Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝને રાહત: કોર્ટે વચગાળાના જામીન આપ્યા,...

    200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝને રાહત: કોર્ટે વચગાળાના જામીન આપ્યા, ઇડી પાસે જવાબ માંગ્યો

    સુકેશ ચંદ્રશેખર સબંધિત કેસમાં આરોપી છે જેકલીન, નિયમિત જામીન ન મળે ત્યાં સુધી વચગાળાના જામીન મળ્યા.

    - Advertisement -

    સુકેશ ચંદ્રશેખર સબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને કોર્ટ તરફથી રાહત મળી છે. સોમવારે પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રીને વચગાળાના જામીન આપ્યા હતા. તેમજ કોર્ટે ઇડી પાસે જવાબ પણ માંગ્યો હતો. 

    જેકલીને દાખલ કરેલી અરજી પર સોમવારે એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે સુનાવણી હાથ ધરી હતી. અભિનેત્રીની વિનંતી પર કોર્ટે જેકલીન ફર્નાન્ડિઝને પચાસ હજાર રૂપિયાના બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા છે. આ ઉપરાંત, કોર્ટે એજન્સી ઇડી પાસે જવાબ પણ માંગ્યો છે. કેસની આગામી સુનાવણી 22 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. 

    રિપોર્ટ અનુસાર, જેકલીને તેની નિયમિત જામીન અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી વચગાળાના જામીન આપવા માટે કોર્ટને અપીલ કરી હતી, જે કોર્ટે માન્ય રાખી હતી. હાલ તેની નિયમિત જામીન માટેની અરજી (Regular Bail plea) કોર્ટમાં છે, જેની ઉપર જ ઇડીનો જવાબ માંગવામાં આવ્યો છે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી પોલીસની આર્થિક ગુનાઓ સબંધિત શાખાએ સુકેશ ચંદ્રશેખર સબંધિત 200 કરોડની ઠગાઈના કેસ મામલે જેકલીન ફર્નાન્ડિઝની લગભગ આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન જેકલીન ઘણા સવાલોના જવાબો આપવાથી બચતી જણાઈ હતી.

    એજન્સીએ આ કેસમાં અન્ય એક આરોપી પિંકી ઈરાનીને પણ સમન્સ પાઠવ્યા હતા. જોકે, બંનેના જવાબો મેળ ખાતા ન હોવાનું જાણવા મળ્યું છે. પિંકીને પહેલેથી જ જામીન મળી ગયા છે. પિંકીએ જ જેકલીન અને સુકેશની મુલાકાત કરી હોવાનું કહેવાય છે. 

    સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીન ફર્નાન્ડિઝનું કનેક્શન હવે જાણીતું છે. અભિનેત્રીને ઇડીએ 215 કરોડ રૂપિયાની વસૂલીના કેસમાં આરોપી બનાવી છે. તેની સામે ઇડીએ કોર્ટ સમક્ષ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. 

    દિલ્હી પોલીસે વર્ષ 2017માં પહેલીવાર ઠગ સુકેશ ચંદ્રશેખરની 2 કરોડની છેતરપિંડીના એક કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી અત્યાર સુધી તેની સામે છેતરપિંડી, લાંચ, હત્યાના પ્રયાસ સહિતના આરોપો હેઠળ કુલ 34 કેસ દાખલ કરવામાં આવી ચૂક્યા છે. 

    તપાસમાં સુકેશ અને જેકલીન ફર્નાન્ડિઝ વચ્ચેના સબંધો અંગે પણ વિગતો સામે આવી હતી અને એ પણ જાણવા મળ્યું હતું કે મહાઠગે અભિનેત્રીને અનેક મોંઘી ભેટો આપી હતી. EDનો અંદાજ છે કે સુકેશ ચંદ્રશેખરે તેને 5.71 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. તે સિવાય જેકલીનના સંબંધીઓને 173,000 યુએસ ડોલર અને 27,000 ઓસ્ટ્રેલિયન ડોલર લોન તરીકે આપવામાં આવ્યા હતા.

    આ ભેટોમાં પર્શિયન બિલાડીઓ, અરેબિયન ઘોડો, મોંઘી ઘડિયાળ, ડિઝાઈનર બેગ, ફૂટવેર અને મોંઘી કારનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, સુકેશે જેકલીનના પરિજનોને પણ છૂટા હાથે ભેટો આપી હોવાનું બહાર આવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં