Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રજાના રોષનો ભોગ બનેલી આમિર ખાનની ફિલ્મને રિલીઝ કરવાની નેટફ્લિક્સે પણ ઘસીને...

    પ્રજાના રોષનો ભોગ બનેલી આમિર ખાનની ફિલ્મને રિલીઝ કરવાની નેટફ્લિક્સે પણ ઘસીને ના પાડી દીધી: OTT રિલીઝ માટે નથી મળી રહ્યું કોઈ ખરીદનાર

    રિલીઝ પહેલાં આમિર ખાનને ફિલ્મ 300 કરોડની કમાણી કરશે તેવો આત્મવિશ્વાસ હતો, ફિલ્મ ફ્લૉપ ગયા બાદ હવે ઓટીટી પ્લેટફૉર્મે જ હાથ અધ્ધર કરી દીધા.

    - Advertisement -

    આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા બૉક્સ ઓફિસ પર સદંતર નિષ્ફ્ળ ગઈ છે અને અત્યાર સુધીમાં માંડ 55 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે રીતે ફિલ્મની કમાણી દરરોજ ઘટી રહી છે તેને જોતાં લાગી રહ્યું છે કે ફિલ્મ જલ્દીથી સિનેમાઘરોમાંથી પણ ગાયબ થઇ જશે, કારણ કે મોટાભાગના શૉ ખાલી જઈ રહ્યા છે. બીજી તરફ, આ ફિલ્મ માટે નેટફ્લિક્સ જેવાં ઓટીટી પ્લેટફોર્મ પણ ખાસ રસ દાખવી રહ્યા નથી. 

    છેલ્લાં થોડાં વર્ષોથી ઓટીટી પ્લેટફોર્મનો ટ્રેન્ડ વધ્યો છે. ફિલ્મો થીએટરમાં રિલીઝ થાય ત્યારબાદ વિવિધ ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ સ્ટ્રીમ કરવામાં આવે છે. મોટાભાગની બૉલીવુડ ફિલ્મો નેટફ્લિક્સ, પ્રાઈમ, વુટ વગેરે પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરવામાં આવે છે. આ ઓટીટી પ્લેટફોર્મ કરોડો રૂપિયા આપીને ફિલ્મ પ્રસારિત કરવાના હકો ખરીદે છે. આમિર ખાનની ફિલ્મ વિશે પણ રિલીઝ પહેલાં કહેવામાં આવી રહ્યું હતું કે તેને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે, પરંતુ હવે નેટફ્લિક્સે પાછીપાની કરી દીધી છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થીએટરોમાં લાલ સિંઘ ચઢ્ઢા નિષ્ફ્ળ ગયા બાદ નેટફ્લિક્સ દ્વારા કરાર રદ કરી નાંખવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, આમિર ખાન અને Viacom લાલ સિંઘ ચઢ્ઢાના ડિજિટલ રાઇટ્સ માટે નેટફ્લિક્સ સાથે ચર્ચા કરી રહ્યા હતા અને 150 કરોડની ઓફર મૂકી હતી. જોકે, પ્લેટફોર્મે 80-90 કરોડની વાત કરી હતી. પરંતુ જે રીતે ફિલ્મે થીએટરોમાં નબળું પ્રદર્શન કર્યું તેને જોઈને આખરે નેટફ્લિક્સે હાથ ખેંચી લીધો હતો.

    - Advertisement -

    બૉલીવુડ હંગામાના એક રિપોર્ટ અનુસાર, આમિર ખાન દુનિયાભરમાં 20 કરોડ સબસ્ક્રાઈબર ધરાવતા પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પોતાની ફિલ્મ રિલીઝ કરવા માંગતા હતા. આમિર ખાને પોતાના પાછલા રેકોર્ડ અને ફિલ્મોની સફળતાને જોતાં 150 કરોડ રૂપિયાની ઓફર મૂકી હતી. જે બાદ નેટફ્લિક્સે 80-90 કરોડ અને આખરે 150 કરોડ રૂપિયાની ડીલ ઓફર કરી હતી. 

    જોકે, ત્યારબાદ પણ આમિર ખાને 125 કરોડનો આંકડો પકડી રાખ્યો હતો. જોકે, આમિર ખાનને આશા હતી કે ફિલ્મ બૉક્સ ઓફિસ પર 300 કરોડ સુધીની કમાણી કરી લેશે, જે બાદ નેટફ્લિક્સ સામેથી આવશે. પરંતુ ફિલ્મ 11 દિવસ પછી પણ 60 કરોડ સુધી પણ પહોંચી શકી નથી. આખરે ઓટીટી પ્લેટફૉર્મે સ્પષ્ટ ના પાડી દીધી હતી.

    ફિલ્મનો જે રીતે ફિયાસ્કો થયો છે તેને જોતાં નેટફ્લિક્સ જ નહીં પણ કોઈ પણ મોટું ઓટીટી પ્લેટફોર્મ આમિરની ફિલ્મ ખરીદવા માંગતું ન હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. હવે આમિર ખાન અને વાયકોમ પાસે ‘Voot’ પર ફિલ્મ રિલીઝ કરવાનો જ એકમાત્ર વિકલ્પ બચ્યો છે, જે માત્ર એક ઔપચારિકતા જેવું હશે. 

    આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ 1994માં આવેલી વિદેશી ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ રિમેક છે. જોકે, ફિલ્મ પર વિદેશી ફિલ્મની નકલ કરવાનો પણ આરોપ લાગતો રહ્યો છે. 150 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ પહેલા દિવસે માંડ 10-12 કરોડની કમાણી કરી શકી હતી. જે બાદ કલેક્શન સતત ઘટતું રહ્યું અને માંડ 55 કરોડ સુધી પહોંચી શક્યું છે. અને હાલ જે રીતે મોટાભાગના શૉ ખાલી જઈ રહ્યા છે તેને જોતાં લાગી રહ્યું છે કે જલ્દીથી જ ફિલ્મ ઉતારી લેવામાં આવશે. 

    આમિર ખાન ઘણાં વર્ષે ફિલ્મ લઈને આવ્યા હતા, પરંતુ ફિલ્મની રિલીઝ પહેલાં જ તેમની જૂની કેટલીક કરતૂતોના કારણે સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર શરૂ થઇ ગયો હતો. જેની સીધી અસર ફિલ્મ રિલીઝ થયા બાદ જોવા મળી હતી. જોકે, બૉલીવુડની બધી જ ફિલ્મોની હાલત હવે આવી જ થવા માંડી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં