મહાશિવરાત્રિ (Mahashivratri) પર આખો દેશ શિવમય થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી મહાકુંભ સુધી અને કાશી વિશ્વનાથથી મહાકાલ સુધીનાં મંદિરોમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. મહાશિવરાત્રિની સાથે મહાકુંભનું પણ સમાપન થઈ રહ્યું છે. તેથી આ અંતિમ દિવસે મહાકુંભમાં સંગમ સ્નાન માટે આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા હમણાં સુધીમાં લાખોએ પહોંચી ગઈ છે. 10 વાગ્યા સુધીના સમયમાં મહાકુંભમાં મહાસ્નાન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 65 લાખ સુધી પહોંચી ગઈ છે.
आस्था का अद्भुत महासमागम… श्रद्धालुओं का पुष्प-वर्षा से अभिनंदन
— Government of UP (@UPGovt) February 26, 2025
आज महाशिवरात्रि के पावन अवसर पर सनातन संस्कृति के महापर्व 'महाकुम्भ-2025 प्रयागराज' में आए श्रद्धालुओं पर हेलिकॉप्टर से पुष्प-वर्षा की जा रही है।
मां गंगा, मां यमुना, मां सरस्वती के पावन संगम त्रिवेणी में… pic.twitter.com/39culkBJ8j
વધુમાં યોગી સરકાર પણ મહાશિવરાત્રિના અંતિમ સ્નાન દરમિયાન એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. મહાકુંભમાં વધુ સુરક્ષાદળો ખડકી દેવામાં આવ્યાં છે અને શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી રહી છે. યોગી સરકારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે. આજના સંગમ સ્નાન બાદ મહાકુંભનું સમાપન થવા જઈ રહ્યું છે. હમણાં સુધીમાં 65 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સંગમ સ્નાન કર્યું છે.
સોમનાથમાં નીકળી દાદા સોમનાથની પાલખી યાત્રા
ગુજરાતના સૌરાષ્ટ્ર સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં સવારના 4 વાગ્યાથી ભક્તો એકઠા થઈ ગયા હતા. મંદિરના કપાટ ખોલતાની સાથે જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ મહાદેવની વિશેષ પૂજા અને અર્ચના પણ કરવામાં આવી છે. સોમનાથ મંદિરના કપાટ 42 કલાક સુધી ખુલ્લા રાખવા માટેની જાહેરાત પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાની પાલખી યાત્રા પણ નીકળી છે. સોમનાથ પ્રાંગણ અને આસપાસના વિસ્તારમાં પાલખી યાત્રા યોજવામાં આવી છે. લાખોની સંખ્યામાં મહાદેવના ભક્તો સોમનાથમાં જોવા મળી રહ્યા છે. ઢોલ, નગારા અને મૃદંગ સાથે દાદા સોમનાથની યાત્રા નીકળી છે અને ‘હર હર મહાદેવ’ના ઉદઘોષ પણ લાગ્યા છે.
કાશીમાં 10 હજાર નાગા સાધુઓની સાથે લાખોની સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ
હાથમાં ગદા-ત્રિશુલ, હાથી-ઘોડાની સવારી, શરીર પર ભસ્મ, રુદ્રાક્ષ-ફૂલોની માળા અને મુખમાં ‘હર હર મહાદેવ’ના ઉદઘોષ સાથે કાશીમાં 7 શૈવ અખાડાના લગભગ 10 હજારથી વધુ નાગા સાધુઓ બાબા વિશ્વનાથના દર્શન માટે પહોંચ્યા છે. નાગા સાધુઓ માટે કાશી વિશ્વનાથ મંદિરના રસ્તામાં બેરીકેટ ખડકી દેવામાં આવ્યા છે. આ સાથે જ કાશીમાં મહાકુંભથી આવતા લાખો ભક્તોનો મેળાવડો પણ જોવા મળી રહ્યો છે.
સૌથી પહેલાં જૂના અખાડાના નાગા સન્યાસીઓ મંદિર પહોંચ્યા હતા. નાગા સાધુઓની પેશવાઈમાં ગાડીઓ, ઢોલ-નગારા અને ડમરુ તથા અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરેલા સન્યાસીઓ પણ સામેલ હતા. અડધી રાતથી જ લગભગ 2 લાખ ભક્તો 3 KM લાંબી કતારમાં લાગ્યા છે. 25-30 લાખ ભક્તો હમણાં સુધીમાં બાબા વિશ્વનાથમાં દર્શન કરવા માટે આવી ચૂક્યા છે. તે સિવાય સાધુ-સન્યાસીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કાશી વિશ્વનાથમાં પણ ભક્તો અને સન્યાસીઓ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી છે.
#WATCH | Madhya Pradesh CM Mohan Yadav performs puja of lord Shiva at Mahakaleshwar Jyotirlinga temple on the occasion of #Mahashivratri2025 pic.twitter.com/oRodZvBEIM
— ANI (@ANI) February 26, 2025
તે સિવાય ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પણ માનવમહેરામણ ઉમટી પડ્યો છે. CM મોહન યાદવે વહેલી સવારમાં ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના પણ કરી હતી. તે સિવાય લાખોની સંખ્યામાં ઉજ્જૈનમાં ભક્તો પહોંચ્યા છે. ‘હર હર મહાદેવ’ના ઉદઘોષ સાથે ઉજ્જૈનમાં લાંબી કતારો લાગી છે. ઉજ્જૈન મંદિરમાં વધતી જતી ભીડના કારણે 44 કલાક સુધી કપાટ ખુલ્લા રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.