રાજકોટમાં (Rajkot) છેતરપિંડીનો એક મામલો સામે આવ્યો છે. ફરિયાદ છે કે હજ અને ઉમરાહ માટે સાઉદી અરેબિયા જવાના નામે મુસ્લિમ સમુદાય અનેક લોકો ફ્રોડ આચરવામાં આવ્યું છે. આરોપ ટ્રાવેલ્સ કંપની ચલાવતા બે મુસ્લિમ સમુદાયના જ ઇસમો સામે લાગ્યો છે. આ મામલે રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં ઇવેન્ટ ડેકોરેશનનું કામકાજ કરનારા સમીર મુલતાનીએ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર ઘટના મામલે ફરિયાદ નોંધવી હતી. તેમની ફરિયાદ અનુસાર, એક વર્ષ પૂર્વે તેમણે અને તેમની બીવીએ તેમના અબ્બા-અમ્મીને હજ તથા ઉમરાહની મજહબી યાત્રા પર મોકલવાનું વિચાર્યું હતું. જે અંતર્ગત તેમણે ભગવતીપરા વિસ્તારમાં આવેલ રઝવી ટુર એન્ડ ટ્રાવેલ્સના માલિક અફઝલભાઈ, ફિરોઝભાઈ તેમજ બિસ્મિલ્લા બહેનનો સંપર્ક કર્યો હતો.
14 લાખથી વધુ પડાવ્યા હોવાનો આરોપ
સમીર મુલતાનીના જણાવ્યા અનુસાર, 14 જુલાઈ 2024ના રોજ તેમને રૂબરૂ મળીને પૂછપરછ કરતાં ટ્રાવેલ્સવાળાએ સાઉદી અરબ જવા માટેની ટિકિટ, પાસપોર્ટ તેમજ અન્ય વ્યસ્થાઓ કરવા અલગ તારીખો માટે 61,000-75000ના ખર્ચ અંગે જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે તેમના અમ્મી-અબ્બા, બીવી સહિત 6 ટિકિટ અને પરિવારના અન્ય લોકો સહિત 19 લોકોની ટિકિટના કુલ ₹14,06,000 જમા કરાવ્યા હતા.
ફરિયાદી અનુસાર, રઝવી ટ્રાવેલ્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમનું પેકેજ અમદાવાદથી અમદાવાદનું હશે, પરંતુ જ્યારે તેઓ 4 જાન્યુઆરીએ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ટ્રાવેલ્સના અફઝલભાઈ, ફિરોઝભાઈ તેમજ બિસ્મિલ્લાબહેન સહિતના બધાના ફોન નંબર બંધ આવવા લાગ્યા.
ફરિયાદીના જણાવ્યા મુજબ તેમની સાથે અન્ય 60 લોકોનું બુકિંગ હતું, જેમાંથી કોઈકને પૂછતાં બિસ્મિલ્લા અંગે જાણકારી મળી. જ્યારે તેઓ બિસ્મિલ્લાને મળવા બગોદરા હાઇવે પહોંચ્યા અને પાસપોર્ટ અને ટિકિટ બાબતે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “તમારા બધાના પાસપોર્ટ મારી પાસે છે. ફ્લાઇટની ટિકિટો અફઝલ તથા ફિરોઝ પાસે છે. તેઓ હાલ ક્યાં છે તેની મને ખબર નથી. તે બંનેના ફોન બંધ આવે છે. બંનેએ મારી પાસે 60 વ્યક્તિઓનું બુકિંગ કરાવ્યું છે અને તેઓ રૂપિયા ઉચાપત કરી ગયા છે.”
સમીર મુલતાનીએ જણાવ્યા અનુસાર છેતરપિંડીનો ભોગ બનનાર લોકો રાજકોટ, જેતપુર, મોરબી, ટંકારા, વાંકાનેર અને ગોંડલના છે. જે દિવસે તેનો પરિવાર અમદાવાદ પહોંચ્યો હતો ત્યારે ત્રણ ગ્રુપના અંદાજે 217 યાત્રાળુઓને અલગ-અલગ ફલાઈટના શેડ્યુલ જણાવી અમદાવાદ બોલાવાયા હતા. રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અફઝલ રૂમી, ફિરોઝ તેમજ બિસ્મિલ્લા તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ BNSની કલમ 316 (2), 318(4) હેઠળ ગુનો નોંધ્યો હતો.
સાઉદી અરેબિયા આપી ચૂક્યું છે ચેતવણી
ઉલ્લેખનીય છે હજ મામલે ઘણા સમયથી એક વિવાદ ચાલી રહ્યો છે. જે અંતર્ગત સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. કારણ કે પાકિસ્તાનથી હજ-ઉમરાહના નામે ભીખારીઓ સાઉદી અરેબિયા જાય છે અને ત્યાં મક્કા-મદીના બહાર ભીખ માંગતા હોય છે. જેના કારણે સાઉદી અરેબિયા ઘણું ત્રાસી ચૂક્યું છે અને પાકિસ્તાનને ધમકી તથા ચેતવણી પણ આપી છે.