મદ્રાસ હાઇકોર્ટે (Madras High Court) તાજેતરમાં એક અરજી પર સુનાવણી કરતી વખતે નિર્દેશ આપતાં કહ્યું કે હિંદુ મંદિરોમાં માત્ર ભક્તિ ગીતો કે ભજન જ વગાડવામાં આવે એ સુનિશ્ચિત કરવામાં આવે. વાસ્તવમાં કોર્ટમાં એક અરજી મારફતે માંગ કરવામાં આવી હતી કે હિંદુ મંદિરોના પરિસરમાં માત્ર ભજનો (Devotional Songs) જ વગાડવામાં આવે અને ફિલ્મી ગીતો વગાડવા પર રોક લગાવવામાં આવે. આ મામલે પછીથી સરકારે પણ ધ્યાન રાખવાની બાંહેધરી આપતાં કોર્ટે અરજીનો નિકાલ કરી દીધો હતો.
વેંકટેશ સૌરીરાજન નામની એક વ્યક્તિએ મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે, મંદિરમાં ઓર્કેસ્ટ્રાના આયોજન દરમિયાન ફિલ્મી ગીતો વગાડવાં અયોગ્ય છે. તેમણે પુડુચેરીના એક મંદિરનો દાખલો આપીને કહ્યું કે તેના પરિસરમાં એક કાર્યક્રમમાં ફિલ્મી ગીતો વગાડવામાં આવ્યાં હતાં, જે બિલકુલ અયોગ્ય છે અને ધાર્મિક સ્થળોની મર્યાદા જળવાવી જોઈએ. મામલો પછીથી મદ્રાસ હાઇકોર્ટ પાસે પહોંચ્યો હતો, જ્યાં જસ્ટિસ ડી ભરત ચક્રવર્તીની બેન્ચે સુનાવણી હાથ ધરી.
Only devotional songs should be played in Hindu temples, not film songs: Madras High Court
— Bar and Bench (@barandbench) March 5, 2025
A devotee from Puducherry had complained that orchestras arranged to play music at temple festivals were also playing film songs.
Read more: https://t.co/Ib4arD7XaE pic.twitter.com/aO9kN3YEEx
ન્યાયાધીશ ડી. ભરત ચક્રવર્તીએ સુનાવણી દરમિયાન અવલોકન કર્યું કે મંદિર દ્વારા નક્કી કરેલ ઓર્કેસ્ટ્રાએ ખાતરી કરવી જોઈએ કે પરિસરની અંદર ફક્ત ભક્તિ ગીતો જ વગાડવામાં આવે અને બિનભક્તિ ગીતો વગાડવાનું ટાળવામાં આવે. બીજી તરફ સરકાર તરફથી કોર્ટમાં હાજર વકીલોએ પણ કોર્ટને જણાવ્યું હતું કે આ બાબતનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે અને આગળથી મંદિર પરિસરમાં થતા કાર્યક્રમોમાં ફિલ્મી કે બીજાં પ્રકારનાં ગીતો વગાડવાનું ટાળવામાં આવશે.
આ દલીલો ધ્યાને લીધા બાદ કોર્ટે અરજીનો નિકાલ કરી દીધો હતો અને સાથે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, “કોઈ પણ મંદિરના તહેવાર દરમિયાન જો મંદિર ટ્રસ્ટ દ્વારા કે તેમના વતી કોઈ ઓર્કેસ્ટ્રાની વ્યવસ્થા કરવામાં આવે અથવા તો મંદિર પરિસરમાં આ પ્રકારનું કોઈ આયોજન કરવામાં આવે તો એ બાબતની કાળજી ફરજિયાત રાખવાની રહેશે કે માત્ર ભક્તિગીતો જ વાગે અને તે સિવાયના સંગીતને સ્થાન આપવામાં ન આવે.“
ટ્રસ્ટીઓની નિમણુક કરવા નિર્દેશ
આ ઉપરાંત મદ્રાસ હાઇકોર્ટે ઘણાં મંદિરોમાં ટ્રસ્ટીની નિમણૂક ન હોવાની સ્થિતિનું પણ સંજ્ઞાન લીધું. આ બાબતનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેની ઉપર આદેશમાં કોર્ટે તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા જણાવ્યું હતું. હાઇકોર્ટ કહ્યું હતું કે, “એ વાત કાયદા દ્વારા સ્થાપિત છે કે ટ્રસ્ટીઓની નિમણૂક કર્યા વિના અધિકારીઓ લાંબા સમય સુધી મંદિર ચલાવી શકતા નથી. તેથી અધિકારીઓએ શક્ય તેટલી વહેલી તકે ઉપરોક્ત મંદિરના સંદર્ભમાં કાયદા અનુસાર ટ્રસ્ટીઓની નિમણૂક કરવા પગલાં લેવા જોઈએ.”