Monday, November 11, 2024
More
    હોમપેજગુજરાત'તેની આટલી પબ્લિસિટી કેમ થઈ રહી છે?': 'ધ હિન્દુ'ના મહેશ લાંગાએ અરજી...

    ‘તેની આટલી પબ્લિસિટી કેમ થઈ રહી છે?’: ‘ધ હિન્દુ’ના મહેશ લાંગાએ અરજી પરત લેતા હાઈકોર્ટે કહ્યું- એ પત્રકાર હોય, રાજકારણી હોય કે ગમે તે હોય, કોર્ટ પોતાનું કામ કરશે

    જસ્ટિસ સંદીપ એન ભટ્ટે કહ્યું કે, "આ મામલાની આટલી પબ્લિસિટી કેમ થઈ રહી છે?" તેમણે વધુમાં કહ્યું કે, કોર્ટ સામે પ્રત્યેક વ્યક્તિ સમાન છે, ભલે પછી તે રાજકારણી હોય, પત્રકાર હોય કે કોઈ અન્ય વ્યક્તિ હોય.

    - Advertisement -

    GST કૌભાંડ (GST Scam) મામલે ધરપકડ કરાયેલા વામપંથી મુખપત્ર ‘ધ હિન્દુ’ના (The Hindu) ‘પત્રકાર’ મહેશ લાંગાને (Mahesh Langa) લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. મહેશ લાંગાના કેસને લઈને થઈ રહેલા હોબાળા પર ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સવાલ ઉઠાવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે, આ કેસને લઈને આટલી પબ્લિસિટી કેમ થઈ રહી છે? શા માટે આટલો હોબાળો થઈ રહ્યો છે? કોર્ટે કહ્યું કે, એ પત્રકાર હોય, રાજકારણી હોય કે ગમે તે હોય, કોર્ટ પોતાની રીતે પોતાનું કામ કરશે. કોર્ટે કહ્યું છે કે, અદાલત સમક્ષ તમામ લોકો સમાન છે અને તે રીતે જ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

    સોમવારે (14 ઑક્ટોબર) ‘ધ હિન્દુ’ના પત્રકાર મહેશ લાંગાએ પોતાની અરજી પરત ખેંચી લીધી હતી. તે અરજીમાં લાંગાને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાના મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. સોમવારે હાઈકોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીમાં લાંગાના વકીલે તે અરજી પરત ખેંચવાની માંગણી કરી હતી. દરમિયાન સુનાવણી વખતે હાઈકોર્ટે આ મામલે અનેક ટીપ્પણીઓ કરી હતી. મહેશ લાંગા મામલે થઈ રહેલા હોબાળા પર પણ કોર્ટે સવાલ ઉઠાવ્યા હતા.

    જસ્ટિસ સંદીપ એન ભટ્ટે કહ્યું કે, “આ મામલાની આટલી પબ્લિસિટી કેમ થઈ રહી છે?” તેમણે વધુમાં કહ્યું કે, કોર્ટ સામે પ્રત્યેક વ્યક્તિ સમાન છે, ભલે પછી તે રાજકારણી હોય, પત્રકાર હોય કે કોઈ અન્ય વ્યક્તિ હોય. કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી હતી, જ્યારે લાંગાના વકીલે મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને પડકારતી અરજી પરત ખેંચવાની માંગણી કરી હતી. આ માંગણી બાદ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ટિપ્પણી કરવામાં આવી હતી.

    - Advertisement -

    ‘આટલો પ્રચાર શા માટે?’- કોર્ટ

    હાઈકોર્ટના જસ્ટિસે કહ્યું કે, “આની આટલી વધી પબ્લિસિટી કેમ થઈ રહી છે? દરેક નાગરિક સમાન છે. અમે ઓછામાં ઓછા ચુકાદા દરમિયાન કોઈ પબ્લિસિટી નથી ઇચ્છતા. આ યોગ્ય નથી. એવું લાગે છે કે, કેટલાક પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, અમે આવા પ્રયાસોથી પ્રભાવિત નથી. આ બિલકુલ યોગ્ય નથી. બની શકે કે, તેને આ પબ્લિસિટીમાં રસ ન હોય, પરંતુ તેમની પાછળ જે છે….કારણ કે, આખી અરજી અથવા તો તેનો કેટલોક ભાગ પ્રકાશિત થઈ ચૂક્યો છે. આવું ન થવું જોઈએ. ચોક્કસપણે કઈક હતું. હવે હું ખુલાસો કરવા નથી માંગતો, કારણ કે, તમે અરજી પરત લઈ રહ્યા છો.”

    ગયા અઠવાડિયે આ મામલે સુનાવણી થઈ ત્યારે રાજ્યના વકીલે જણાવ્યું હતું કે, તેમને હમણાં સુધી લાંગાની અરજીની નકલ આપવામાં નથી આવી. તેથી કોર્ટે લાંગાના વકીલને આદેશ આપ્યો હતો કે, તેઓ તાત્કાલિક રાજ્યને નકલ અને અન્ય દસ્તાવેજો સોંપી દે. ઉપરાંત કોર્ટે આ અંગેની વધુ સુનાવણી 14 ઑક્ટોબરે હાથ ધરવાનું કહ્યું હતું. હવે જ્યારે એ અંગે સુનાવણી થઈ તો લાંગાના વકીલે કોર્ટેને કહ્યું હતું કે, પત્રકાર પોતાની અરજી પરત લેવા માંગે છે.

    આ અંગે જસ્ટિસ ભટ્ટે તે જાણવાની ઈચ્છા દર્શાવી હતી કે, શા માટે અરજી પરત ખેંચવામાં આવી રહી છે. જોકે, વકીલે કહ્યું હતું કે, તેને આ વિશે કોઈ જાણકારી નથી. ત્યારબાદ કોર્ટે આ મામલે પબ્લિસિટીના થઈ રહેલા પ્રયાસો પર સવાલો ઉઠાવ્યા હતા. ન્યાયાધીશે કહ્યું કે, “ચાહે કોઈપણ હોય. તે રાજકારણી હોય, પત્રકાર હોય કે સામાન્ય નાગરિક. કાયદાની અદાલત તો કાયદાની જ અદાલત છે. જ્યારે અમે વિચાર કરીએ છીએ તો તે ગુણ-દોષના આધારે કરીએ છીએ. આટલો બધો હોબાળો કેમ? મેં તમને તાત્કાલિક સૂચના આપી છે.”

    તે બાદ લાંગાના વકીલે દલીલ કરી હતી કે, તેમાં અદાલત વિરુદ્ધ કઈ પણ નહોતું. પ્રતિક્રિયા આપતા જસ્ટિસ ભટ્ટે જણાવ્યું હતું કે, “આ સ્પષ્ટપણે તમારા દ્વારા નહીં, પરંતુ જે પણ આવો પ્રયાસ કરી રહ્યા છે, તેના દ્વારા કરવામાં આવી રહ્યું છે.” જોકે, લાંગાએ અરજી પરત લેતા તે વિશે પછી કોઈ વધુ ચર્ચા કોર્ટ દ્વારા કરવામાં આવી નહીં.

    ‘ધરપકડ રાજકારણથી પ્રેરિત છે’- પોતાની અરજીમાં લાંગાએ કર્યો હતો આવો દાવો, હવે પરત ખેંચી યાચિકા

    ધરપકડ બાદ મેજિસ્ટ્રેટ કોર્ટે લાંગાને 10 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં લઈ જવાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણય વિરુદ્ધ લાંગા હાઈકોર્ટ પહોંચ્યો હતો અને અરજી દાખલ કરી દીધી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે, મેજિસ્ટ્રેટ કોર્ટે તેની વિરુદ્ધ કથિત ગુનામાં સંડોવણી અંગે કોઈ જાણકારી નોંધ્યા વિના જ તેને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. અરજીમાં વધુમાં કહેવાયું હતું કે, તેની (મહેશ લાંગાની) ધરપકડ રાજકારણથી પ્રેરિત છે અને આવું તેની પત્રકારિતા અને ગતિવિધિઓને રોકવા માટે કરવામાં આવી રહ્યું છે.

    આ આખો કેસ 11 ઑક્ટોબર (શુક્રવાર)ના રોજ હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો. તે સમયે લાંગાના વકીલે કહ્યું હતું કે, એવો કોઈપણ પુરાવો નથી કે, જે સાબિત કરી શકે કે, લાંગા તે 220 નકલી કંપનીઓ કે જે બનાવટી દસ્તાવેજોના આધારે ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની યોજના હેઠળ સ્થાપવામાં આવી હતી, તે પૈકીની કોઈ એક સાથે પણ દૂર-દૂર સુધી જોડાયેલ હોય. નોંધવા જેવું છે કે, 8 ઑક્ટોબરના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ અન્ય લોકો સાથે ‘ધ હિન્દુ’ ના પત્રકાર લાંગાની પણ ધરપકડ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં