Wednesday, July 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આપ’ નેતા ગોપાલ ઇટાલિયાની અટકાયત, પાર્ટી નેતાઓના જૂની તસ્વીર ફેરવીને લોકોને ગેરમાર્ગે...

  ‘આપ’ નેતા ગોપાલ ઇટાલિયાની અટકાયત, પાર્ટી નેતાઓના જૂની તસ્વીર ફેરવીને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ: ત્રણ કલાક બાદ છોડી મૂક્યા

  મહિલા આયોગ અધ્યક્ષે જણાવ્યું કે, મેં પોલીસને પણ તેમની સામે કાર્યવાહી કરવા માટે કહ્યું છે કારણ કે તેઓ કાયદો-વ્યવસ્થાને અસર થાય તેવું વાતાવરણ સર્જી રહ્યા હતા.

  - Advertisement -

  પીએમ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને મહિલા આયોગ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે તેઓ દિલ્હી સ્થિત મહિલા આયોગ સમક્ષ હાજર રહ્યા હતા. જ્યાંથી દિલ્હી પોલીસે ગોપાલ ઇટાલિયાની અટકાયત કરી લીધી હોવાની માહિતી મળી રહી છે. 

  ગોપાલ ઇટાલિયાની અટકાયત અને તેમને પાઠવવામાં આવેલ સમન્સને લઈને મહિલા આયોગનાં અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું હતું કે, ગોપાલ ઇટાલિયાએ સમન્સ મેળવવા અંગે ઇનકાર કર્યો હતો, પરંતુ તેમનો જવાબ તૈયાર છે. તેમણે વિડીયોમાં પોતે ન હોવાનો પણ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, “ગોપાલ ઇટાલિયાના નિવેદનો અને લેખિત નિવેદનો મેળ ખાઈ રહ્યાં નથી. તેમણે સરખો જવાબ આપ્યો નથી.” 

  મહિલા આયોગ અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, “મેં પોલીસને પણ તેમની સામે કાર્યવાહી કરવા માટે કહ્યું છે કારણ કે તેઓ કાયદો-વ્યવસ્થાને અસર થાય તેવું વાતાવરણ સર્જી રહ્યા હતા અને તેમના સમર્થકોએ બળજબરીથી ઓફિસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.” 

  - Advertisement -

  રેખા શર્માએ આગળ કહ્યું કે, “મારી 2 વાગ્યે મહત્વની બેઠક હતી, પરંતુ હું બહાર પણ ન નીકળી  શકી. 100-150 માણસો જો આવીને મને ધમકી આપતા હોય તો તેઓ કેવા પ્રકારના નેતાઓ છે? તેમણે (ઇટાલિયા) માત્ર NCW ઓફિસ આવીને અમુક જવાબો આપવાના હતા, તેમણે જૂઠું બોલવાની અને આટલા વકીલો સાથે લાવવાની શું જરૂર પડી?”

  ગોપાલ ઇટાલિયાનો વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં તેમની પાર્ટીના નેતાઓ અને સમર્થકોએ જૂની તસ્વીરો ફેરવીને ગોપાલ ઇટાલિયાની ‘ધરપકડ’ થઇ હોવાના દાવા કર્યા હતા.

  જોકે, ઇટાલિયાની આ તસ્વીર હાલની નહીં પરંતુ પાંચ મહિના પહેલાંની છે. દિલ્હી પોલીસે પણ આ દાવાનું ખંડન કરતાં કહ્યું કે, ગોપાલ ઇટાલિયાની આ તસ્વીર હાલની નથી અને એમાં પહેરેલાં કપડાં પણ જુદાં છે.

  ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ભાષા વાપરતા જોવા મળે છે. આ વિડીયોનો વિરોધ પણ ખૂબ થયો હતો તેમજ રાષ્ટ્રીય મહિલા આયોગે પણ સંજ્ઞાન લીધું હતું. 

  રાષ્ટ્રીય મહિલા આયોગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને નોટીસ પાઠવીને વાયરલ વિડીયો મામલે 13 ઓક્ટોબરના રોજ હાજર થવા માટે જણાવ્યું હતું. તેમજ એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ હાજર નહીં થાય તો આયોગ કડક પગલાં લઇ શકે છે. 

  આજે ગોપાલ ઇટાલિયા મહિલા આયોગ સમક્ષ હાજર થવા માટે દિલ્હી ગયા હતા, જોકે, ત્યાં તેમણે સંતોષકારક જવાબો આપ્યા ન હતા તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગાડવાના પ્રયાસો કરતાં પોલીસે કાર્યવાહી કરી હતી. 

  ત્રણ કલાકની પૂછપરછ બાદ ઇટાલિયાની મુક્તિ

  દિલ્હી પોલીસે બપોરે ગુજરાતના આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની અટકાયત કર્યા બાદ ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને વાયરલ વિડીયો અંગે પૂછવામાં આવ્યું હોવાનું અનુમાન છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં