ન્યાયપાલિકાના હિંદુ વિરોધી વલણને વધુ મજબૂત કરતી વિવાદાસ્પદ ટિપ્પણી સામે આવી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રોહિન્ટન નરીમનએ રામ મંદિર મામલે વિવાદાસ્પદ નિવેદનો કર્યા છે. તેમણે હિંદુઓના પવિત્ર ગૌવંશનો બિનજરૂરી ઉલ્લેખ કર્યો અને રામ મંદિર મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાની ટીકા કરી છે. નરીમને જણાવ્યું છે કે, નિર્ણયોને પ્રભાવિત કરવા માટે દૈવી કે અન્ય કોઈ પ્રકારના હસ્તક્ષેપને મંજૂરી આપવી એ ન્યાયાધીશ દ્વારા સંવિધાન પ્રત્યેની શપથનું ઉલ્લંઘન છે.
જસ્ટિસ નરીમને આ ટિપ્પણી 1 સપ્ટેમ્બર, 2025ના રોજ તિરુવનંતપુરમના પ્રેસ ક્લબ દ્વારા આયોજિત કે.એમ. બશીર સ્મૃતિ વ્યાખ્યાન દરમિયાન એક સવાલના જવાબમાં કરી હતી. એક વ્યક્તિએ ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશો દ્વારા નિર્ણય આપતી વખતે દૈવી હસ્તક્ષેપ વિશે બોલવા અંગે તેમના મંતવ્યો પૂછ્યા હતા. આ ટિપ્પણી પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડના તે નિવેદનના સંદર્ભમાં હતી, જેમાં તેમણે કહ્યું હતું કે તેમણે 2019ના રામ મંદિર-બાબરી મસ્જિદ મામલે ચુકાદા દરમિયાન માર્ગદર્શન માટે પ્રાર્થના કરી હતી.
જસ્ટિસ નરીમને કહ્યું, “ભલે તે દૈવી હસ્તક્ષેપ હોય, ગૌવંશ હસ્તક્ષેપ હોય કે અન્ય કોઈ પ્રકારનો હસ્તક્ષેપ. જો કોઈ ન્યાયાધીશ આના આધારે નિર્ણય આપે તો તે બંધારણ પ્રત્યેની પોતાની શપથનું ઉલ્લંઘન કરે છે. તમારે (ન્યાયાધીશોને) ફક્ત સંવિધાન અને કાયદા પ્રત્યેની શપથ પર જ ચાલવું જોઈએ અને જ્યારે તમે બંધારણ અને કાયદા પ્રત્યેની શપથ પર ચાલો છો ત્યારે તમે નિશ્ચિતપણે તમારી નૈતિકતાને પણ સાથે લાવો છો.”
પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય સુધી પહોંચવા માટે શ્રદ્ધાનો આશરો લેવા વિશેની તેમની ટિપ્પણી અને હિંદુઓ દ્વારા પવિત્ર ગણાતા ગૌવંશનો ઉલ્લેખ સુપ્રીમ કોર્ટમાં ઊંડે રહેલા હિંદુવિરોધી પૂર્વગ્રહને રેખાંકિત કરે છે.
સુપ્રીમ કોર્ટમાં હિંદુવિરોધી વલણનો બીજો વિવાદાસ્પદ મામલો આ ઘટનાના બીજા દિવસે સામે આવ્યો. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ ખજુરાહોમાં મુઘલ આક્રમણકારો દ્વારા અપવિત્ર કરાયેલ ભગવાન કૃષ્ણની ખંડિત મૂર્તિના પુનઃસ્થાપન માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી અને અરજદારની મજાક ઉડાવી. તેમણે આ દરમિયાન ટિપ્પણી કરી, “તેના બદલે જાઓ અને ભગવાનને કહો કે કશુંક કરે.”
ધર્મનિરપેક્ષ રાજ્ય માટે બંધુત્વ જરૂરી – જસ્ટિસ નરીમન
‘સાંસ્કૃતિક અધિકારો અને કર્તવ્યોનું સંરક્ષણ’ વિષય પર પોતાનું વ્યાખ્યાન આપતા જસ્ટિસ નરીમને ભારપૂર્વક જણાવ્યું કે, સંવિધાનના મૂળમાં રહેલા બંધુત્વને પ્રાપ્ત કરવા માટે ધર્મનિરપેક્ષતા આવશ્યક છે.
તેમણે આગળ કહ્યું કે, 42મા સંશોધન દ્વારા પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષતા શબ્દ ઉમેરાયો તે પહેલાં જ તે સંવિધાનમાં ઉલ્લેખિત હતો. તેમણે કહ્યું, “એમ કહેવું ખોટું છે કે ધર્મનિરપેક્ષતા ફક્ત 42મા સંશોધન દ્વારા જ લાગુ કરવામાં આવી. તેનો કેટલોક ભાગ પહેલાંથી જ સંવિધાનમાં હતો… હવે મારા મતે, બંધુત્વ હાંસલ કરવાની દિશામાં ધર્મનિરપેક્ષતા એક આવશ્યક પગલું છે. ધર્મશાસિત રાજ્યમાં બંધુત્વ હોય શકે નહીં.”
જસ્ટિસ નરીમને તેમના નવા પુસ્તક ‘એન ઓડ ટુ ફ્રેટરનિટી’ વિશે પણ વાત કરી. આ પુસ્તકમાં વિશ્વના વિવિધ ધર્મો વિશે જણાવાયું છે. નરીમને કહ્યું કે, આ પુસ્તક લખતા પહેલાં તેમણે અનેક ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રોહિન્ટન નરીમને મંદિરોની માગણી કરતા હિંદુઓને ‘તાનાશાહ-અત્યાચારી’ ગણાવ્યા. તેમણે 2019માં અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ચુકાદો આપનારી પાંચ ન્યાયાધીશોની ખંડપીઠની ટીકા કરી અને કહ્યું કે આ ચુકાદો ‘ન્યાયની મજાક’ છે. આ ચુકાદાએ ધર્મનિરપેક્ષતાના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે.
નરીમને કહ્યું, “આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખા દેશમાં હાઈડ્રા હેડ્સ (રાક્ષસો) ઉભરી રહ્યા છે, દરેક જગ્યાએ કેસ દાખલ થઈ રહ્યા છે. હવે ફક્ત મસ્જિદો જ નહીં, દરગાહો પર પણ. આ બધું સાંપ્રદાયિક તણાવ અને વૈમનસ્ય પેદા કરી શકે છે, જે આપણા બંધારણ અને પૂજા સ્થળ અધિનિયમ, બંનેમાં રહેલ જોગવાઈઓની સંપૂર્ણ વિરુદ્ધ છે. સંવિધાન પીઠ ધર્મનિરપેક્ષતા પર પાંચ પાનાં ખર્ચે છે અને કહે છે કે તમે પાછળ જોઈ શકતા નથી. ધર્મનિરપેક્ષતા એ સંવિધાનના મૂળભૂત માળખાનો ભાગ છે… દરેક ધાર્મિક પૂજા સ્થળ 15 ઓગસ્ટ, 1947ની સ્થિતિ પ્રમાણે રહેશે. હવે જે કોઈ તેને બદલવાનો પ્રયાસ કરશે, તેના કેસ ફગાવી દેવામાં આવશે.”
પૂર્વ ન્યાયાધીશે અતિક્રમણ અને નષ્ટ થયેલા મંદિરોને પુનઃપ્રાપ્ત કરવા માટે કાનૂની ઉપાયની માગણી કરતા હિંદુઓને ‘હાઈડ્રા હેડ્સ’ ઘોષિત કર્યા. એક પૂર્વ ન્યાયાધીશે કાનૂની ઉપાયની માગણી કરતા અને કાયદાનું પાલન કરતા હિંદુઓને ખલનાયક બનાવી દીધા. પુરાવા અને યોગ્યતાના આધારે હિંદુઓની તરફેણમાં ચુકાદો આપનારી કોર્ટને તે જ ન્યાયાધીશે મુસ્લિમો સાથે ‘ન્યાયની મજાક’ ગણાવી.
નરીમને વિવાદાસ્પદ પૂજા સ્થળ અધિનિયમનો સખત અમલ કરવાની હિમાયત કરી, જેથી મંદિરો પર ફરીથી હક્ક મેળવવા માટે બીજો કોઈ કેસ દાખલ ન થઈ શકે. તેમના ભાષણોમાંથી એવો સંકેત મળે છે કે ‘ધર્મનિરપેક્ષતા’ જાળવવા માટે હિંદુઓએ પોતાનો દાવો છોડી દેવો જોઈએ અને ચૂપ રહેવું જોઈએ.
આ લેખ મૂળ અંગ્રેજીમાં છપાયેલો છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.


