દ્વારકામાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા 5 મહિનાઓ બાદ ફરી એકવાર તાબળતોળ ડિમોલિશનની કામગીરી શરૂ થઇ છે. આજે આ ડિમોલિશન કાર્યવાહીનો પાંચમો દિવસ છે. આ પહેલાના 4 દિવસોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક સ્થળોએ આ બુલડોઝર એક્શન દ્વારા લાખો ચોરસમીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.
અહેવાલો મુજબ હવે આજે પાંચમા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ કલ્યાણપુરા તાલુકાના નાવદ્રા બંદર ખાતે ડિમોલિશનની કામગીરી શરૂ થઇ છે. નોંધનીય છે કે સમગ્ર દ્વારકા જિલ્લો દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. કારણ કે અહીંનો દરિયા કિનારો એ દેશની આંતરરાષ્ટ્રીય સીમા ગણાય છે.
Demolition work ongoing for 5 days in #Dwarka ; demolition work in Kalyanpura of #Dwarka after Harshad#Gujarat #TV9News pic.twitter.com/Eq3AO1Lr3E
— Tv9 Gujarati (@tv9gujarati) March 15, 2023
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત તારીખ 11 ના રોજ શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનમાં હર્ષદ ગાંધવી ખાતે તંત્રએ ચાર દિવસ બુલડોઝર ફેરવી, 11.09 લાખ ચોરસ ફુટ જગ્યાને ખુલ્લી કરી છે. ગઈકાલે, મંગળવારે, ચોથા દિવસે હર્ષદ વિસ્તારનું અનઅધિકૃત બાંધકામ મોટા ભાગે દૂર થઈ ચૂક્યું છે. ત્યારે હવે તંત્રએ દરિયાઈ પટ્ટીના અન્ય વિસ્તારોમાં ડિમોલિશન કરવા તરફ નજર દોડાવી છે.
4 દિવસ ચાલેલી કામગીરીમાં 215 રહેણાંક, 55 કોમર્શિયલ, પાંચ મઝહબી દબાણ દૂર કરાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેવન્યુ તંત્ર દ્વારા ચોક્કસ માપણી તેમજ લીગલ નોટિસ અપાયા બાદ ગેરકાયદેસર દબાણકર્તાઓના બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવાનું પ્લાનિંગ ગત શનિવારથી શરૂ થયા બાદ ગઇકાલે ચોથા દિવસમાં પ્રવેશ્યું હતું. હર્ષદ મંદિર નજીકની દરિયાઈ પટ્ટીના ભાગોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સુવ્યવસ્થિત આયોજન તેમજ રેવન્યુ તંત્રને સાથે રાખીને દરરોજ કોમર્શિયલ, રહેણાંક તેમજ કેટલાક ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા.
ગઈકાલે મંગળવારે ચોથા દિવસે એક ધાર્મિક અને એક રહેણાંક મળી કુલ 8,800 ફૂટના બે બિનઅધિકૃત બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. જેની અંદાજિત કિંમત 3.43 લાખ ગણવામાં આવી છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન તંત્ર દ્વારા કુલ 275 બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. જેમાં 215 રહેણાંક, 55 કોમર્શિયલ તથા પાંચ મઝહબી સ્થળોનો સમાવેશ થાય છે. આશરે 11.09 લાખ ચોરસ ફૂટ ખુલ્લી કરવામાં આવેલી આ સરકારી જગ્યાની કિંમત રૂ. 4.86 કરોડ આપવામાં આવી છે.
હર્ષદ વિસ્તારમાં હાલ અહીં ડિમોલીશન કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે સંભવિત રીતે નજીકના દરિયાઈ પટ્ટીના ગામો ભોગાત, નાવદ્રા વિગેરે ગામોમાં અનઅધિકૃત દબાણકર્તાઓને નોટિસ આપવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે હવે અહીં પણ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય તથા જિલ્લા પોલીસ ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ અહીં આવેલી પોલીસની કુમકના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દ્વારકાના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, કલ્યાણપુરના મામલતદાર દક્ષાબેન રિંડાણી વિગેરે દ્વારા ડીમોલિશનની કામગીરી પર બાજ નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા ચાર દિવસ દરમિયાન અહીં કોઈ પણ પ્રકારનું છમકલું થયું નથી. તંત્રની આ કડક હાથે કરવામાં આવેલી કામગીરીના કારણે નોટિસ મળ્યા બાદ દબાણકર્તાઓ સ્વૈચ્છિક રીતે પોતાના રહેણાંક વિગેરે ખાલી કરીને જતા રહે છે.
દરિયાઈ પટ્ટીના વિસ્તારોની સુરક્ષા સાથે દેશની સુરક્ષા-સલામતી માટે અનિવાર્ય ગણાતા આ ઓપરેશન ડિમોલિશનથી અસામાજિક તત્વો તેમજ દબાણકર્તા તત્વોમાં ફાફડાટની લાગણી પ્રસરી જવા પામી છે.