માર્ચ 2025માં EDએ બેંગ્લોર સ્થિત ત્રણ કંપનીઓ સાથે જોડાયેલા 8 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ કંપનીઓ પર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનું (FEMA) ઉલ્લંઘન કરીને અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ (George Soros) દ્વારા સમર્થિત યુએસ નોન-પ્રોફિટ ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ (OSF) પાસેથી ભંડોળ મેળવ્યું હતું. હવે સામે આવ્યું છે કે આ ત્રણ કંપનીઓમાંથી એક, ASAR સોશિયલ ઇમ્પેક્ટ એડવાઇઝર્સને USAID તરફથી ₹8 કરોડનું ફન્ડિંગ મળ્યું હતું.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર EDના સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીએ માહિતી આપી હતી કે દિલ્હી સ્થિત થિંક ટેન્ક કાઉન્સિલ ઓન એનર્જી એન્વાયર્નમેન્ટ એન્ડ વોટરને (CEEW) પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે તેને ₹8 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. આ કંપનીઓના શંકાસ્પદ વ્યવહારોમાં કુલ ₹25 કરોડની લેવડ-દેવડ સામે આવ્યા બાદ EDએ દરોડા પાડ્યા હતા.
USAID તરફથી પણ મળ્યું હતું ફન્ડિંગ
અહેવાલ અનુસાર ત્રણેય કંપનીઓને 2021થી 2024ની વચ્ચે USAID તરફથી પણ ભંડોળ મળ્યું હતું. USAIDએ આપેલ ફન્ડિંગ દિલ્હી સ્થિત જાહેર નીતિ થિંક ટેન્ક, કાઉન્સિલ ઓન એનર્જી એન્વાયર્નમેન્ટ એન્ડ વોટરને (CEEW) આપવામાં આવતી સેવાઓ માટે હતું. CEEWની વેબસાઈટ અનુસાર તે ‘ભારતના વિકાસ માટે વૈશ્વિક પડકારો અને અસરોને સમજવા’ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ અંગે CEEW એ જણાવ્યું હતું કે, “CEEWને જ્યોર્જ સોરોસ કે ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ સાથે કોઈ જોડાણ નથી. CEEWનો જ્યોર્જ સોરોસ, ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ કે તેમની કોઈપણ સંલગ્ન સંસ્થાઓ સાથે કોઈ સંબંધ નથી કે તેમની પાસેથી કોઈ ફન્ડિંગ પ્રાપ્ત થયું નથી. નોંધનીય છે કે USAID એ જ સંસ્થા છે જેને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બંધ કરવામાં આવી છે.
“CEEWએ ASAR સોશિયલ ઇમ્પેક્ટ એડવાઇઝર્સ સાથે સ્વચ્છ હવા સંબંધિત USAID પ્રોજેક્ટ માટે ચોક્કસ સેવાઓ પૂરી પાડવા માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ પ્રોજેક્ટ હવે પૂરો થઈ ગયો છે અને હવે અસ્તિત્વમાં નથી. CEEW હવે ASAR સાથે કોઈ સંબંધ ધરવતી નથી.” CEEWએ કહ્યું હતું કે, અમે કોઈપણ કાયદેસર પૂછપરછમાં સંપૂર્ણ સહકાર આપવા માટે તૈયાર છીએ.
કંપનીના અધિકારીઓ ન આપી શક્યા કોઈ જવાબ
બીજી તરફ ASAR અધિકારીઓ CEEWને પૂરી પાડવામાં આવતી સેવાઓ અને USAIDની સંડોવણીની અંગે કોઈ ચોક્કસ જવાબ આપી શક્યા નહોતા. આ ઉપરાંત બીજી 2 કંપનીઓ જેમને SEDF તરફથી ફન્ડિંગ મળ્યું હતું તેમના નામ રૂટબ્રિજ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને રૂટબ્રિજ એકેડેમી લિમિટેડ છે. SEDF જ્યોર્જ સોરોસ દ્વારા સ્થાપિત અનેક સંસ્થાઓમાંની એક ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સની ઇમ્પેક્ટ ઇન્વેસ્ટિંગ શાખા છે.
ASAR અને બેંગલુરુ સ્થિત અન્ય બે સંસ્થાઓના સંદર્ભમાં, ED એ પણ તપાસશે કે OSFએ ફરજિયાત આવશ્યકતાઓનું પાલન કર્યું છે કે નહીં. એજન્સી વિદેશી સીધા રોકાણની આડમાં સોરોસ દ્વારા ભારતીય નાગરિક અધિકાર સંગઠનો, થિંક ટેન્ક અને અન્ય સંસ્થાઓને આપવામાં આવતા ભંડોળની પણ તપાસ કરી રહી છે.