કચ્છ કોંગ્રેસના (Kutch Congress) અગ્રણી મરહૂમ મંધરા અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમને (Abdullah Haji Ibrahim) આજથી 40 વર્ષ પહેલાં તત્કાલીન SP કુલદીપ શર્માએ (Kuldeep Sharma) પોતાની કચેરીમાં જ માર મારીને અપમાનિત કર્યા હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. આ કેસની સુનાવણી રવિવારે (9 ફેબ્રુઆરી) અંતિમ તબક્કે પહોંચી હતી. જે બાદ 10 ફેબ્રુઆરીએ કોર્ટે ચુકાદો આપ્યો છે અને તત્કાલીન SP કુલદીપ શર્માને દોષી જાહેર કરીને 3 માસની કેદ અને દંડ ફટકાર્યો છે. તેમની સાથે તેમના સાથી કર્મચારી ગિરીશ વસાવડાને પણ દોષી જાહેર કરવામાં આવ્યા છે. જોકે, અન્ય સહઆરોપીઓ PSI બિશ્નોઈ અને બીએન ચૌહાણ ચુકાદા પહેલાં જ મૃત્યુ પામ્યા હતા.
જોકે, અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમનું અવસાન થઈ ગયું છે, પરંતુ તેમના પરિવારે કોર્ટના આ ચુકાદાને માન્ય ગણ્યો છે. તેમના પુત્ર ઇકબાલે કોર્ટના ચુકાદા પર ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ તેમણે પરિવારના લોકોને મીઠાઈ પણ વહેંચી હતી. આ તકે તેમણે કહ્યું હતું કે, 40 વર્ષ જૂના કેસમાં ખૂબ લાંબી કોર્ટ પ્રક્રિયાના અંતે આરોપીઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યા તેનાથી સંતોષ થયો છે. બીજી તરફ તત્કાલીન SP ઉપલી કોર્ટમાં પણ આ નિર્ણયને પડકારી શકે છે.
શું હતી સમગ્ર ઘટના?
આ ઘટનાની વિગત અનુસાર, 6 મે, 1984ના રોજ નલિયાના એક કેસ મામલે અબડાસાના મંધરા અબ્દુલ્લા હાજી ઈબ્રાહીમ ઉર્ફે ઈલભા શેઠ, તત્કાલીન ધારાસભ્ય ખરાશંકર જોષી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાગુભા જાડેજા અને શંકર ગોવિંદજી જોષી સહિતના આગેવાનો SP કચેરી ખાતે પહોંચ્યા હતા. એ દરમિયાન જ તત્કાલીન SP કુલદીપ શર્મા સાથે તેમની બોલાચાલી થઈ હતી. જે બાદ કુલદીપ શર્માએ તેમનું અપમાન કરીને અપશબ્દો કહ્યા હતા અને પોતાના સાથી અધિકારીઓને બોલાવીને ચેમ્બરમાં જ માર માર્યો હતો.
આ કારણે અબ્દુલ્લા ઈબ્રાહીમને ઈજા પહોંચી હતી. ઉપરાંત તેમની સાથે ડેલિગેશનમાં આવેલા શંકર જોષીએ કચ્છના એડવોકેટ એમબી સરદારને રોકી ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં SP સહિત 4 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ વર્ષ 2020માં ફરિયાદીના વકીલનું અવસાન થતાં આ કેસમાં મુખ્ય એડવોકેટ તરીકે બીએન ચૌહાણ રહ્યા હતા.
આ કેસમાં ચાર આરોપીઓ હતા. જેમાંથી બીએન ચૌહાણ તથા PSI બિશ્નોઈ ચાલુ કેસ દરમિયાન જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડા સામે કેસ ચાલ્યો હતો. આરોપીઓના સ્ટેટમેન્ટ બાદ 28 જાન્યુઆરીના રોજ સુનાવણી પૂરી થઈ હતી અને કેસ 40 વર્ષ બાદ 10 ફેબ્રુઆરીના રોજ કોર્ટે આખરી ચુકાદો આપીને તત્કાલીન SP કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડાને દોષી જાહેર કર્યા હતા.