આજે 2024નો છેલ્લો દિવસ અને 31 ડિસેમ્બર. આ દિવસે કથિત ન્યૂ યર પાર્ટીના (New Year Party) નામે દારૂની (Liquor) મિજબાનીઓ થતી હોય છે. ત્યારે આ દરમિયાન સમગ્ર રાજ્યમાં પોલીસ પૂર્ણ તકેદારી રાખી રહી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અમુક લોકો દારૂને ગેરકાયદેસર રીતે રાજ્યમાં લાવી રહ્યા છે. જેને લઈને પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. જેના પગલે LCBએ વેરાવળ (Veraval) નજીકના દરિયામાંથી દમણથી (Daman) આવતી ફિશિંગ બોટમાં 131 પેટી વિદેશી દારૂની હેરફેર (Liquor Smuggling) કરનાર દ્વારકાના બે બુટલેગરો આરીફ અને ઇન્દ્રીશની ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે, 30 ડિસેમ્બરની સાંજે દમણથી વેરાવળના દરિયામાં ફિશિંગ બોટમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને બે બુટલેગરો આવી રહ્યા હતા. જે અંગેની બાતમી ગુજરાત પોલીસને મળી હતી. જેમને પકડવા માટે પોલીસે બે ખાનગી ફિશિંગ બોટમાં સવાર થઈને દરિયામાં તપાસ અર્થે ગયા હતા. દરમિયાન વેરાવળના દરિયામાં દોઢક કિ.મી દૂર એક શંકાસ્પદ ફિશિંગ બોટ જોવા મળતા તેને ઘેરી લેવામાં આવી હતી.

₹12 લાખનો મુદ્દામાલ જપ્ત
તપાસ દરમિયાન આ બોટમાંથી જુદા-જુદા મોટી સંખ્યામાં વિદેશી દારૂ ભરેલ બોક્સ મળી આવ્યા હતા. આથી ફિશિંગ બોટને વેરાવળ બંદરમાં લાવીને તમામ જથ્થો ઉતારાવી વાહનો મારફત મરીન પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ગણતરી હાથ ધરવામાં આવી હતી. ફિશિંગ બોટને બંને બુટલેગરો સાથે ગીર સોમનાથ LCBની ટીમે ઝડપી લીધી હતી. દમણમાંથી દારૂનો જથ્થો ભરીને ફિશિંગ બોટ ચોરવાડ તરફ જઈ રહી હતી. બોટમાંથી 131 પેટી ભરીને ₹5.25 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસને આ ઘટનામાં 180MLની વિદેશી દારૂની 5376 બોટલ અને 456 બિયરના ટીન, બોટ, 2 એન્જિન અને મોબાઈલ મળી કુલ ₹12.29 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે બધો મુદ્દામાલ જપ્ત કરીને બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તથા તેમની ધરપકડ પણ કરી હતી. પોલીસે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે એલસીબી PI એ.બી.જાડેજાના જણાવ્યા અનુસાર, બોટમાંથી ₹5.25 લાખની કિંમતના 131 પેટી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ બુટલેગરોની ઓળખ આરીફ ગફુર ભેંસલીયા, ઈન્દ્રીશ અલરખા મુસા તરીકે કરવામાં આવી હતી. આ બંને બુટલેગરો મૂળ દ્વારકાના હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ બંનેની ધરપકડ કરી દારૂની હેરાફેરીમાં સામેલ અન્ય ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.