શુક્રવારે (28 ફેબ્રુઆરી) અમેરિકન (USA) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને યુક્રેનના (Ukraine) રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી (Volodymyr Zelenskyy) વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકાની આધિકારિક યાત્રા પર પહોંચેલા ઝેલેન્સ્કીએ ઓવલ ઓફિસમાં બેઠક પણ કરી હતી. દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ (JD Vance) પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ બંને દેશો વચ્ચે ખનીજ કરાર પર હસ્તાક્ષર થવાના હતા. પરંતુ તે થઈ શક્યું નહીં. કારણ કે, વાન્સ અને ઝેલેન્સ્કી વચ્ચે ચાલી રહેલી બેઠકે અચાનક ઉગ્ર ચર્ચા અને તકરારનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ ટ્રમ્પે પણ યુક્રેનિયન રાષ્ટ્રપતિને ઠપકો આપ્યો. આખરે બેઠક નિષ્ફળ ગઈ હતી અને રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી મિટિંગ છોડીને નીકળી ગયા હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ શરૂઆતમાં અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ વાન્સ સાથે વાતચીત કરી હતી. દરમિયાન ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વર્લ્ડ મીડિયાની સામે જ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઝેલેન્સ્કીને ફટકાર લગાવી હતી. ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ વાન્સ એવું ઈચ્છતા હતા કે વર્ષો સુધી અમેરિકી સમર્થન માટે ઝેલેન્સ્કીએ કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈતી હતી, પરંતુ તેઓ ‘શાંતિ’ના પક્ષે નથી. આ સમગ્ર તકરારની શરૂઆત જેડી વાન્સ અને ઝેલેન્સ્કી સાથેની બેઠક દરમિયાન થઈ હતી.
ઝેલેન્સ્કી અને વાન્સ વચ્ચે તકરાર
વાઇટ હાઉસમાં બંને દેશોના પ્રતિનિધિઓની બેઠક શરૂઆતમાં સૌહાર્દપૂર્ણ વાતચીત સાથે ચાલી હતી. અડધો કલાક સુધી આ ઔપચારિકતા ચાલી હતી. પરંતુ ઓવલ ઓફિસમાં તણાવ ત્યારે વધ્યો, જ્યારે જેડી વાન્સે કહ્યું કે, “શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ કદાચ કૂટનીતિમાં નિહિત છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ તે જ કરી રહ્યા છે.” પરંતુ અહીં ઝેલેન્સ્કીએ દખલગીરી કરી અને ત્રણ વર્ષ પહેલાં રશિયાએ કરેલા હુમલાનો સંદર્ભ આપવા લાગ્યા. તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને લઈને કહ્યું કે, “કોઈએ તેમને રોકવાના પ્રયાસ પણ નહોતા કર્યા.”
BREAKING:
— Visegrád 24 (@visegrad24) February 28, 2025
The video of the shouting match between Zelensky and Trump was just released. pic.twitter.com/Ce8euqauaG
ત્યારબાદ ફરીથી ઝેલેન્સ્કીએ પ્રશ્ન પૂછ્યો કે, “તમે કેવા પ્રકારની કૂટનીતિની વાત કરો છો જેડી? તમારા કહેવાનો અર્થ શું છે?” ત્યારબાદ ચર્ચામાં સ્પષ્ટપણે તણાવ વધી ગયો હતો અને વાન્સે જવાબ આપ્યો હતો કે, “તેવી વાતચીત જે તમારા દેશના વિનાશનું કારણ બની શકે છે.” ત્યારબાદ ઝેલેન્સ્કીએ અમેરિકા પર અસન્માનજનક વ્યવહાર કરવાનો અને મુદ્દાને મીડિયાની સામે ઉઠાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.
‘યુદ્ધ દરમિયાન તમારા માટે પણ ઊભી થશે સમસ્યા’- ઝેલેન્સ્કી
આ ચર્ચા સાથે જ વાન્સે યુક્રેની રાષ્ટ્રપતિને સેના અને ભરતી સાથે જોડાયેલી સમસ્યાઓને લઈને અવગત કરાવ્યા હતા. જેના જવાબમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, “યુદ્ધ દરમિયાન બધાને જ સમસ્યા આવે છે, ત્યાં સુધી કે, તમને પણ મુશ્કેલી પડે છે. પરંતુ તમારી પાસે એક વિશાળ મહાસાગર છે, એટલે તમે હમણાં તે અનુભવી નહીં શકો, પરંતુ ભવિષ્યમાં તમે તેને ચોક્કસ અનુભવી શકશો.” આ ટિપ્પણીના કારણે વાન્સ અને ઝેલેન્સ્કી વચ્ચેની વાતચીતમાં ટ્રમ્પે પણ ઠપકો આપ્યો.
ટ્રમ્પે જવાબ આપતા યુક્રેની રાષ્ટ્રપતિને કહ્યું કે, “અમને ન જણાવો કે અમારે શું કરવાનું છે. હાલ તમે એ સ્થિતિમાં જ નથી.” આ સાથે જ ટ્રમ્પનો અવાજ પણ તેજ થઈ રહ્યો હતો. ત્યારબાદ વાન્સે કહ્યું કે, “શું તમને એવું લાગે છે કે, સંયુક્ત રાજ્ય અમેરિકાની ઓવલ ઓફિસમાં આવવું અને તે જ પ્રશાસન પર હુમલો કરવો કે જે તમારા દેશના વિનાશને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, તે યોગ્ય બાબત છે?”
.@VP: "Do you think that it's respectful to come to the Oval Office of the United States of America and attack the administration that is trying to prevent the destruction of your country?"@POTUS: "You don't have the cards right now. With us, you start having cards … You're… pic.twitter.com/iTYyAmfuCJ
— Rapid Response 47 (@RapidResponse47) February 28, 2025
દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, “હમણાં તમારી પાસે કોઈ વિકલ્પો નથી. તમે લાખો લોકોની જિંદગી સાથે ખેલ ખેલી રહ્યા છો. તમે ત્રીજા વિશ્વયુદ્ધ સાથે ખેલ ખેલી રહ્યા છો” દરમિયાન ઝેલેન્સ્કીએ કહ્યું કે, “યુદ્ધની શરૂઆતથી જ અમે એકલા છીએ અને તેના માટે અમે આભારી છીએ.” ત્યારબાદ ટ્રમ્પે કહ્યું કે, “તમે એકલા નથી. અમે તમને આ મૂર્ખ રાષ્ટ્રપતિ (જો બાયડનના સંદર્ભમાં) દ્વારા 350 બિલિયન ડોલર આપ્યા છે.”
🚨🇺🇸TRUMP TO ZELENSKY: YOU’VE DONE A LOT OF TALKING
— Mario Nawfal (@MarioNawfal) February 28, 2025
Zelensky: “We’ve been alone.”
Trump: “We gave you through this stupid president (Biden) $350 Billion.”pic.twitter.com/FS7ZMQtvhp https://t.co/TpzKJx63la
આ ઘટના બાદ વાન્સે કહ્યું હતું કે, આ બેઠક દરમિયાન ઝેલેન્સ્કીએ અમેરિકા પ્રત્યે સહેજ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી નથી. ત્યારબાદ ફરી ઝેલેન્સ્કીએ કહ્યું કે, “તમે વિચારો કે, યુદ્ધ વિશે તમે ખૂબ ઊંચા અવાજે વાત કરી રહ્યા છો.” ટ્રમ્પે તેમને વચ્ચે જ અટકાવી દીધા અને કહ્યું કે, “ઊંચા અવાજે નથી બોલી રહ્યા. તમારો દેશ મુસીબતમાં છે. તમે નથી જીતી રહ્યા. અમારા કારણે તમારી પાસે સ્વસ્થ રીતે બહાર આવવાની તક છે.” આ સાથે જ ચર્ચા વધુ તીવ્ર થવા લાગી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ વાન્સ ઝેલેન્સ્કીના વલણથી ખૂબ નારાજ હતા. એક સમયે તો વાન્સે ઝેલેન્સ્કીને સ્પષ્ટ કહી દીધું હતું કે, “બસ, હવે ધન્યવાદ કહી દો.”
