દિલ્હી હાઇકોર્ટે 25 ઑગસ્ટે એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. જેમાં દિલ્હી યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગ્રેજ્યુએશન ડિગ્રીની વિગતો જાહેર કરવાનો આદેશ આપતા કેન્દ્રીય માહિતી આયોગના (CIC) આદેશને રદ કર્યો છે. આ નિર્ણયથી દિલ્હી યુનિવર્સિટીને મોટી રાહત મળી છે, જેના પર લાંબા સમયથી આ મુદ્દે દબાણ હતું.
આ મામલે ન્યાયાધીશ સચિન દત્તાની સિંગલ બેન્ચે સુનાવણી કરી હતી. તથા દિલ્હી યુનિવર્સિટીનો પક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘જાણવાનો અધિકાર’ કરતાં ‘ગોપનીયતાનો અધિકાર’ વધુ મહત્વપૂર્ણ છે. ત્યારે કોર્ટે કહ્યું કે ડિગ્રી અને ગુણ સહિત વ્યક્તિની શૈક્ષણિક લાયકાત સંબંધિત માહિતી RTI કાયદાની કલમ 8(1)(j) હેઠળ ‘વ્યક્તિગત માહિતી’ના દાયરામાં આવે છે.
હાઇકોર્ટે આપેલ ચુકાદો
હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ગોપનીયતાના અધિકાર અને જાહેર હિતના સંતુલન પર ભાર મૂક્યો હતો. કોર્ટનું કહેવું હતું કે વ્યક્તિગત શૈક્ષણિક દસ્તાવેજોની વિગતો જાહેર કરવી એ જાહેર હિતમાં નથી, ખાસ કરીને જ્યારે તેનાથી વ્યક્તિની ગોપનીયતા પર અસર થઈ શકે. દિલ્હી યુનિવર્સિટીએ CICના આદેશને પડકારતી અરજી કરી હતી. યુનિવર્સિટીએ દલીલ કરી હતી કે આવી માહિતી જાહેર કરવાથી શૈક્ષણિક સંસ્થાઓ પર બિનજરૂરી દબાણ આવે છે અને તે ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.
ચુકાદામાં ઉલ્લેખ છે કે વિદ્યાર્થીઓની ડિગ્રી, પરિણામો, માર્કશીટ વગેરેની વિગતો નિઃશંકપણે ‘વ્યક્તિગત માહિતી’ છે, જે RTI કાયદાની કલમ 8(1)(j) હેઠળ જાહેર કરવાથી ખાસ મુક્તિ આપવામાં આવી છે. બેન્ચે જણાવ્યું હતું કે યુનિવર્સિટી કાયદાઓની જોગવાઈઓ સૂચવે છે કે પરિણામ/માર્કશીટ વિદ્યાર્થીઓને જાહેર કરવામાં આવે, જાહેર જનતાને નહીં. આદેશમાં ઉલ્લેખ છે કે, “આ માળખું કોઈપણ તૃતીય પક્ષને ગુણ/ગ્રેડ જાહેર કરવાની મંજૂરી આપતું નથી.”
શું હતો સમગ્ર મામલો?
આ સુનાવણી દરમિયાન SG તુષાર મહેતાએ કહ્યું હતું કે યુનિવર્સિટી પીએમ મોદીની ડિગ્રી સંબંધિત તેના રેકોર્ડ કોર્ટને બતાવવા તૈયાર છે, પરંતુ RTI કાયદા હેઠળ ‘અજાણ્યાઓ દ્વારા ચકાસણી’ માટે તેનો ખુલાસો કરી શકતી નથી. આ અરજી નીરજ નામક વ્યક્તિએ વર્ષ 1978 એટલે કે જે વર્ષમાં PM મોદીએ બી.એની ડિગ્રી મેળવી છે, એ વર્ષની વિગતો જાહેર કરવા માંગ કરી હતી.
21 ડિસેમ્બર 2016ના રોજ સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશને 1978માં બી.એ પરીક્ષા પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓના રેકોર્ડની ચકાસણી કરવાની મંજૂરી આપી હતી. પરંતુ દિલ્હી યુનિવર્સિટીએ આ આદેશને પડકાર્યો હતો કે તે વિદ્યાર્થીઓની માહિતીને ગોપનીય રાખે છે અને કોઈને પણ જાહેર હિતના અભાવે ‘માત્ર જિજ્ઞાસા’ના આધારે RTI કાયદા હેઠળ ખાનગી માહિતી માંગવાનો અધિકાર નથી.
2017મા આદેશ પર મૂક્યો હતો સ્ટે
પરંતુ અગાઉ, RTI અરજદારના વકીલે CICના આદેશનો બચાવ કર્યો હતો કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ વ્યાપક જાહેર હિતમાં વડાપ્રધાનની શૈક્ષણિક માહિતી જાહેર કરવાની જોગવાઈ કરે છે. પરંતુ ગોપનીયતાના આધારે દિલ્હી હાઇકોર્ટે 23 જાન્યુઆરી, 2017ના રોજ CICના આદેશ પર સ્ટે મૂક્યો હતો. હવે હાઇકોર્ટે CICના આદેશને રદ કરી દીધો છે.
દિલ્હી યુનિવર્સિટીએ આ ચુકાદાને ‘ન્યાયની જીત’ ગણાવી છે. યુનિવર્સિટીનું કહેવું છે કે આવા આદેશો તેમની ગોપનીયતા નીતિઓ અને વિદ્યાર્થીઓના રેકોર્ડની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. યુનિવર્સિટીએ એમ પણ જણાવ્યું કે તેમણે પહેલાંથી જ વડાપ્રધાનની ડિગ્રીની સત્યતા સ્પષ્ટ કરી હતી અને વધુ વિગતો જાહેર કરવાની જરૂર નથી.


