આમ આદમી પાર્ટીના (AAP) વિવાદિત ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. હાલ વિવાદમાં આવવાનું કારણ તેમના વિરુદ્ધ નોંધાયેલી તાજી FIR છે. વસાવા વિરુદ્ધ અંકલેશ્વરના (Ankleshwar) GIDC પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. ફરિયાદી પોતે પોલીસ બની છે. આરોપ છે કે, ચૈતર વસાવાએ અંકલેશ્વરની કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટના સમયે પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. આરોપ તેવો પણ છે કે, તેમણે અને તેમની સાથે આવેલા અન્ય લોકોએ એમ્બ્યુલન્સ, શબવાહિની જેવી ઇમરજન્સી સેવાઓને પણ રોકી રાખી હતી અને પીડિત પરિવારના સભ્યોને પોલીસ તથા તંત્ર વિરુદ્ધ ઉશ્કેર્યા હતા.
વિગતે વાત કરીએ તો અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના PSI એ.વી શિયાળીયાએ મંગળવારે (11 ડિસેમ્બર) ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ FIR દાખલ કરાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 221, 224, 329(3), 125, 126(2) અને 3(5) હેઠળ ગુનો દાખલ કર્યો છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ફરિયાદ અનુસાર, ઘટના 3 ડિસેમ્બરના રોજ બનવા પામી હતી. 3 ડિસેમ્બરના દિવસે અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થવાથી 4 શ્રમિકોનાં મોત થયાં હતાં.
‘રાજકીય પ્રસિદ્ધિ માટે’ પોલીસની ફરજમાં કરી રૂકાવટ- FIR
FIR અનુસાર, મંગળવારે (3 ડિસેમ્બર, 2024) અંકલેશ્વર GIDC સ્થિત ડેરોક્સ ઇન્ડિયા લિમિટેડ પ્રાઇવેટ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે 4 શ્રમિકો મૃત્યુ પામ્યા હતા. તે ઘટનાને લઈને પોલીસ ઇન્સ્પેકટર આર.એચ વાળાના આદેશ અનુસાર PSI શિયાળીયા અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આદેશ અનુસાર, ઘટનાની ગંભીરતા અને જોખમને ધ્યાને રાખીને કંપનીનો મુખ્ય ગેટ બંધ કરવામાં આવ્યો હતો અને કોઈપણ આધિકારિક વ્યક્તિ સિવાયના તમામ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
ફરિયાદ અનુસાર, ઠીક આ જ સમયે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા, નિરંજન વસાવા સહિતના 7થી 8 લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. દરમિયાન તેમણે કંપનીની અંદર પ્રવેશવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોખમને ધ્યાને રાખીને PSI શિયાળીયાએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ છતાં તેઓ બળજબરીથી ગેટ ખોલીને અંદર ઘૂસી ગયા હતા અને પોલીસના કામમાં રૂકાવટ ઊભી કરી હતી.
FIR અનુસાર, MLA ચૈતર વસાવાએ ‘રાજકીય પ્રસિદ્ધિ’ માટે આવું કર્યું હતું. વધુમાં કહેવાયું છે કે, ચૈતર વસાવા એટલે ન અટક્યા અને તેમણે કંપનીના ગેટની બહાર ઉભેલા લોકોને પણ ઉશ્કેર્યા અને તેમને પણ ગેટની અંદર બોલાવી લીધા હતા. આ ઉપરાંત તેમણે પીડિતોના સંબંધીઓને પણ ફોન કરીને ઘટનાસ્થળે બોલાવી લીધા હતા. આરોપ છે કે, ત્યારબાદ ચૈતર વસાવા, નિરંજન વસાવા અને તેમની સાથે આવેલા ટોળાંએ લોકો અને મૃતકોના પરિવારોને ઉશ્કેર્યા હતા.
ફરિયાદ અનુસાર, આરોપીઓએ ‘પોલીસ અહીં તમને ન્યાય આપવા નથી આવી, પરંતુ તમને રોકવા અને કંપનીને બચાવવા આવી છે’ કહીને લોકોને પોલીસ અને વહીવટીતંત્ર વિરુદ્ધ ઉશ્કેર્યા હતા. આરોપ છે કે, તેમણે ટોળાંમાં સામેલ લોકોને પોલીસ વિરુદ્ધ ભડકાવીને કંપનીના ગેટ પર બેસાડી દીધા હતા.
ઇમરજન્સી વાહનોને પણ કંપનીમાં ન પ્રવેશવા દીધાનો આરોપ
વધુમાં ફરિયાદમાં કહેવાયું છે કે, ચૈતર વસાવા અને તેમના માણસો દ્વારા ઉશ્કેરાયા બાદ લોકો કંપનીના ગેટ પર બેસી ગયા હતા અને એમ્બ્યુલન્સ, તપાસમાં રોકાયેલા પોલીસ વાહનો અને શબવાહિની જેવા કટોકટીના વાહનોને પણ કંપનીની અંદર પ્રવેશવા દીધા ન્હોતાં. આ ઉપરાંત એવો પણ આરોપ છે કે, ચૈતર વસાવાએ કંપની અને તેના આધિકારિક માણસોને ‘કાયમી માટે કામ બંધ કરાવી દેવાની’ ધમકી પણ આપી હતી. FIR અનુસાર, ચૈતર વસાવાએ ‘જો પોલીસને મૃતદેહો લઈ જવા છે તો અમારી ઉપરથી લઈ જવા પડશે’ તેવું કહીને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી.
ફરિયાદ અનુસાર, આવા ગંભીર બનાવમાં એક જવાબદાર ધારાસભ્ય તરીકે નહીં વર્તીને પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં ચૈતર વસાવાએ રૂકાવટ ઊભી કરી હતી. જે બાદ ઘટનાસ્થળે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. જેના કારણે PSI શિયાળીયાએ PIનો સંપર્ક કર્યો હતો અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. FIR અનુસાર, અધિકારીઓ અને સરકારી તંત્રએ ચૈતર વસાવાને તમામ બાબતે સમજાવ્યા હતા. તેમ છતાં તેમણે રાજકીય પ્રસિદ્ધિ માટે ‘જો પોલીસ મૃતદેહોને PM માટે લઈ જાય તો આપણે પોલીસની ગાડીઓને રોકી રાખવાની છે’ કહીને લોકોને ફરી વખત ઉશ્કેર્યા હતા અને લોકોને ગેટ પાસે બેસાડી દીધા હતા. જેના કારણે તમામ કામ અને કાર્યવાહી ખોરવાયા હતા.
જે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મૃતકોના સગા-વ્હાલાને સાથે રાખીને કંપનીના બીજા ગેટ પરથી મૃતદેહોને PM માટે લઈ જવાની ફરજ પડી હતી. ત્યારબાદ ઘટનાની ગંભીરતાને જોતાં પોલીસે હવે ચૈતર વસાવા અને તેમના સહયોગીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઑપઇન્ડિયાએ આ ઘટનાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કરવા પ્રયાસ કર્યા હતા, પરંતુ સંપર્ક સ્થાપિત થઈ શક્યો નહોતો.