આ બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુક્રેન સામે ઊભી થયેલી વર્તમાન સમસ્યાઓએ લઈને અમેરિકા પ્રશાસનને દોષી ઠેરવવાના પ્રયાસો ર્ક્યા હતા. જોકે, તે દરમિયાન ટ્રમ્પે પણ કહ્યું હતું કે, જો અમેરિકાએ યુક્રેનનું સમર્થન ન કર્યું હોત તો યુક્રેન પાસે રશિયા વિરુદ્ધ એક પણ તક બચી ન હોત. દરમિયાન ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે, તેઓ માત્ર શાંતિ ઈચ્છે છે. વધુમાં કહ્યું કે, “રશિયન રાષ્ટ્રપતિ પુતિન પણ સમાધાન કરવા માંગે છે.” આ વાતચીત દરમિયાન જ ઝેલેન્સ્કી રવાના થઈ ગયા હતા અને બેઠક નિષ્ફળ બની હતી.
‘તેમણે અમેરિકાનું કર્યું છે અપમાન’- ટ્રમ્પ, જોઇન્ટ પીસી પણ રદ
અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિ વચ્ચે યોજાયેલી આ બેઠક નક્કી થયેલા સમય કરતાં વહેલા જ પૂરી કરવી પડી હતી. કારણ કે, ઝેલેન્સ્કી ત્યાંથી રવાના થઈ ગયા હતા. આ સાથે જ બંનેની જોઇન્ટ પ્રેસ કૉન્ફરન્સ પણ રદ કરી દેવામાં આવી હતી. કારણ કે, ટ્રમ્પે ઝેલેન્સ્કી પર અમેરિકાના અપમાનનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક નિવેદન જારી કર્યું હતું. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, ઝેલેન્સ્કી અમેરિકી રાષ્ટ્રપતિ સાથે પોતાની બેઠકનો લાભ ઉઠાવવા માંગતા હતા, પરંતુ, અમેરિકા શાંતિ ઈચ્છે છે.
ટ્રમ્પે પોસ્ટ કરીને લખ્યું કે, “આજે વાઇટ હાઉસમાં અમારી ખૂબ સાર્થક બેઠક થઈ. ઘણું એવું શીખવા મળ્યું, જે આવી આગ અને દબાણમાં વાતચીત વગર શીખી ન શકાયું હોત. હું માનું છું કે, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી શાંતિ માટે તૈયાર નથી.” ટ્રમ્પે કહ્યું કે, ઝેલેન્સ્કી શાંતિ નહીં, પરંતુ અમેરિકાની મદદથી ફાયદો ઉઠાવવા માંગે છે. વધુમાં ઉમેર્યું કે, “મને ફાયદો નહીં, શાંતિ જોઈએ છે. ઝેલેન્સ્કીએ ઓવલ ઓફિસમાં અમેરિકાનું અપમાન કર્યું છે. જ્યારે તેઓ શાંતિ માટે તૈયાર હોય ત્યારે ફરી આવી શકે છે.”
ઇતિહાસમાં સંભવતઃ પ્રથમ વખત એવું બન્યું હશે કે રાષ્ટ્રાધ્યક્ષોની આવી મહત્વપૂર્ણ બેઠક આ રીતે ઉગ્ર ચર્ચામાં ફેરવાઈ હોય. સામાન્ય રીતે દ્વિપક્ષીય બેઠકો દરમિયાન દેશોના વડાઓ કેમેરા સામે સીમિત વાતો કરે છે અને મુદ્દાઓ પણ પહેલેથી નક્કી હોય છે. આ પ્રકારની બેઠકોમાં વડાપ્રધાનો કે રાષ્ટ્રપતિઓ ઔપચારિક વાતો જ કરતા હોય છે અને વધારે વિગતોમાં પડતા હોતા નથી. પરંતુ પરંપરાઓ અને શિરસ્તાઓ તોડવા માટે જાણીતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે દુનિયાભરના મીડિયાની સામે જ યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ધૂળ કાઢી હતી, જેમાં યોગદાન તેમના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પણ આપ્યું. જોકે ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં વાન્સે કહ્યું પણ હતું કે મીડિયા સામે હવે વધુ ન ખેંચવું જોઈએ, પરંતુ ટ્રમ્પે ટિપ્પણી કરતાં કહ્યું કે હું જાણું છું પરંતુ આ બાબતો બહાર આવે એ જરૂરી છે, એટલે મેં લાંબો સમય આ ચાલવા દીધું.