Friday, January 24, 2025
More
    હોમપેજદેશ‘તે ધર્મ-મઝહબનો ભાગ નથી, ઉપયોગને અધિકાર તરીકે ન લઈ શકાય’: લાઉડસ્પીકર પર...

    ‘તે ધર્મ-મઝહબનો ભાગ નથી, ઉપયોગને અધિકાર તરીકે ન લઈ શકાય’: લાઉડસ્પીકર પર બે જુદી-જુદી કોર્ટનું અવલોકન; એકમાં મસ્જિદમાં સ્પીકરના ઉપયોગની, બીજા કેસમાં નિયંત્રણ મૂકવાની હતી માંગ

    એક લોકતાંત્રિક વ્યવસ્થામાં એવી પરિસ્થિતિ ન સર્જી શકાય કે કોઈ વ્યક્તિ કે જૂથ એમ કહે કે અમે નિયમોનું પાલન નહીં કરીએ અને બાકીના જેઓ નિયમો પાળે છે તેઓ મૂકદર્શક બનીને બેઠા રહે: બૉમ્બે હાઇકોર્ટ

    - Advertisement -

    દેશની બે જુદી-જુદી કોર્ટે બે અલગ-અલગ કેસની સુનાવણી દરમિયાન મસ્જિદો અને ધર્મસ્થાનકો પર લગાવવામાં આવતાં લાઉડસ્પીકરોને લઈને અગત્યના આદેશો આપ્યા છે. અલ્હાબાદ હાઇકોર્ટે એક રિટ પિટિશન પર સુનાવણી કરતાં કહ્યું કે, સ્થાનકો નમાજ કે પ્રાર્થના માટે હોય છે, લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈ મૂળભૂત અધિકાર નથી. જ્યારે બૉમ્બે હાઇકોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં ઠેરવ્યું કે લાઉડસ્પીકરનો ઉપયોગ ધર્મ-મઝહબનો મૂળભૂત ભાગ નથી અને પોલીસ અને સરકારે ધ્વનિ પ્રદૂષણ મામલે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. 

    અલ્હાબાદ હાઇકોર્ટ વાસ્તવમાં એક મુખ્તિયાર અહેમદ નામની વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશન પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં તેમણે મસ્જિદો પર લાઉડસ્પીકરો લગાવવા માટે પરવાનગી આપવા રાજ્ય સરકારને નિર્દેશ આપવાની કોર્ટ સમક્ષ માંગ કરી હતી. બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી હાજર વકીલે અરજીની મેન્ટેનેબિલિટી (જાળવણી) પર સવાલ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, અરજદાર ન તો મુતવલ્લી છે કે ન મસ્જિદનું સંચાલન કરે છે. આ સંજોગોમાં તેઓ અરજી દાખલ કરનાર યોગ્ય વ્યક્તિ નથી. 

    અલ્હાબાદ હાઇકોર્ટના આદેશની નકલ

    કોર્ટે પછીથી ઠેરવ્યું કે, સરકારની દલીલોમાં વજન છે અને અરજદારનું અરજી દાખલ કરવા પાસે કોઈ લોકસ નથી. તેને બાજુ પર રાખીને જોઈએ તો પણ ધાર્મિક અને મઝહબી સ્થળો પ્રાર્થના કે નમાજ માટે હોય છે અને લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈ મૂળભૂત અધિકાર નથી. ખાસ કરીને ત્યારે જ્યારે તેના ઉપયોગથી આસપાસના રહેવાસીઓ માટે ન્યુસન્સ પેદા થતું હોય. કોર્ટે પછીથી અરજી ફગાવી દીધી હતી. 

    - Advertisement -

    બૉમ્બે હાઇકોર્ટે કહ્યું- લાઉડસ્પીકર ધર્મનો મૂળ ભાગ નહીં, ધ્વનિ પ્રદૂષણને ગંભીરતાથી લઈને પગલાં લે સરકાર 

    અન્ય એક કેસમાં બૉમ્બે હાઇકોર્ટ પાસે એક અરજી પહોંચી હતી, જેમાં મસ્જિદનાં લાઉડસ્પીકરના ઉપયોગ પર નિયંત્રણ મેળવવામાં પોલીસ નિષ્ફળ ગઈ હોવાની રજૂઆત કરીને યોગ્ય આદેશ આપવા માટે માંગ કરવામાં આવી હતી. 

    મુંબઈના કુર્લા વિસ્તારની અમુક સોસાયટીઓ દ્વારા કોર્ટમાં અરજી કરીને જણાવવામાં આવ્યું હતું કે વિસ્તારમાં મસ્જિદ જેવાં સ્થાનકો પર લાઉડસ્પીકરોનો ઉપયોગ માન્ય કલાકો બાદ પણ થતો રહે છે અને ડેસિબલ લેવલ પણ જાળવવામાં આવતું નથી. આ મામલે વારંવાર પોલીસને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. 

