આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત શ્રી વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમએ (TTD) 19 જુલાઈ, 2025ના રોજ ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કર્યાં છે. આ કર્મચારીઓ પર બિનહિંદુ ધર્મનું પાલન કરવાનો અને TTDના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. TTDના નિયમો અનુસાર, મંદિરના કર્મચારીઓએ હિંદુ ધર્મનું પાલન કરવું ફરજિયાત છે અને આ ચાર કર્મચારીઓએ ખોટી રીતે હિંદુ ધર્મની ઓળખ દર્શાવીને નોકરી મેળવી હોવાનું જણાયું છે.
સસ્પેન્ડ કરાયેલ કર્મચારીઓમાં બી. એલિઝર – ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ક્વોલિટી કંટ્રોલ), એસ. રોસી – બાલાજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ સર્જરી, રિસર્ચ એન્ડ રિહેબિલિટેશન ફોર ધ ડિસેબલ્ડ (BIRRD) હોસ્પિટલમાં સ્ટાફ નર્સ, એમ. પ્રેમાવતી – BIRRD હોસ્પિટલમાં ગ્રેડ-1 ફાર્માસિસ્ટ અને ડૉ. જી. અસુંથા – એસવી આયુર્વેદ ફાર્મસીમાં કાર્યરતનો સમાવેશ થાય છે.
અન્ય ધર્મના કર્મચારીઓએ હિંદુ બનીને મેળવી હતી નોકરી
આ કર્મચારીઓ પર આરોપ છે કે, તેમણે અન્ય ધર્મનું પાલન કર્યું, જે TTDના સેવા નિયમોનું ઉલ્લંઘન કરે છે. TTDના વિજિલન્સ વિભાગે આ કર્મચારીઓની ધાર્મિક પ્રેક્ટિસ અને દસ્તાવેજોની તપાસ કરી હતી. આંતરિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ચારેય કર્મચારીઓએ હિંદુ તરીકેની ઓળખ દર્શાવીને નોકરી મેળવી હતી, પરંતુ તેઓ અન્ય ધર્મનું પાલન કરતા હતા, જે TTDના નિયમોનું ઉલ્લંઘન છે.
TTDના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર, આ કર્મચારીઓએ હિંદુ ધાર્મિક સંસ્થામાં કામ કરતી વખતે ‘બેજવાબદારીપૂર્વક’ વર્તન કર્યું હતું. વિજિલન્સ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે TTDએ આ કર્મચારીઓને તાત્કાલિક અસરથી નિલંબિત કર્યાં છે.
TTDના નિયમો અનુસાર, નોકરીમાં જોડાતી વખતે દરેક કર્મચારીએ હિંદુ ધર્મનું પાલન કરવાની શપથ લેવી પડે છે અને આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. આ નિલંબન પછી આ કર્મચારીઓને અડધો પગાર આપવામાં આવશે અને વધુ તપાસ પછી તેમની નોકરીની સ્થિતિ અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં બદલી કે નોકરીમાંથી કાઢી મૂકવાનો સમાવેશ થઈ શકે છે.
TTDની નીતિ અને પૂર્વ નિર્ણયો
નોંધનીય છે કે, TTDએ મે 2025માં નિર્ણય લીધો હતો કે બિનહિંદુ કર્મચારીઓને આંધ્રપ્રદેશ સરકારના અન્ય વિભાગોમાં બદલી કરવામાં આવશે અથવા તેઓ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) પસંદ કરી શકે છે. આ નિર્ણય TTDના નવા બોર્ડની રચના બાદ લેવામાં આવ્યો હતો, જેનું નેતૃત્વ ચેરમેન બી.આર. નાયડુ કરે છે. નાયડુએ જણાવ્યું હતું કે, TTD એક હિંદુ ધાર્મિક સંસ્થા છે અને તેના કર્મચારીઓએ હિંદુ ધર્મની પરંપરાઓનું પાલન કરવું જરૂરી છે.
આ નિલંબન TTDની બિનહિંદુ કર્મચારીઓ સામેની કાર્યવાહીનો એક ભાગ છે. ફેબ્રુઆરી 2025માં TTDએ 18 અન્ય કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરી હતી, જેઓ બિનહિંદુ ધાર્મિક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાયું હતું. આ કર્મચારીઓને પણ સરકારના અન્ય વિભાગોમાં બદલી અથવા VRSનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત 2018માં TTDએ 44 બિનહિંદુ કર્મચારીઓને શો-કોઝ નોટિસ જારી કરી હતી, જેમાં તેમને તેમની નોકરી ચાલુ રાખવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.


