ડેનમાર્કના (Denmark) દક્ષિણપંથી નેતા (Right-wing leader) રાસ્મસ પલુદને તુર્કી દૂતાવાસની સામે કુરાન (Quran) સળગાવીને (Burn) વિરોધ પ્રદર્શન કર્યું છે. સ્વીડનમાં માર્યા ગયેલા ખ્રિસ્તી સલવાન મોમિકાની (Salwan Momika) હત્યાના વિરોધમાં તેમણે કુરાન સળગાવીને પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં જ સ્વીડનમાં સલવાન મોમિકાની હત્યા કરી નાખવામાં આવી હતી. પલુદને કુરાન બાળવાની આ ઘટનાને સલવાન મોમિકા પ્રત્યે શ્રદ્ધાંજલિ ગણાવી છે.
1 ફેબ્રુઆરી, 2025ના રોજ, રાસ્મસ પલુદન કુરાનની ઘણી નકલો સાથે કોપનહેગનમાં તુર્કી દૂતાવાસની સામે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે કુરાનની બધી પ્રતોને એક-એક કરીને સળગાવી નાખી હતી અને સલવાન મોમિકાના સમર્થનમાં નારા લગાવી ભાષણ આપ્યું હતું. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો પણ શેર કરવામાં આવ્યા છે.
Burning Quran in front of embassy of Tyrkey in Copenhagen just now at 12:38! pic.twitter.com/kGjb6qKcQH
— Rasmus Paludan 🇩🇰 (@RasmusPaludan) February 1, 2025
પલુદને કુરાન સળગાવ્યા બાદ કહ્યું હતું કે, “હું કોપનહેગનમાં તુર્કી દૂતાવાસમાં કેટલીક કુરાનની નકલો લઈને ઊભો છું. જેમ કે તમે જોઈ શકો છો, અહીં કુરાન પહેલાંથી જ સળગી રહ્યું છે. આ સલવાન મોમિકાના બલિદાન અને ઇસ્લામની તેમની ટીકાની યાદમાં છે… મને આ મોટા પુસ્તકને બાળવાનો ખરેખર ખૂબ આનંદ થયો.”
‘મુસ્લિમ અને ઇસ્લામ શાંતિથી રહી શકશે નહીં’
રાસ્મસ પલુદને કહ્યું કે, ઇસ્લામની ટીકા કરવાની સાથે તેઓ સલવાન મોમિકાના બલિદાનને પણ નમન કરી રહ્યા છે અને તે માટે તેઓ કુરાન સળગાવી રહ્યા છે. રાસ્મસ પલુદન પહેલાં પણ ઘણી વખત કુરાન સળગાવી ચૂક્યા છે. કેટલાક કેસમાં તેમને સજા પણ થઈ છે. પલુદનને ઇસ્લામિક કટ્ટરપંથીઓ તરફથી સતત ધમકીઓ મળી રહી છે.
રાસ્મસે વધુમાં કહ્યું હતું કે, “મુસ્લિમ અને ઇસ્લામ આપણા દેશોમાં ક્યારેય શાંતિથી રહી શકશે નહીં. તેથી, કાં તો તેઓ જ્યાંથી આવ્યા હતા, ત્યાં પરત જશે, અથવા આપણે દુઃખ સહન કરવું પડશે અને આપણો ધર્મ છોડી દેવો પડશે. આ એકમાત્ર વિકલ્પ છે અને તેઓ આપણને વાતોથી નહીં પણ હિંસાથી બદલશે.”
કુરાન સળગાવવાની આ ઘટના બાદ રાસ્મસ પલુદનના જીવન માટેનું જોખમ હજુ પણ વધી ગયું છે. 38 વર્ષીય રાસ્મસ પલુદન એક જમણેરી નેતા છે, જેમણે યુરોપમાં વધતા ઇસ્લામિક કટ્ટરવાદ અને ગેરકાયદેસર શરણાર્થીઓ સામે સતત અવાજ ઉઠાવ્યો છે. રાસ્મસ પલુદને રમઝાન દરમિયાન કુરાન સળગાવવાની પણ જાહેરાત કરી હતી.
તેમના પર બેલ્જિયમ અને સ્વીડનમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે ડેનમાર્કમાં ચૂંટણીમાં પણ ભાગ લીધો છે. જોકે, તેમની પાર્ટીને ઓછા મત મળ્યા હતા. તેમના કાર્યોને કારણે અનેક વખત રમખાણો પણ થયા છે. ઉલ્લેખનીય છે કે, 30 જાન્યુઆરીના રોજ સ્વીડનના સ્ટોકહોમમાં એક ફ્લેટની અંદર સલવાન મોમિકાની હત્યા કરવામાં આવી હતી. મોમિકા એક ઈરાની ખ્રિસ્તી હતા. તેમણે અનેક વખત ઇસ્લામી આતંકવાદ અને કટ્ટરતા વિરુદ્ધ કુરાન સળગાવીને પ્રદર્શન કર્યા હતા.