Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલાખોની કિંમતની બિલાડી, મોંઘી ઘડિયાળ, કરોડોની કાર: ઠગ સુકેશે જેકલીનને આપી હતી ...

    લાખોની કિંમતની બિલાડી, મોંઘી ઘડિયાળ, કરોડોની કાર: ઠગ સુકેશે જેકલીનને આપી હતી  અનેક મોંઘી ગિફ્ટ, સામે આવી યાદી

    સુકેશ ચંદ્રશેખર સબંધિત કરોડોની વસૂલીના કેસમાં હવે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને પણ આરોપી બનાવવામાં આવી છે.

    - Advertisement -

    પ્રવર્તન નિદેશાલયે જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરની કરોડો રૂપિયાની વસૂલી મામલે બૉલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિઝને આરોપી બનાવી છે. બીજી તરફ, જેકલીન વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઇડી અન્ય એક ફરિયાદ પણ દાખલ કરે તેવી શક્યતા છે. નોંધનીય છે કે રૈનબેકસીના પ્રમોટર શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહ પાસેથી 215 કરોડ રૂપિયાની વસૂલી મામલે દિલ્હી પોલીસે સુકેશની ધરપકડ કરી હતી.

    અત્યાર સુધી આ કેસમાં જેકલીનની પૂછપરછ થતી રહી હતી પરંતુ હવે તેને કેસમાં આરોપી બનાવવામાં આવી છે. આરોપી બનાવવામાં આવ્યા બાદ અભિનેત્રીના વકીલ પ્રશાંત પાટીલે જણાવ્યું કે તેમને આ બાબતની જાણકારી મીડિયા તરફથી મળી છે. ઇડી તરફથી હજુ સુધી કોઈ પણ અધિકારીક જાણકારી આપવામાં આવી નથી. 

    પાટીલે કહ્યું કે જો જેકલીનને આરોપી બનાવવામાં આવી હોય તો તે દુર્ભાગ્યપૂર્ણ છે અને ઉમેર્યું હતું કે તે સ્વયં પીડિત છે, આરોપી નહીં. વકીલે કહ્યું કે, અભિનેત્રી એક મોટા ષડ્યંત્રનો શિકાર બની છે. તેણે તપાસ દરમિયાન ઇડીને દરેક રીતે સહકાર આપ્યો હતો અને તમામ જાણકારી આપી હતી. તેમણે દાવો કર્યો કે તેમ છતાં ઇડી તેની સાથે થયેલા છેતરપિંડી સમજવામાં નિષ્ફ્ળ રહી હતી. 

    - Advertisement -

    રિપોર્ટ્સ અનુસાર, સુકેશ એક ગુનેગાર હોવાનું અને બળજબરીથી વસૂલી કરતો હોવાનું જેકલીન જાણતી હતી. સુકેશે તેને 10 કરોડ રૂપિયાની ભેટ-સોગાદો આપી હતી. ઇડીએ અગાઉ જેકલીનની 7.2 કરોડની ફિક્સ ડિપોઝીટ જપ્ત કરી લીધી હતી. 

    જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર અને અભિનેત્રી જેકલીન વચ્ચેના સબંધો અવારનવાર મીડિયામાં ચમકતા રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જેકલીને જેલમાં બંધ સુકેશ સાથે મુલાકાત પણ કરી હતી. બીજી તરફ, જાણવા મળ્યું છે કે સુકેશે જેકલીનને જ નહીં પરંતુ તેના પરિવારના સભ્યોને પણ મોંઘી ગિફ્ટ આપી હતી. 

    જાણવા મળ્યું છે કે, સુકેશે જેકલીનની માતાને લક્ઝરી કાર માઝેરાટી અને પોર્શે ભેટમાં આપી હતી. તેણે અમેરિકામાં રહેતી જેકલીનની બહેનને લોન તરીકે 1.50 લાખ યુએસ ડોલર (લગભગ રૂ. 1.20 કરોડ) આપ્યા હતા. ઉપરાંત, ઓસ્ટ્રેલિયામાં રહેતા જેકલીનના ભાઈને પણ 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. 

    સુકેશે જેકલીનને ડિઝાઇનર્સ ગુચી, ચેનલ અને વાયએસએલ બિર્કિનની મોંઘી બેગ અને ઇયરિંગ્સ ભેટમાં આપ્યાં હતાં. આ ઉપરાંત, વાઈએસએલ, લુઇ વુઇટન અને ગુચીના બુટ, કાર્ટિયર બંગડીઓ, હેમીઝ અને ટીફનીની બંગડીઓ તેમજ રોલેક્સ, રોઝર ડુબુઇસ અને ફ્રેન્ક મૂલરની લગ્ઝરી ઘડિયાળ આપી હતી. 

    સુકેશે જેકલીનને એક BMW (5) અને મિની કૂપર કાર પણ ભેટમાં આપી હતી. જોકે, જેક્લીને તેને પરત કરી દીધી હોવાનો દાવો કર્યો છે. આ સિવાય બે ગુચી જિમવેર, 52 લાખ રૂપિયાની કિંમતનો એક અરેબિયન ઘોડો એસ્પ્યુએલા, 9-9 લાખ રૂપિયાની ત્રણ પર્શિયન બિલાડીઓ પણ આપવામાં આવી હતી. સુકેશે જેકલીન માટે એક પ્રાઈવેટ જેટ પણ ભાડે લીધું હોવાનું સામે આવ્યું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં