Saturday, October 5, 2024
More
    હોમપેજગુજરાતડાકોર મંદિરના જે ‘પૂજારી’એ પ્રસાદની તપાસ કરવાની માંગ કરી હોવાનું મીડિયાએ ચલાવ્યું,...

    ડાકોર મંદિરના જે ‘પૂજારી’એ પ્રસાદની તપાસ કરવાની માંગ કરી હોવાનું મીડિયાએ ચલાવ્યું, તે નીકળ્યો ‘કોંગ્રેસનો લડાયક યોદ્ધા’: અમૂલે કાર્યવાહી શરૂ કરી તો કહ્યું- ઇરાદો કંપનીને બદનામ કરવાનો ન હતો

    સંશોધન દરમિયાન એક પોસ્ટ ધ્યાને આવી, જે દીપક સોલંકી નામના અન્ય એક કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવી છે. જેમાં આશિષ સેવકની તસવીર સાથે તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને તેમાં લખવામાં આવ્યું હતું, ‘ડાકોર કોંગ્રેસ સોશિયલ મીડિયાના લડાયક યોદ્ધા.’

    - Advertisement -

    તિરુપતિ મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીમાં ભેળસેળ હોવાનું ધ્યાને આવ્યા બાદ ડાકોર મંદિરના (Dakor Temple) એક ‘પૂજારી’એ મંદિરના પ્રસાદની તપાસ કરવાની માંગ કરી હોવાનું મીડિયામાં સામે આવ્યું હતું. આશિષ સેવક નામના આ વ્યક્તિએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસાદની તપાસ કરવા માટેની માંગ કરી હતી, જે મુદ્દો પછીથી મીડિયામાં પણ બહુ ચર્ચાયો. 

    2 દિવસ પહેલાં તેમણે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘જેવી રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ, તેવી જ રીતે ડાકોર મંદિરના પ્રસાદની તપાસ થવી જોઈએ.’ સાથે કૉમેન્ટ બોક્સમાં એક વિડીયો નાખવામાં આવ્યો હતો. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પછીથી તેમણે કહ્યું હતું કે, “લાડુ પ્રસાદમાંથી એક અલગ પ્રકારની સ્મેલ આવે છે. અગાઉનાં વર્ષોમાં આ લાડુના પ્રસાદમાં જામખંભાળિયાનું ઘી વાપરવામાં આવતું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય બ્રાન્ડ કંપનીનું ઘી વાપરવામાં આવે છે. આ લાડુના પ્રસાદની યોગ્ય તપાસ થવી જોઈએ અને સિમ્પલ FSLમાં મોકલવાં જોઈએ.” આગળ દાવો કર્યો કે, પહેલાં પ્રસાદ મહિનાઓ સુધી રહેતો હતો, પણ હવે ત્રણથી ચાર જ દિવસમાં તે દુર્ગંધ મારતો થઈ જાય છે. અગાઉ મેં બેઠકમાં મૌખિક રજૂઆત કરી હતી અને ફેસબુક પેજ પરથી પણ પોસ્ટ મૂકી છે.”

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સમાં આશિષ સેવકને ડાકોર મંદિરનો પૂજારી ગણાવીને જણાવવામાં આવ્યું કે તેણે પ્રસાદમાં તપાસની માંગ કરી છે.

    આરોપો મંદિરે જ નકાર્યા, કહ્યું- પુરાવા રજૂ કરવા જોઈએ  

    જોકે, આ આરોપો ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન પરેન્દુ ભગતે નકારી દીધા હતા અને જણાવ્યું હતું કે, આવું કશું જ નથી અને જે દાવા કરવામાં આવ્યા છે તેના પુરાવાઓ રજૂ કરવા જોઈએ. 

