેરો સંપૂર્ણ રીતે ખુલ્લો પડી ગયો છે. કોંગ્રેસ પોતે ધર્મનિરપેક્ષ હોવાનો દાવો કરતી રહે છે પણ બીજી તરફ પ્રિયંકા ગાંધી ત્યાં જમાત-એ-ઈસ્લામીના સમર્થનથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.
વામપંથી પાર્ટી CPIM નેતા એ. વિજયરાઘવને પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા વાડ્રા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે, “શું મુસ્લિમ સાંપ્રદાયિક ગઠબંધનના મજબૂત સમર્થન વગર તેઓ ચૂંટણી જીતી શકવાના હતા?” વિજયરાઘવને આ નિવેદન વાયનાડના કેસી બાથરી ખાતે યોજાયેલા CPIM પાર્ટીના સંમેલનમાં આપ્યું હતું. તેમણે કહ્યું કે, “વાયનાડથી 2 લોકો જીત્યા છે, રાહુલ અને પ્રિયંકા. તેઓ કોના સમર્થનથી દિલ્હી પહોંચ્યા? શું મુસ્લિમ સાંપ્રદાયિક તાકાતો વગર તે શક્ય હતું? તે કોંગ્રેસના સહુથી મોટા નેતા છે, પ્રિયંકા પણ અહીંથી લડ્યા. પ્રચાર દરમિયાન તેમની આગળ-પાછળ કોણ ફરી રહ્યું હતું?”
એ. વિજયરાઘવને કહ્યું, “ચૂંટણી પ્રચાર સમયે તેમની આસપાસ ફરતા લોકોને જોયા હતા? તે કોણ હતું? તે અલ્પસંખ્યક સાંપ્રદાયિક તાકાતોના સહુથી કટ્ટરપંથી તત્વો હતા, તેમાં કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વના લોકો પણ હતા. જયારે EMS (કેરળના પ્રથમ મુખ્યમંત્રી) પ્રથમ ચૂંટણી લડી રહ્યા હતા, ત્યારે કેન્દ્રીય મંત્રી તેમને હરાવવા આવ્યા હતા.”