રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે (Delhi) હત્યાનો (Murder) એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક એક યુવતીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ તેના મૃતદેહને પથ્થરથી બાંધીને નહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. કોમલ નામની આ યુવતી 12 માર્ચથી ગુમ થઈ ગઈ હોવાનું નોંધાયું હતું. આ કેસમાં પોલીસે આસિફ નામના યુવકની ધરપકડ કરી છે, જે કોમલનો પરિચિત હતો.
અહેવાલો અનુસાર, 17 માર્ચના રોજ દિલ્હી ખાતેના છાવલા વિસ્તારમાં નહેરમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યા બાદલ આરોપી આસિફ નામના યુવકની ધરપકડ કરી છે. યુવતીની ઓળખ કોમલ તરીકે થઈ છે, જે સીમાપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના સુંદર નગરીની રહેવાસી છે. તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને તેના મૃતદેહને પથ્થરથી ઢાંકી દીધા પછી છાવલા નહેરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો
કોમલ 12 માર્ચથી તેના ઘરેથી ગુમ હતી. તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો કેસ નોંધાવ્યો હતો. આ જ દરમિયાન છાવલા નહેર પાસેથી પસાર થતા લોકોએ એક યુવતીનો મૃતદેહ પાણી પર તરતો જોયો. લોકોએ આ અંગે જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે મૃત યુવતી એ જ કોમલ હતી જેને પોલીસ શોધી રહી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે કોમલની હત્યા કરનાર આસિફ એક ટેક્સી ડ્રાઈવર છે અને કોમલનો જૂનો પરિચિત છે. 12 માર્ચે તેણે સીમાપુરી વિસ્તારમાંથી કોમલને તેની કારમાં બેસાડી હતી. આ જ દરમિયાન બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થતાં આસિફે કોમલનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. હત્યા બાદ આસિફે કોમલનો મૃતદેહને નહેરમાં ફેંકી દીધો હતો. આ હત્યામાં આસિફ સાથે અન્ય 2 લોકો પણ સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે.
5 દિવસ બાદ મળી લાશ
5 દિવસ સુધી લાશમાં પાણી ભરવાથી તે ફૂલી ગઈ અને પાણીની ઉપર તરવા લાગી હતી. 17 માર્ચે લોકોએ આ મૃતદેહ તરતો જોઈને પોલીસને જાણ કરતા આખી ઘટનાનો ઘસ્ફોટ થયો હતો. આ મામલે દ્વારકા જિલ્લા પોલીસે છાવલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી આસિફની ધરપકડ કરી છે, ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર પણ કબજે કરી છે. આસિફ સાથેના બીજા 2 લોકો કોણ હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.