    મસ્જિદ-મદરેસાઓમાં સવારે 5 વાગ્યેથી જ લાઉડસ્પીકરો શરૂ થઈ જાય છે: અરજદારો 

    અરજદારોએ જણાવ્યું હતું કે, તેમણે અગાઉ પોલીસને ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, વિસ્તારની મસ્જિદો અને મદરેસાઓમાંથી સવારે 5 વાગ્યે જ અવાજો શરૂ થઈ જાય છે અને તહેવારો વખતે તેઓ રાત્રે 1:30 સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તેમ છતાં કાર્યવાહી કરવામાં ન આવી. અરજીમાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ FIR દાખલ કરવા માટે અને જે પોલીસકર્મીઓ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયા છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપવાની માંગ કરવામાં આવી હતી. 

    કોર્ટે પછીથી આ મામલે સુનાવણી કરતાં ઠેરવ્યું કે લાઉડસ્પીકર એ ધર્મ કે મઝહબનો મૂળ ભાગ નથી અને સરકારે લાઉડસ્પીકરોનાં ડેસિબલ લેવલ નિયંત્રિત કરવા માટે પગલાં લેવાં જોઈએ. કોર્ટે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસને આદેશ આપ્યા છે તેમજ સરકારને પણ આ મામલે ગંભીરતા દાખવવા માટે કહ્યું છે. 

    ચુકાદામાં કોર્ટે કહ્યું કે, “મુંબઈ મોટું શહેર છે અને અનેક ધર્મના લોકો શહેરના દરેક ભાગમાં રહે છે. ઘોંઘાટ એ સ્વાસ્થ્ય પર અનેક રીતે અસર કરે છે. કોઈ એવો દાવો ન કરી શકે કે તેને લાઉડસ્પીકરના ઉપયોગની પરવાનગી ન અપાઈ તો તેના અધિકારોનું ઉલ્લંઘન થયું છે. આ પ્રકારની પરવાનગી ન આપવામાં આવે એ જાહેર જનતાના હિતમાં છે. લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈ ધર્મનો મૂળભૂત ભાગ નથી.”

    આગળ ચુકાદામાં કહેવામાં આવ્યું, “અમારો મત છે કે પોલીસ અને સરકારની એ ફરજ છે કે તેઓ તમામ જરૂરી પગલાં લઈને નિયમો અને કાયદાનું પાલન કરાવે. એક લોકતાંત્રિક વ્યવસ્થામાં એવી પરિસ્થિતિ ન સર્જી શકાય કે કોઈ વ્યક્તિ કે જૂથ એમ કહે કે અમે નિયમોનું પાલન નહીં કરીએ અને બાકીના જેઓ નિયમો પાળે છે તેઓ મૂકદર્શક બનીને બેઠા રહે.”

    કોર્ટે 2016ના હાઇકોર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ પણ કર્યો, જેમાં નોઈઝ પોલ્યુશન રૂલ્સ, 2000ના કડક પાલન માટે અમુક નિર્દેશો આપવામાં આવ્યા હતા. કોર્ટે ત્યારે પણ ઠેરવ્યું હતું કે લાઉડસ્પીકરનો ઉપયોગ મઝહબ કે ધર્મનો મૂળ ભાગ નથી અને તે આર્ટિકલ 25 (ધર્મ સ્વાતંત્ર્ય) હેઠળ આવતું નથી. 

    નાગરિકો ત્યારે જ ફરિયાદ કરે જ્યારે અસહ્ય થઈ પડે: કોર્ટ 

    કોર્ટે એ બાબતની પણ નોંધ લીધી કે, સામાન્ય રીતે નાગરિકો ત્યારે જ ફરિયાદ કરતા હોય છે જ્યારે તેમના માટે કોઈ બાબત અસહ્ય બની રહે. જોકે સાથે પોલીસને એ પણ આદેશ આપવામાં આવ્યા છે કે કાર્યવાહી કરતી વખતે ફરિયાદીઓની ઓળખ જાહેર કરવામાં ન આવે. જેથી આગળ જતાં તેમને કોઈ મુશ્કેલી ઊભી થાય. 

    કોર્ટે આગળ કહ્યું કે, પહેલાં પોલીસ નિયમોનું ઉલ્લંઘન કરતા જે-તે વ્યક્તિઓને આદેશ આપી શકે છે. જો પછી પણ ચાલુ જ રહે તો મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ દંડ ફટકારી શકે છે. ત્યારબાદ પણ જો કોઈ ફેર ન પડ્યો તો પોલીસે લાઉડસ્પીકરો જપ્ત કરીને જે-તે સંસ્થાનાં લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવી જોઈએ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં