ઉત્તર પ્રદેશના મુરાદાબાદના પૂર્વ સાંસદ અને સમાજવાદી પાર્ટીના નેટ એસટી હસનના (S. T. Hasan) એક નિવેદનને લઈને હિંદુ સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, એસટી હસને રાણી પદ્માવતીનું (Rani Padmavati) અપમાન કર્યું હતું અને તેમના દ્વારા કરવામાં આવેલા જૌહરને માત્ર એક અફવા ગણાવી દીધું હતું. આ ઉપરાંત તેમણે રાણી પદ્માવતીના જૌહરના (Jauhar) પુરાવા પણ માંગ્યા હતા. આ ઘટના બાદ હિંદુ સંગઠનોએ હસનની ધરપકડની માંગણી કરી હતી. આખરે સપાના પૂર્વ સાંસદે હિંદુ સમાજની માફી માંગીને પાણી વાળવાના પ્રયાસો પણ કર્યા.
આ સમગ્ર ઘટનાની શરૂઆત કવિ કુમાર વિશ્વાસના કટાક્ષના કારણે થઈ હતી. તાજેતરમાં જ તેમણે મુરાદાબાદમાં એક સંમેલનમાં કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પર નામ લીધા વગર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, કેટલાક લોકોએ તેમના પુત્રનું નામ બહારથી આવેલા આક્રમણકારી અને બળાત્કારી તૈમુર પર રાખ્યું છે. કુમાર વિશ્વાસના આ નિવેદન બાદ મુરાદાબાદના પૂર્વ સપા સાંસદ એસટી હસન તૈમુરના બચાવમાં આવી ચડ્યા હતા.
રાણી પદ્માવતીના જૌહરને ગણાવી અફવા, માંગ્યા પુરાવા
એસટી હસને ‘દૈનિક ભાસ્કર’ સાથે વાત કરતાં કુમાર વિશ્વાસ પાસેથી તૈમુરના બળાત્કારી હોવાના પુરાવા માંગ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “તૈમુરે હિંદુ મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો તે વાતના કુમાર વિશ્વાસ પાસે કોઈ પુરાવા છે? તૈમુરે મુસ્લિમ શાસકો પર જ હુમલા કર્યા હતા. તે વાત કદાચ કુમાર વિશ્વાસને ખબર નથી.” જે બાદ તેમણે આ વિવાદ વચ્ચે અચાનક રાણી પદ્માવતીના જૌહર પર વાતો કરવાનું શરૂ કરી દીધું હતું.
તેમણે કહ્યું કે, “ઇતિહાસકારો માને છે કે, જૌહર જેવી કોઈ ઘટના બની જ નથી. તેને અફવા બનાવીને માત્ર હિંદુઓને ડરાવવા માટે ફેલાવવામાં આવી હતી. વાસ્તવમાં જૌહર ક્યારેય થયું જ ન હતું. આપણે ઇતિહાસકારોની વાતો સ્વીકારીશું કે પછી અફવાઓ પર વિશ્વાસ કરીશું? જૌહર થયું હોય તો તેના પુરાવા પણ આપો.”
હિંદુ સંગઠનોના વિરોધ બાદ માંગી લીધી માફી
એસટી હસનના આ નિવેદન બાદ હિંદુ સંગઠનોમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. હિંદુ સંગઠનોએ અનેક જગ્યાએ પ્રદર્શન કરીને હસનની ધરપકડની માંગણી કરી હતી અને તેમના નિવેદનને રાણી પદ્માવતી અને હિંદુઓનું અપમાન ગણાવ્યું હતું. આ ઉપરાંત હિંદુ સંગઠનોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સંબોધીને પત્ર લખી કલેકટરને સોંપ્યો હતો. પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રીય બજરંગદળના ઉપાધ્યક્ષ દીપ ખુરાનાએ હસનની આ હરકતને હિંદુ મહાપુરુષોનું અપમાન ગણાવી હતી.
તેમણે કહ્યું હતું કે, “ભારત હિંદુ સંસ્કૃતિ અને પરંપરાનો દેશ છે. જેની સ્થાપના અહીંના મહાપુરુષો અને વીરાંગનાઓએ પોતાનું બલિદાન આપીને કરી છે. અમે આજે તે સૌ બલિદાનીઓના ઋણી છીએ, જેમણે પોતાનું અને પોતાના પરિવારનું બલિદાન તો સ્વીકાર કર્યું, પરંતુ દેશ, ધર્મ અને સંસ્કૃતિ પર આંચ પણ ન આવવા દીધી.”
અનેક જગ્યાએ થઈ રહેલા પ્રદર્શન અને ભારે વિરોધ બાદ એસટી હસનને હિંદુ સમાજની માફી માંગી લીધી હતી. તેમણે વિડીયો જારી કરીને કહ્યું હતું કે, રાણી પદ્માવતી વિશે આપેલા તેમના નિવેદનને મીડિયાએ તોડીમરોડીને રજૂ કર્યું છે. તેમનો ઈરાદો કોઈપણ સમાજની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો. આ ઉપરાંત તેમણે હિંદુ સમાજની માફી પણ માંગી છે.