મોદી સરકાર (PM Narendra Modi) આવ્યા પછી ભ્રષ્ટાચાર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) કાર્યવાહીમાં નોંધપાત્ર વધારો થયો છે. EDએ 2014થી લાખો કરોડો રૂપિયાની ભ્રષ્ટ સંપત્તિ જપ્ત કરી છે અને ઘણા મામલામાં આ સંપત્તિ પીડિતોને અથવા એજન્સીઓ સુધી પહોંચાડી છે. છેલ્લાં વર્ષોમાં EDએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સજા અપાવવામાં પણ મોટી સફળતા મેળવી છે. આ અંગેના કેટલાક આંકડા પણ સામે આવ્યા છે.
95% સંપત્તિઓ મોદી સરકારના કાર્યકાળમાં થઇ જપ્ત
હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં તપાસ એજન્સી ED 2005માં લાગુ કરાયેલા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ₹1.45 લાખ કરોડની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે. ત્યારે માત્ર 2024માં જ એજન્સીએ ₹21 હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.
આ ₹1.45 લાખ કરોડમાંથી ₹1.40 લાખ કરોડ મોદી સરકારના શાસનકાળમાં જ જપ્ત કરવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે ભ્રષ્ટાચારની રકમ 95% જપ્ત મોદી સરકારના શાસનમાં થઈ છે. PMLA હેઠળ EDએ ન માત્ર મિલકતો જપ્ત કરી છે પરંતુ લોકોને કાયદાના દાયરામાં લાવવામાં પણ સફળતા મેળવી છે.

EDએ અત્યાર સુધીમાં PMLA હેઠળ 44 કેસોમાં 100 લોકોને દોષસિદ્ધિ સુધી પહોંચાડ્યા છે. છેલ્લા એક વર્ષમાં આ કાર્યવાહીને વેગ મળ્યો છે. 2024-25ના શરૂઆતના 9 મહિનામાં 100માંથી 36 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા. EDએ તેની સ્થાપના પછીથી લઈને અત્યાર સુધીમાં કુલ 911 લોકોની ધરપકડ કરી છે.
નાણાકીય મામલા અંગે કામ કરતી આ એજન્સી છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોટા રાજકારણીઓ, હવાલા ઓપરેટરો અને અમલદારોને પણ પકડવામાં સફળ રહી છે. પાછલાં વર્ષોમાં એજન્સીની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે. તેને ઘણા નવા અધિકારીઓ અને કર્મચારીઓ પણ મળ્યા છે. એજન્સીએ માંગ કરી છે કે તેના સ્ટાફની ક્ષમતા ત્રણ ગણી વધારવામાં આવે.
કોંગ્રેસ સરકારમાં લાગુ થયો PMLA, પણ ઉપયોગ કર્યો મોદી સરકારે
PMLA કાયદો અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની વાજપેયી સરકારે ઘડ્યો હતો. જે 2002માં સંસદે પસાર કર્યો હતો. આ કાયદો મની લોન્ડરિંગ રોકવા, ગુનાહિત પૈસાથી મેળવેલી મિલકત પાછી લેવા અને ગુનેગારોને ન્યાય અપાવવા માટે બનાવવામાં આવ્યો હતો.
આ કાયદાની જોગવાઈઓ ખૂબ જ કડક છે અને આ મામલે ફસાયેલા આરોપી છટકી શકતા નથી. આમાં જામીન મેળવવા પણ ઘણા કઠિન છે. આ કાયદા પહેલાં ભ્રષ્ટાચાર કરીને મેળવેલી આવક અંગે કોઈ સ્પષ્ટ કાયદો નહોતો. આવી સ્થિતિમાં લોકો જુદા-જુદા કાયદાઓમાં છટકબારી શોધીને છટકી જતા હતા. પરંતુ નવા કાયદા પછી EDની સત્તાઓમાં વધારો થયો. આ કાયદો 2005માં કોંગ્રેસ સરકારે લાગુ કર્યો હતો. કોંગ્રેસ સરકારે તેમાં બે વાર સુધારો પણ કર્યો. આ કાયદાને કારણે કોંગ્રેસ સરકારે કેટલીક કાર્યવાહી કરી હતી પરંતુ ભ્રષ્ટાચારના કેસોમાં કોઈ ખાસ ફરક પડ્યો નહોતો.
પરંતુ મોદી સરકારે 2014 પછી આ કાયદાનો અસરકારક રીતે ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. એનું જ પરિણામ છે કે EDએ 2005-14 દરમિયાન કાળા નાણાંથી કમાયેલી ₹5 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી હતી, પરંતુ મોદી સરકાર દરમિયાન આ આંકડો લગભગ 28 ગણો વધી ગયો.
EDને માત્ર સંપત્તિઓ જપ્ત કરવાના મામલામાં જ નહીં પરંતુ પીડિતોને તે રકમ પરત અપાવવામાં પણ મોટી સફળતા મળી રહી છે. 2024માં જ EDએ પીડિતો અથવા બેંકોને ₹7 હજાર કરોડની સંપત્તિ પરત કરી છે. આવી સ્થિતિમાં ભ્રષ્ટાચાર કરીને કમાવાયેલા રૂપિયાની પણ વસૂલી થઇ ગઈ છે.
મેહુલ ચોકસી, નીરવ મોદી અને સારદા ચિટ ફંડ જેવા કૌભાંડોમાં પૈસા પાછા મેળવવામાં ED સફળ રહી છે. આ મામલાઓમાં સામાન્ય લોકો અને બેંકોને મોટી માત્રામાં ચૂનો લગાવવમાં આવ્યો હતો. EDની કાર્યવાહીને કારણે હવે રાજ્ય પોલીસ પણ ઘણા આર્થિક ગુનાઓમાં તેની મદદ લઈ રહી છે.