Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત યુનિવર્સીટી માનહાનિ કેસ: દિલ્હી સીએમ કેજરીવાલ અને AAP સાંસદ સંજય સિંઘ...

    ગુજરાત યુનિવર્સીટી માનહાનિ કેસ: દિલ્હી સીએમ કેજરીવાલ અને AAP સાંસદ સંજય સિંઘ આજે પણ હાજર ન રહ્યા, હવે આગલી સુનાવણી 26 જુલાઈએ 

    સુનાવણી દરમિયાન તેમના વકીલે કોર્ટને કહ્યું કે દિલ્હીમાં પૂરની સ્થિતિના કારણે બંને નેતાઓ આજે આવી શક્યા નથી જેથી નવી તારીખ આપવામાં આવે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલેના વિવાદમાં ગુજરાત યુનિવર્સીટીએ દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને AAP સાંસદ સંજય સિંઘ સામે કરેલા માનહાનિ કેસમાં આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આગલી સુનાવણીમાં કોર્ટે બંને નેતાઓને કોર્ટમાં હાજર રહેવા માટે કહ્યું હતું પરંતુ આજે તેઓ હાજર ન રહેતાં હવે નવી 26 જુલાઈની તારીખ પડી છે.  

    અમદાવાદ મેટ્રો કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંઘને આજે હાજર રહેવા માટે જણાવ્યું હતું પરંતુ સુનાવણી દરમિયાન તેમના વકીલે કોર્ટને કહ્યું કે દિલ્હીમાં પૂરની સ્થિતિના કારણે બંને નેતાઓ આજે આવી શક્યા નથી જેથી નવી તારીખ આપવામાં આવે. બીજી તરફ કુદરતી પરિસ્થિતિને સમજીને ગુજરાત યુનિવર્સીટીના વકીલે પણ તેનો વિરોધ કર્યો ન હતો. કોર્ટે પણ વિનંતી સ્વીકારીને હવે સુનાવણીની આગામી તારીખ 26 જુલાઈ, 2023 નક્કી કરી હતી અને જેમાં બંને નેતાઓને હાજર રહેવા માટે જણાવ્યું હતું. 

    શું છે કેસ? 

    - Advertisement -

    આ કેસ એક અન્ય કેસ સાથે સબંધિત છે. વાસ્તવમાં થોડાં વર્ષો પહેલાં દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન સમક્ષ અરજી કરીને પીએમ મોદીની ડિગ્રી અંગે વિગતો માંગી હતી. ત્યારબાદ કમિશને મોદીએ જ્યાં અભ્યાસ કર્યો હતો એ ગુજરાત યુનિવર્સીટી અને દિલ્હી યુનિવર્સીટી તેમજ PMOને આ વિગતો આપવા જણાવ્યું હતું. આ આદેશને ગુજરાત યુનિવર્સીટીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગત 31 માર્ચ, 2023ના રોજ ગુજરાત હાઇકોર્ટે ઇન્ફોર્મેશન કમિશનના આદેશને રદ કરીને કેજરીવાલને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

    હાઇકોર્ટના ચુકાદા બાદ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંઘે નિવેદનો આપતાં ગુજરાત યુનિવર્સીટી પર પીએમ મોદીની ડિગ્રી છુપાવવાના આરોપો લગાવ્યા હતા. જેને લઈને યુનિવર્સીટીએ અમદાવાદ મેટ્રો કોર્ટમાં બંને નેતાઓ સામે માનહાનિ થયાનો દાવો માંડ્યો હતો. 16 એપ્રિલ, 2023ના રોજ કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ મામલો માનહાનિનો લાગતાં યુનિવર્સીટીની અરજી સ્વીકારીને બંને નેતાઓને સમન્સ પાઠવ્યાં હતાં અને 23 મેના રોજ હાજર રહેવા જણાવ્યું હતું પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા. ત્યારબાદ 7 જૂનની બીજી સુનાવણીમાં પણ હાજર ન રહેતાં આજની તારીખ આપવામાં આવી હતી પરંતુ આજે પણ તેઓ હાજર રહી શક્યા ન હતા. હવે આ માનહાનિ કેસની આગામી સુનાવણી 26 જુલાઈના રોજ અમદાવાદ કોર્ટમાં હાથ ધરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં