Friday, April 3, 2026
More
    હોમપેજરાજકારણSFIની વિદ્યાર્થિનીઓના ખોટા 'યૌન શોષણ'ના આરોપ, CPI(M)ના કાર્યાલયમાં રચાયું કાવતરું: હવે દાયકા...

    SFIની વિદ્યાર્થિનીઓના ખોટા ‘યૌન શોષણ’ના આરોપ, CPI(M)ના કાર્યાલયમાં રચાયું કાવતરું: હવે દાયકા બાદ નિર્દોષ છૂટ્યા કેરળના પ્રોફેસર

    કોર્ટની કાર્યવાહી દરમિયાન ખુલાસો થયો કે વિદ્યાર્થિનીઓની ફરિયાદ CPI(M)ની મુન્નાર ઓફિસમાં તૈયાર કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ પોતે કોર્ટમાં સ્વીકાર્યું કે આ ફરિયાદ પાર્ટી ઓફિસમાં લખવામાં આવી હતી.

    - Advertisement -

    કેરળના ઇડુક્કી જિલ્લામાં આવેલા મુન્નાર ગવર્નમેન્ટ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વડા પ્રોફેસર આનંદ વિશ્વનાથને (વિશ્વનાથન)11 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ ન્યાય મળ્યો છે. 2014માં તેમના પર SFI સાથે સંકળાયેલા એક્ટિવિસ્ટોએ ખોટા જાતીય સતામણીના આરોપો લગાવ્યા હતા. જે બાદ હવે થોડપુઝા એડિશનલ સેશન્સ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. આ ઘટનામાં રાજકીય ષડયંત્ર, કેમ્પસની દુશ્મનાવટ અને વ્યક્તિગત વેરઝેરનો સમન્વય જોવા મળ્યો હતો.

    શું હતી સમગ્ર ઘટના?

    આ ઘટનાની શરૂઆત ઑગસ્ટ, 2014માં થઈ હતી જ્યારે પ્રોફેસર આનંદ વિશ્વનાથ મુન્નાર ગવર્નમેન્ટ કોલેજમાં એડિશનલ ચીફ સુપરિન્ટેન્ડન્ટ ઑફ એક્ઝામિનેશન તરીકે ફરજ બજાવતા હતા. તેમણે એમ.એ. અર્થશાસ્ત્રની બીજી સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન 4 વિદ્યાર્થિનીઓને ચોરી કરતા ઝડપી પાડી હતી. તેમણે આ વિદ્યાર્થિનીઓ પાસેથી કાપલીઓ જપ્ત કરી અને આ બાબતની જાણ યુનિવર્સિટીને કરવા ઇન્વિજિલેટરને સૂચના આપી. જોકે, ઇન્વિજિલેટર વામપંથી વિચારધારાના શિક્ષક સંઘ સાથે સંકળાયેલ હોવાના કારણે તેમણે આ રિપોર્ટ યુનિવર્સિટીને આપ્યો નહીં.

    આ ઘટનાના થોડા દિવસો બાદ 16 સપ્ટેમ્બર, 2014ના રોજ આ જ 4 વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર વિશ્વનાથ પર પરીક્ષા હોલમાં જાતીય સતામણીનો આરોપ લગાવ્યો. આ વિદ્યાર્થિનીઓ CPI(M)ની વિદ્યાર્થી પાંખ SFનીI (સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા) સભ્યો હતી. આ વિદ્યાર્થિનીઓએ શિક્ષણ મંત્રી અને રાજ્ય મહિલા આયોગને ફરિયાદ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો કે પ્રોફેસરે તેમની સાથે અયોગ્ય વર્તન કર્યું, ચોરીના કેસમાં ફસાવવાની ધમકી આપી અને ઇન્ટરનલ માર્ક્સ આપવાનો ઇનકાર કર્યો હતો. આ આરોપોના આધારે મુન્નાર પોલીસે ચાર અલગ-અલગ FIR નોંધી, જેના પરથી ચાર ચાર્જશીટ દાખલ થઈ અને ચાર અલગ-અલગ કેસ ચલાવવામાં આવ્યા.

    - Advertisement -

    કેસમાં સામેલ લોકો અને રાજકીય ષડયંત્ર

    પ્રોફેસર વિશ્વનાથે હંમેશાં દાવો કર્યો કે તેમના પર લાગેલા આરોપો રાજકીય વેરઝેરનો ભાગ હતા. તેમનું કહેવું હતું કે આ ઘટના 2007ની એક અન્ય ઘટના સાથે જોડાયેલી હતી, જ્યારે તેમણે એક SFI એક્ટિવિસ્ટ વિદ્યાર્થીને પરીક્ષામાં ચોરી કરતા ઝડપી પાડ્યો હતો અને યુનિવર્સિટીને જાણ કરી હતી. જેના પરિણામે તે વિદ્યાર્થીને પરીક્ષામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સ્થાનિક MLA એસ. રાજેન્દ્રને શિક્ષણ મંત્રીને પત્ર લખીને પ્રોફેસરની બદલીની માંગ કરી હતી. જોકે, વિશ્વનાથે હાઇકોર્ટમાં આ બદલીનો પડકાર ફેંક્યો અને બદલી રદ કરાવી. 2014ની ઘટનાને તેમણે આ જૂની દુશ્મનાવટનું પરિણામ ગણાવ્યું.

