Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચૂંટણી પહેલાં જ આપ-કોંગ્રેસ માટે કપરાં ચઢાણ, આંતરિક વિખવાદ ખુલીને બહાર આવ્યો:...

    ચૂંટણી પહેલાં જ આપ-કોંગ્રેસ માટે કપરાં ચઢાણ, આંતરિક વિખવાદ ખુલીને બહાર આવ્યો: ક્યાંક ઉમેદવારો તો ક્યાંક ધારાસભ્યો સામે વિરોધ

    આમ આદમી પાર્ટીએ માતર બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણ અને દહેગામ પરથી યુવરાજસિંહ જાડેજાને ટિકિટ આપતાં વિરોધ, જંબુસરમાં કોંગ્રેસી ધારાસભ્ય પર હુમલો.

    - Advertisement -

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે. શક્યતા છે કે હવે એક-બે દિવસમાં ચૂંટણી જાહેર પણ કરી દેવામાં આવે. આચારસંહિતા લાગુ થાય તે પહેલાં પાર્ટીઓ તૈયારીઓ કરવામાં વ્યસ્ત છે. જોકે, ગુજરાતમાં વિપક્ષો માટે ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ જેવું થયું હોવાનું દેખાય છે. આમ આદમી પાર્ટી જેમ-જેમ ઉમેદવારોની યાદીઓ જાહેર કરતી જાય છે તેમ આંતરિક વિખવાદ વધતા જાય છે તો બીજી તરફ કોંગ્રેસમાં પણ સંગઠન સ્તરે એટલો જ વિખવાદ જોવા મળી રહ્યો છે. 

    આમ આદમી પાર્ટીએ મંગળવારે (1 નવેમ્બર 2022) વધુ અમુક બેઠકો ઉપર ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાંથી બે નામોની ચર્ચા વધારે થઇ રહી છે. ‘આપ’ તરફથી દહેગામ બેઠક પરથી યુવરાજસિંહ જાડેજા જ્યારે ખેડાની માતર વિધાનસભા બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે. 

    મહિપતસિંહ ચૌહાણ જાણીતું નામ છે. તેઓ પહેલાં આમ આદમી પાર્ટીમાં હતા, પરંતુ આંતરિક વિખવાદ અને અન્ય કારણો આપીને રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ તેમણે ‘સર્વ સમાજ સેના’ પણ બનાવી હતી. તેઓ હજુ સુધી પાર્ટીમાં વિધિવત જોડાયા નથી, પરંતુ ગઈકાલે ચૂંટણી માટે અચાનક તેમનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. મહિપતસિંહે ફેસબુક લાઈવ કરીને દાવો કર્યો કે તેમને પણ ખબર ન હતી કે તેમનું નામ જાહેર થવાનું છે. 

    - Advertisement -

    જોકે, મહિપતસિંહ ચૌહાણે આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી માતર વિધાનસભા બેઠક પર લડવાનું એલાન કરી દીધું છે. એટલું જ નહીં, પરંતુ તેમણે પાર્ટી પાસે ખંભાતની પણ ટિકિટ માંગી છે. જોકે, તે અંગે હજુ કોઈ નિર્ણય થયો નથી. 

    બીજી તરફ, પેપરલીક કાંડ વખતે કેમેરા સામે બહુ દેખાયેલા ‘આપ’ નેતા યુવરાજસિંહ જાડેજાનું નામ દહેગામ બેઠક પરથી જાહેર થતાં પાર્ટીના જ કાર્યકરો અને નેતાઓ સામા પડ્યા છે અને વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ ‘આપ’ કાર્યાલય પર કાર્યકરોએ પહોંચીને સૂત્રોચ્ચાર કરીને યુવરાજસિંહનું નામ જાહેર કરવાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, તેમને આયાતી નહીં પરંતુ સ્થાનિક ઉમેદવાર જોઈએ છે. પાર્ટીના કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો કે મહેનત તેમણે કરી હોવા છતાં ટિકિટ બીજાને આપવામાં આવી રહી છે. 

    જોકે, યુવરાજસિંહ જાડેજાએ આ વાત નકારી કાઢી છે અને કહ્યું છે કે, ગાંધીનગર તેમની કર્મભૂમિ છે અને તેઓ અહીં જ રહ્યા છે. તેમના પત્ની દહેગામમાં શિક્ષિકા હોવાનું કહીને ઉમેર્યું કે પ્રદેશનો નેતા દરેક જગ્યાએ જાય પરંતુ ચૂંટણી માટે પસંદગી કર્મભૂમિની જ કરે છે. 

    આંતરિક વિખવાદની વાત આવે એટલે ગુજરાત કોંગ્રેસનું નામ નક્કી જ હોય એવો માહોલ પાર્ટીમાં છેલ્લાં થોડાં વર્ષોથી બની ગયો છે. તાજો કિસ્સો ભરૂચમાંથી બહાર આવ્યો છે. જંબુસરના કોંગ્રેસી ધારાસભ્ય સંજય સોલંકી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનો આક્ષેપ પાર્ટીના જ કાર્યકરો અને હોદ્દેદારો પર લાગ્યો છે. 

    કોંગ્રેસી ધારાસભ્યે જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ઈશારે ટિકિટ વાંચ્છુકોએ હુમલો કરાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આ આરોપો નકારી કાઢ્યા છે અને આંતરિક તકરારને પગલે તેમની ઉપર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં