Thursday, October 10, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ'હનુમાનજીના અપમાનજનક ભીંતચિત્રો નહીં હટાવાય તો થશે ઉગ્ર આંદોલન': સાળંગપુર મંદિર વિવાદને...

    ‘હનુમાનજીના અપમાનજનક ભીંતચિત્રો નહીં હટાવાય તો થશે ઉગ્ર આંદોલન’: સાળંગપુર મંદિર વિવાદને લઈને સંતો ઉકળ્યા, બ્રહ્મ સમાજે 5 તારીખ સુધીનું આપ્યું અલ્ટીમેટમ

    મુચકુંદ ગુફાના 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજે રોષે ભરાઈ કહ્યું હતું કે, "સ્વામીનારાયણ સંપ્રદાયના મહાપુરુષો મહાદેવ અને હનુમાજીને ખુબ માનતા હતા. તે જ રીતે આજ સુધી કોઈ સનાતન ધર્મના સંતે આપના સંપ્રદાય વિશે ક્યારેય કોઈ ટિપ્પણી કરી નથી. આપણે સૌ આપણી મર્યાદામાં રહીશું તો સારું રહેશે."

    - Advertisement -

    સાળંગપુર ખાતે સ્થાપવામાં આવેલી ‘કિંગ ઓફ સાળંગપુર’ ની મૂર્તિ નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોએ નવો વિવાદ સર્જ્યો છે. આ ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીને વંદન કરતાં દેખાડવામાં આવ્યા છે. આ મુદ્દે સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. આ સાથે સનાતન સમાજના સંતો પણ મેદાને આવ્યા છે. મહંત દિલીપદાસજી મહારાજ, મહંત ઇન્દ્રભારતી બાપુ, મહંત શેરનાથ બાપુ, મહેન્દ્રાનંદ ગીરી મહારાજ સહિતના સંતોએ આ મામલે આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારબાદ બ્રહ્મ સમાજે પણ સાળંગપુર ખાતે આંદોલનની ચીમકી આપી છે. આ પછી હવે VHPના મહામંત્રીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે.

    મળતી માહિતી અનુસાર, સાળંગપુર ખાતે ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાના ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જેના લીધે સમગ્ર મામલો વકર્યો છે. જેના લીધે રાજકોટ બ્રહ્મ સમજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદીત ભીંતચિત્રો હટાવવા તેમણે માંગણી કરી છે, જો આમ નહીં થાય તો આ મુદ્દે તેઓ વિરોધ પ્રદર્શન કરશે. આ બાબતે બ્રહ્મ સમાજે સાળંગપુરના સંતોને આગામી 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.

    ‘આવા ભીંતચિત્રો માટે માફી મંગાવી જોઈએ’- જૂનાગઢ ગોરક્ષનાથ આશ્રમના શેરનાથ બાપુ

    મામલે જૂનાગઢ ગોરક્ષનાથ આશ્રમના શેરનાથ બાપુએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “ભીંતચિત્રોમાં જે રીતે હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ બતાવાયા છે. તેમને સહજાનંદ સ્વામી મહાજ સામે હાથ જોડી ઉભા રહેતા બતાવાયા છે. તે ખુબ દુઃખદ વાત છે. આપણે સૌ જાણીએ છીએ તે રીતે સનાતન પરંપરામાં આદિ-અનાદિકાળથી હનુમાન, રામ અને શિવ જે અનેક વર્ષોથી કોઈના ઇષ્ટદેવ છે. તેને નીચા દેખાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.” આનાથી અનેક શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી હોવાનું જણાવ્યું હતું. ભીંતચિત્રોની આ ઘટના માટે માફી માંગવા પણ તેમણે કહ્યું હતું.

    - Advertisement -

    ‘આપણે આપણી પરંપરાને પકડીને ચાલવું જોઈએ’- જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ

    બીજી બાજુ અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે ધર્મને હાનિ ન પહોંચાડવા અપીલ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, “હનુમાનજી આદિ-અનાદિકાળથી છે તો આપણે આપણી પરંપરાને પકડીને ચાલવું જોઈએ. આમ કરવાથી આપણું અને આપણા દેવી-દેવતાઓનું પણ સમ્માન જળવાઈ રહેશે.”

    ‘આપણે સૌ આપણી મર્યાદામાં રહીશું તો સારું રહેશે’- મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ

    મુચકુંદ ગુફાના 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજે રોષે ભરાઈ કહ્યું હતું કે, “સ્વામીનારાયણ સંપ્રદાયના મહાપુરુષો મહાદેવ અને હનુમાજીને ખુબ માનતા હતા. તે જ રીતે આજ સુધી કોઈ સનાતન ધર્મના સંતે આપના સંપ્રદાય વિશે ક્યારેય કોઈ ટિપ્પણી કરી નથી. આપણે સૌ આપણી મર્યાદામાં રહીશું તો સારું રહેશે.”

    ‘આની કયારેય માફી નહીં મળે’- જૂનાગઢ રૂદ્રેશ્વર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ

    સાળંગપુર વિવાદ મામલે જૂનાગઢ રૂદ્રેશ્વર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ પણ લાલઘુમ થયા છે. તેમણે સાળંગપુર મંદિરના આ કૃત્યને નિંદનીય ગણાવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, “આવા ઢોંગી સાધુઓ જે ધર્મના માંચડા ખોલીને બેઠા છે. તેના લીધે અંદરોઅંદરના વિવાદો સર્જાય છે જેથી વિધર્મીઓને પણ આનંદ થાય છે. તેથી આ કૃત્ય કરનારને ક્યારેય માફી મળશે નહીં.”

    સાળંગપુર વિવાદ મામલે VHPના મહામંત્રીનું મોટું નિવેદન

    બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિરના ભીંતચિત્રોનો વિષય દિવસે-દિવસે વધી રહ્યો છે. ત્યારે આ મામલે બજરંગ દળ અને વિશ્વ હિન્દૂ પરિષદ પણ મેદાને નજરે પડે છે. આ સાથે વિશ્વ હિન્દૂ પરિષદના મહામંત્રી અશોક રાવલે જણાવ્યુ હતું કે, “અભણ માણસોને ભેગા રાખવા તો સહેલા છે પરંતુ જ્ઞાની માણસોને સાથે રાખવા ખુબ અઘરા છે.”

    આ ઉપરાંત તેઓ અનેક સંતોને મળી આ વિવાદનો સારો અંત લાવવાનો પ્રયાસ કરતાં હોવાનું તેમણે જણાવ્યુ હતું. આ સિવાય તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ભગવાન રામ અને હનુમાનજી ત્રેતા યુગમાં થયા હતા. જયારે સહજાનંદ સ્વામીનો 250-300 વર્ષનો સમયગાળો હતો. જે બંને સમય વચ્ચે ઘણો ફર્ક છે.

    ‘વડોદરાથી રાજ્યવ્યાપી આંદોલનનું એલાન’- ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજ

    આ જ બાબતે ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજ પણ મોરચો માંડ્યો છે. તેઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “વડોદરાથી આંદોલન શરૂ થશે, આવતીકાલે કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરવામાં આવશે. જે બાદ તમામ કલેક્ટરો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપવામાં આવશે.”

    તેઓએ આગળ વાત કરતા જણાવ્યું છે કે, “જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સંતો અને ભક્તો સાળંગપુર કૂચ કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદાસ્પદ 175 પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. આ મામલે હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવશે.” 

    શું છે વિવાદ?

    નોંધનીય છે કે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં સાળંગપુર મંદિર સ્થિત હનુમાનજીની વિરાટ પ્રતિમા નીચે લાગેલા કેટલાક ભીંતચિત્રોના ફોટા વાયરલ થયા હતા. વાયરલ થયેલા તે ફોટામાં ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય એક ભીંતચિત્રમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) એક આસન પર બેઠા નજરે પડે છે, જ્યારે હનુમાનજી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.

    આ મામલે સનાતન ધર્મ સેવા સમિતિના કાર્યકરોએ ભાવનગરના શિહોર પોલીસ મથકે એક અરજી આપીને ફરિયાદ કરી છે કે જ્યારે તેમણે આ મામલે સાળંગપુર મંદિરના સંતોની મુલાકાત લીધી હતી, ત્યારે સંતોએ તેમને કહ્યું હતું કે, “ભગવાન સહજાનંદ સ્વામીની સેવામાં મહાદેવ અને મહાબલી હનુમાનજી 24 કલાક ખડેપગે હાજર રહેતા હતા.” તેમણે સંતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, આ અંગે પોલીસ તરફથી કોઈ કાયદાકીય પગલાં ભરવામાં આવ્યાં છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં