ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુરાદાબાદ (Moradabad) જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલા નિદા જાવેદને તેના પતિ એજાઝુલ આબેદીન દ્વારા ટ્રિપલ તલાક (Triple Talaq) આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ટ્રિપલ તલાકનું કારણ કે, તેણે સંભલ હિંસા (Sambhal Violence) અંગે પોલીસ કાર્યવાહીનું સમર્થન કર્યું હતું. પતિએ મહિલાને ‘કાફિર’ અને ‘મુસલમાનોની દુશ્મન’ કહીને ઘરની બહાર કાઢી મુકી હતી. આ ઉપરાંત આરોપ છે કે, તેણે મહિલા સાથે મારપીટ પણ કરી હતી.
નિકાહ બાદથી જ નારાજ હતો આરોપી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિતા નિદા જાવેદે જણાવ્યું કે, તેના પહેલા નિકાહ 2012માં થયા હતા, જેનાથી તેને ત્રણ બાળકો છે. 2021માં તલાક પછી પાડોશમાં રહેતા એજાઝુલ આબેદિન સાથે તેનો સંબંધ બંધાયો હતો. એજાઝુલે તેને નિકાહના બહાને ગુરુગ્રામ બોલાવી હતી અને તેની સાથે રહેવા લાગ્યો હતો. દબાણ વધવાના કારણે અને પોલીસની દરમિયાનગીરી બાદ તેણે પીડિતા સાથે નિકાહ કરી લીધા હતા. નિકાહ બાદ એજાઝુલ તેને દહેજ માટે પણ ત્રાસ આપવા લાગ્યો હતો. નિદાએ જણાવ્યું કે, તેનો પતિ ઘણીવાર નાની-નાની બાબતો પર ઝઘડતો હતો, પરંતુ જ્યારે તેણે સંભલ હિંસા મામલે પોલીસ કાર્યવાહીનું સમર્થન કર્યું ત્યારે મામલો વધુ વણસી ગયો હતો.
પોલીસ કાર્યવાહીનું સમર્થન કર્યું તો આપી દીધા ટ્રિપલ તલાક
મહિલાએ જણાવ્યું કે, એક દિવસ ઘરમાં સંભલ હિંસા અંગે ચર્ચા ચાલી રહી હતી. નિદાએ કહ્યું કે, પોલીસે પથ્થરબાજો પર લાઠીઓ ચલાવીને યોગ્ય કર્યું. આ સાંભળીને એજાઝુલ ગુસ્સે થઈ ગયો અને તેણે તેને મુસ્લિમોની દુશ્મન ગણાવીને ટ્રિપલ તલાક આપી દીધા. નિદાએ આરોપ લગાવ્યો કે, એજાઝુલે તેને કાફિર પણ ગણાવી અને વિડીયો જોવાને લઈને વાંધો પણ ઉઠાવ્યો હતો. નિદાના કહેવા પ્રમાણે, તેના જેઠે પણ તેની સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના માટે તેણે ફરિયાદ પણ નોંધાવી હતી.
પીડિતાએ SSP ઓફિસમાં પોતાની ફરિયાદ નોંધાવી છે. SSP સતપાલ અંતિલે કહ્યું કે, મહિલાની ફરિયાદ પર FIR નોંધવાની સૂચના આપવામાં આવી છે અને આ મામલે તપાસ પણ ચાલી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પીડિત મહિલાના વકીલ અભિષેક શર્માએ કહ્યું કે, બંધારણની કલમ 19 હેઠળ દરેક નાગરિકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. પછી તે કોઈની ટીકા હોય કે સમર્થન. જો આ આધારે કોઈ મહિલાને હેરાન કરવામાં આવે તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.