પંજાબની (Punjab) ઓળખ છે તેની શીખ (Sikh) વસ્તી અને ઉપજાઉ જમીન. જોકે, જમીનની સ્થિતિ તો ઘણા અંશે બગડી ગઈ છે. પરંતુ હવે ત્યાંની શીખ વસ્તી પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, પંજાબમાં ઝડપથી ડેમોગ્રાફી (Demography Changes) બદલાઈ રહી છે અને શીખ સમુદાયની વસ્તીનું ખ્રિસ્તી (Christian) પંથમાં ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે, કન્વર્ટેડ ખ્રિસ્તીઓ પોતાના બધા જ દસ્તાવેજોમાં હજુ પણ હિંદુ કે શીખ તરીકેની ઓળખ દર્શાવીને અનેક લાભો પણ મેળવી રહ્યા છે.
આજતકના એક ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર, 14 વર્ષ પહેલાં થયેલી વસ્તી ગણતરીમાં પંજાબમાં હિંદુ-શીખ સમુદાયની વસ્તી 95.5% હતી અને ખ્રિસ્તી સમુદાયની વસ્તી 1.5%થી પણ ઓછી હતી. જ્યારે હમણાંની સ્થિતિમાં પંજાબમાં ખ્રિસ્તી પંથના અનુયાયીઓની વસ્તી 15%થી પણ વધુ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, આ કન્વર્ટ થયેલા ખ્રિસ્તીઓએ હજુ સુધી પોતાના દસ્તાવેજોમાં શીખ-હિંદુ તરીકેની ઓળખ રાખી છે અને તેના લાભો પણ મેળવી રહ્યા છે.
રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે, વર્ષ 2000ની આસપાસ કેનેડા અને અમેરિકા થઈને ઈસાઈ પંથની એક શાખા પંજાબમાં આવી હતી. તેના કારણે હવે સ્થિતિ એવી છે કે, પંજાબની ઘણી વસ્તી શીખ પંથને છોડીને પેંટેકોસ્ટલ ચર્ચ અને મિનિસ્ટ્રીઝ સાથે જોડાઈ ચૂકી છે. સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે, પંજાબમાં ખ્રિસ્તી મિશનરીઓએ 19મી સદીથી ખ્રિસ્તી પંથનો ફેલાવો શરૂ કરી દીધો હતો. 1834માં અમેરિકી પ્રોટેસ્ટેન્ટ મિશનરી રાજ્યમાં આવ્યા અને લુધિયાણાથી ઑપરેટ કરવા લાગ્યા. બ્રિટિશ શાસન દરમિયાન કેથોલિક મિશનરી પણ કામ કરવા લાગ્યા હતા.
દલિત હિંદુ-શીખ સોફ્ટ ટાર્ગેટ, મિશનરીઓ સામે આર્ય સમાજે લીધી ટક્કર
વધુમાં તે પણ કહેવાય રહ્યું છે કે, પંજાબમાં મિશનરીઓનો સોફ્ટ ટાર્ગેટ હિંદુ-શીખ દલિત છે. કેથોલિકથી લઈને પ્રોટેસ્ટેન્ટ મિશનરીઓ દલિત સમાજમાં વધુ ધ્યાન આપતા રહ્યા છે. ધર્માંતરણ એટલું વધી ગયું હતું કે, સ્પષ્ટપણે સમાજમાં તેને જોઈ શકાતું હતું. પરંતુ આખરે 1875માં આર્ય સમાજનો પાયો નખાઈ ગયો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીએ તેની સ્થાપના કરી હતી. જોકે, તેનો મુખ્ય એજન્ડા હિંદુ ધર્મમાં સુધાર અને વેદો તરફ વાળવાનો હતો. પરંતુ તેનો એક ધ્યેય ખ્રિસ્તી અને ઇસ્લામી ધર્માંતરણ પર રોક લગાવવાનો પણ હતો.
આર્ય સમાજનું ઘરવાપસી અભિયાન પંજાબમાં ખૂબ ઝડપથી વધી રહ્યું હતું. તે હેઠળ શુદ્ધિકરણ સમારોહ કરવામાં આવતો હતો અને તેમાં પોતાનું મૂળ બદલી ચૂકેલા શીખ-હિંદુઓને ફરીથી વૈદિક ધર્મ સાથે જોડવામાં આવી રહ્યા હતા. જેના કારણે રાજ્યમાં ખ્રિસ્તી ધર્માંતરણ અવળું પડ્યું હતું. સ્વતંત્રતા ચળવળ દરમિયાન પણ આર્ય સમાજે આ કામ પૂરજોશમાં ચલાવ્યું હતું.
વર્ષ 2000થી ફરી ચાલુ થયો ધર્માંતરણનો ખેલ
આર્ય સમાજના કારણે ઓગણીસમી સદીમાં ધર્માંતરણ ન બરાબર થતું હતું. પરંતુ ત્યારબાદ પંજાબથી ઘણા લોકો વિદેશ જવા લાગ્યા અને ત્યાંથી આવીને ફરી ધર્માંતરણનો ખેલ શરૂ કરવા લાગ્યા. ખાસ કરીને કેનેડા અને અમેરિકા જઈને આવતા પંજાબીઓ તેમાં મોટો ફાળો આપી રહ્યા હતા. આ દેશોમાં ખ્રિસ્તીઓની શાખા પેંટેકોસ્ટલ ખૂબ ફેલાઈ રહી હતી. ફેથ હીલિંગ, ભવિષ્યવાણીઓ અને જાદુટોણાં પર ચાલતી આ શાખાની ખાસ વાત એ હતી કે, તે દેશ અને રાજ્ય અનુસાર, ફ્લેવર બદલતી હતી અને સ્થાનિક લોકો સાથે ભળી જતી હતી.
વર્ષ 2000થી શરૂ થયેલા દાયકા કે તેથી વધુ સમયમાં ઘણા સામૂહિક ધર્માંતરણ થયા. જોકે, ખાસ વાત એ છે કે, ચર્ચોએ કન્વર્ટેડ હિંદુ-શીખોની બાહ્ય ઓળખ ન બદલવા માટેનો આગ્રહ રાખ્યો હતો. જેથી કરીને સ્થિતિ એવી આવી કે, તેઓ દસ્તાવેજમાં હિંદુ-શીખ રહ્યા, પરંતુ તેમની વિચારધારા અને ઉપાસનાવિધિ એકદમ બદલાઈ ગયા હતા. આજે સ્થિતિ એ છે કે, પંજાબમાં લગભગ 32% દલિત વસ્તી છે. તેમાં મઝહબી શીખ સહિત ઘણા સમુદાયોનો સમાવેશ થાય છે. તે પૈકીના મોટાભાગનાના નામ બલજીત અથવા કુલજીત છે, પરંતુ તેમના ઘરોમાં તેઓ સંપૂર્ણપણે ખ્રિસ્તી પંથ સાથે જોડાયેલા છે.
હાલમાં પંજાબમાં ચર્ચ પોતાને ઈસુનું મંદિર અથવા ખ્રિસ્તી લંગર તરીકે ઓળખાવે છે. સામાન્ય ચર્ચથી વિપરીત, પેંટેકોસ્ટલ શાખા જાણે છે કે, સ્થાનિક મૂડ અને પરંપરા અનુસાર પોતાને કેવી રીતે કસ્ટમાઈઝ કરવા. અહીં ખ્રિસ્તી પંથનાં પુસ્તકો પંજાબી અથવા હિન્દીમાં મળે છે. ખ્રિસ્તી પ્રેયરને અરદાસ કહેવામાં આવે છે તોપણ તે લોકોને કોઈ વાંધો નથી.
દસ્તાવેજમાં હિંદુ-શીખ ગણાવીને મેળવે છે લાભો
પંજાબમાં ખ્રિસ્તી પંથ અપનાવી ચૂકેલા મોટાભાગના લોકો આજે પણ પોતાના દસ્તાવેજોમાં હિંદુ-શીખ તરીકે ઓળખાય છે અને તેનો લાભ પણ મેળવે છે. મોટાભાગનું ધર્માંતરણ દલિત સમાજમાં થયું છે, પરંતુ પંજાબી દલિત પોતાને હિંદુ કે શીખ દલિત ઓળખાવીને સરકારી લાભો મેળવે છે અને ખ્રિસ્તી પંથનું પાલન કરે છે. ત્યાં સુધી કે તેઓ પોતાનો પહેરવેશ પણ નથી બદલતા અને નામ પણ તેનું તે જ રાખે છે. જોકે, દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી હાલ આ ધર્માંતરણને રોકવા માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ તેની અસર નહિવત છે.