    કોર્ટની કાર્યવાહી દરમિયાન ખુલાસો થયો કે વિદ્યાર્થિનીઓની ફરિયાદ CPI(M)ની મુન્નાર ઓફિસમાં તૈયાર કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ પોતે કોર્ટમાં સ્વીકાર્યું કે આ ફરિયાદ પાર્ટી ઓફિસમાં લખવામાં આવી હતી. આ ઉપરાંત કોલેજના પ્રિન્સિપાલ અને ઇન્વિજિલેટરે પણ આ ષડયંત્રમાં સહયોગ આપ્યો હોવાનું કોર્ટે જણાવ્યું. કોર્ટે નોંધ્યું કે પોલીસે પણ રાજકીય દબાણ હેઠળ કામ કર્યું અને નિષ્પક્ષ તપાસ ન કરી.

    કેસોની સંખ્યા અને કોર્ટની કાર્યવાહી

    પ્રોફેસર વિશ્વનાથ સામે કુલ ચાર અલગ-અલગ કેસ નોંધાયા હતા, જેમાં દરેકમાં એક વિદ્યાર્થિનીને પીડિત તરીકે દર્શાવવામાં આવી અને બાકીની ત્રણને સાક્ષી બનાવવામાં આવી હતી. આ ચારેય કેસની ચાર્જશીટ દેવીકુલમ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરવામાં આવી. 2015માં, દેવીકુલમ મેજિસ્ટ્રેટ કોર્ટે વિશ્વનાથને ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 354A હેઠળ દોષી ઠેરવી અને એક વર્ષની જેલની સજા ફટકારી. 2021માં, દેવીકુલમ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે બે કેસમાં તેમને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી, જ્યારે બે અન્ય કેસમાં તેમને નિર્દોષ જાહેર કર્યા.

    વિશ્વનાથે આ બે દોષિત ચુકાદાઓ સામે થોડપુઝા એડિશનલ સેશન્સ કોર્ટમાં અપીલ કરી. આ કોર્ટે 19 જુલાઈ, 2025ના રોજ તેમને ચારેય કેસમાં નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે નોંધ્યું કે વિદ્યાર્થિનીઓના નિવેદનોમાં સ્પષ્ટ વિરોધાભાસ હતા. FIR નોંધવામાં 55 દિવસનો વિલંબ થયો હતો અને મહત્વના સાક્ષીઓને દબાવવામાં આવ્યા હતા. ખાસ કરીને ઇન્વિજિલેટરને સાક્ષી તરીકે રજૂ ન કરવામાં આવ્યો, જેનાથી પ્રોસિક્યુશનનો કેસ નબળો પડ્યો.

    મહાત્મા ગાંધી યુનિવર્સિટીની તપાસ

    મહાત્મા ગાંધી યુનિવર્સિટીએ આ ઘટનાની તપાસ માટે બે સભ્યોની એક પેનલ નીમી હતી. આ પેનલે પણ પરીક્ષામાં ચોરીની ઘટનાની પુષ્ટિ કરી અને બે વિદ્યાર્થિનીઓને પ્રતિબંધિત કરવામાં આવી હતી. પેનલે જાતીય સતામણીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કોલેજના પ્રિન્સિપાલ તેમજ ઇન્વિજિલેટરની બેદરકારીની ટીકા કરી.

    થોડપુઝા એડિશનલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ લૈજુમોલ શેરીફે ચુકાદામાં જણાવ્યું કે આ કેસ રાજકીય રંગ ધરાવે છે અને આરોપો અસંભવિત છે. કોર્ટે આરોપોને ખોટા અને ષડયંત્રનો ભાગ ગણાવ્યા, જેનો હેતુ પ્રોફેસરને બદનામ કરવાનો હતો. જોકે, આ લાંબી કાનૂની લડાઈની પ્રોફેસર વિશ્વનાથ અને તેમના પરિવાર પર ઊંડી અસર પડી.

    તેમણે 11 વર્ષ સુધી સામાજિક કલંકનો સામનો કરવો પડ્યો, તેમના બાળકોને અભ્યાસ માટે તમિલનાડુ મોકલવા પડ્યા અને તેમને નોકરીમાંથી સસ્પેન્શન, બદલી અને વિભાગીય તપાસનો સામનો કરવો પડ્યો. 2021માં નિવૃત્તિ બાદ પણ તેમને માત્ર 75% પેન્શન મળે છે અને નિવૃત્તિના લાભોમાંથી વંચિત રાખવામાં આવ્યા. વિશ્વનાથે જણાવ્યું કે, “આ ખોટા કેસના કારણે મારે 11 વર્ષ સુધી નોકરીથી દૂર રહેવું પડ્યું અને માનસિક પીડા અસહ્ય હતી. હવે હું આ ષડયંત્રમાં સામેલ લોકો સામે કાનૂની કાર્યવાહી કરીશ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં