ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal) શહેરને હવે તીર્થસ્થાન (Pilgrimage) તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. ભગવાન કલ્કિની અવતરણ ભૂમિ માનવામાં આવતી સંભલ નગરીમાં એક-એક કરીને તમામ સનાતન તીર્થસ્થાનો સામે આવી રહ્યાં છે. આ મુદ્દે હવે સરકાર પણ સક્રિય જોવા મળી રહી છે. સંભલના DM રાજેન્દ્ર પેંસિયાએ જણાવ્યું છે કે, સંભલને એક તીર્થસ્થાન તરીકે વિકસિત કરવામાં આવશે. આ સાથે જ તેમણે પ્રાચીન પુસ્તક ‘સંભલ માહાત્મ્ય’નો ઉલ્લેખ પણ કર્યો હતો.
તેમણે આ યોજના વિશે જણાવ્યું છે કે, સંભલ માહાત્મ્યમાં જે રીતે વર્ણન કરવામાં આવ્યું છે તે અનુસાર, સંભલના ત્રણેય ખૂણાઓ પર શિવ મંદિર છે. તેની વચ્ચે 87 દેવતીર્થ અને 5 મહાતીર્થ આવેલાં છે. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતાં તેઓ જણાવે છે કે, આ તીર્થસ્થાનો પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું. 87માંથી હમણાં સુધીમાં 60 દેવતીર્થોને શોધી કાઢવામાં આવ્યાં છે, જેમાંથી 44 દેવતીર્થો અતિક્રમણ મુક્ત થયાં છે.
#WATCH | Sambhal, UP | Sambhal DM Rajendra Pensia says, "As per Sambhal Mahatmya, three Shiv temples are present on the three corners of Sambhal. Between them, there are 87 Deva Tirtha and 5 Maha Tirtha. Till now, we have found 60 Deva Tirtha and removed encroachment from 44 out… pic.twitter.com/ZZiho3Xvui
— ANI (@ANI) February 23, 2025
તમામ દેવતીર્થો, મહાકૂપોને કરાશે જીવિત
DMએ વધુમાં કહ્યું કે, તમામ તીર્થોના પુનરુત્થાન માટે એક વિસ્તૃત DPR રિપોર્ટ બનાવીને સરકારને મોકલવામાં આવશે. તે સિવાય વંદન યોજના હેઠળ નગરપાલિકા પરિષદના 15મા નાણાં હેઠળ અને પર્યટન અને ધર્માર્થ વિભાગ અંતર્ગત જે પણ બજેટ આપવામાં આવી રહ્યું છે, તેનાથી આ તમામ તૈયારીઓ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે યમઘંટ તીર્થ, ચતિષ્મુખ કૂપ સહિત જેટલા પણ કૂપ છે, તેમને જલ્દીથી પુનર્જીવિત કરવામાં આવશે. કારણ કે વર્ષાઋતુ આવી રહી છે અને વરસાદના કારણે તેના માધ્યમથી જળ સંરક્ષણ પણ થશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણાં આ તીર્થોને જળતીર્થ કહેવામાં આવતાં હતાં, તેવામાં તેનો પુનરુદ્ધાર ખૂબ જરૂરી છે. આ સાથે જ તેમણે પર્યટન વિશે પણ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી સંભલમાં તીર્થયાત્રીઓ અને પર્યટકોની સંખ્યા વધી છે. ડીએમ અનુસાર, બહારથી તો લોકો આવી જ રહ્યા છે, પણ તેની સાથે ત્યાંનાં સ્થાનિક લોકો પણ આવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, તેમણે માત્ર પુસ્તકોમાં જ વાંચ્યું હતું કે, સંભલ એક તીર્થસ્થળ છે, હવે વાસ્તવિકતામાં પણ જોવા મળી રહ્યું છે.
તેમણે કહ્યું કે, 48 કિલોમીટરની 24 કોસી પરિક્રમા હવે પૂર્ણ થશે. આ સાથે જ તમામ તીર્થોનું સૌંદર્યીકરણ પણ ઝડપથી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ સંભલની અર્થવ્યવસ્થાનું મુખ્ય સાધન બનશે. જિલ્લાધિકારીએ આશા વ્યક્ત કરી છે કે, તીર્થોની મુક્તિ બાદ કાશી, મથુરા, અયોધ્યા અને પ્રયાગની જેમ સંભલ પણ આવનારા દિવસોમાં તીર્થાટનનું હબ બની જશે.