    પરેન્દુ ભગતે જણાવ્યું હતું કે, “ડાકોરમાં એક જ પ્રસાદ વાપરવામાં આવે છે અને ઘી પહેલેથી અમૂલનું જ વપરાય છે અને દરેક લોટ સાથે અમને સર્ટિફિકેટ પણ અપાય છે. દુર્ગંધની કોઈ વાત નથી. જેમણે આક્ષેપો કર્યા છે તેઓ પુરાવાઓ રજૂ કરી શકે છે.” 

    બીજી તરફ, મંદિરના સેવક ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજે પણ આશિષ સેવકના આરોપો ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, “અનેક ભક્તો અને સેવકો મંદિરનો પ્રસાદ ગ્રહણ કરે છે પણ આજ સુધી અમને ક્યારેય પ્રસાદ બગડ્યો હોવાની કે દુર્ગંધ મારતો હોવાની ફરિયાદ કોઈ ભક્તો પાસેથી મળી નથી.”

    અમૂલે શરૂ કરી કાયદેસર કાર્યવાહી 

    આરોપો વાયરલ થયા બાદ અમૂલ તરફથી આ બાબતે સ્પષ્ટતા કરીને આશિષ સેવક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. 

    26 સપ્ટેમ્બરે એક પ્રેસ રિલીઝમાં અમૂલે જણાવ્યું હતું કે, “અમે આક્ષેપોને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ગંભીરતાપૂર્વક જણાવીએ છીએ કે અમૂલ ઘીની ગુણવત્તા સામે ખોટા આક્ષેપો સહન નહીં કરી લેવાય, કારણકે આ 36 લાખ પશુપાલકોની વિશ્વની નંબર 1 ખાદ્ય બ્રાન્ડ છે, જેના પર સર્વેની જીવિકા આધારિત છે.”

    આગળ કહ્યું કે, “અમૂલ ઘી ફક્ત ગાય અને ભેંસના દૂધમાંથી જ બનાવવામાં આવે છે. તેમજ પ્રકિયા FSSAIના ધારાધોરણો અનુસાર હોય છે તેમજ ગ્રાહકોની સલામતી અમારી પ્રાથમિકતા છે અને અમૂલ  ઘી ભારત ઉપરાંત વિદેશોમાં પણ ખૂબ માંગ ધરાવે છે.”

    અમૂલના ચેરમેન જણાવ્યું કે, “આશિષ સેવકના આરોપો પાયાવિહોણા, તકવાદી અને સ્વાર્થરૂપી તેમજ અમૂલ બ્રાન્ડને બદનામ કરવા માટેના છે. હું ચેરમેન તરીકે આ આરોપો વખોડી કાઢું છું અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.”

    આશિષ સેવકે કહ્યું- મારો ઇરાદો કોઈ બ્રાન્ડને બદનામ કરવાનો ન હતો 

    અમૂલે કાર્યવાહી કર્યા બાદ આશિષ સેવકે પણ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી એક પ્રેસનોટ શૅર કરી હતી, જેમાં દાવો કર્યો હતો કે પોતાનો ઈરાદો કોઈ બ્રાન્ડ કે કંપનીને બદનામ કરવાનો ન હતો. 

    પ્રેસનોટમાં લખવામાં આવ્યું છે કે, “બે દિવસ પહેલા મેં મારા ફેસબુક અકાઉન્ટ ઉપર ડાકોર રણછોડરાયજી મંદિરમાં મળતી લાડુ પ્રસાદીની ચકાસણી કરવા માંગ કરી હતી. તાજેતરમાં તિરુપતિ મંદિરના પ્રસાદનો વિવાદ થયો તેને ધ્યાને રાખી દરેક હિંદુ મંદિરોમાં પ્રસાદ ચકાસણી અંગે વાત બહાર આવી હતી, તેજ સંદર્ભે મેં રણછોડરાયજી મંદિરમાં મળતી લાડુ પ્રસાદીની ચકાસણીની વાત કરી હતી. મારો કોઈ બ્રાન્ડ કે કંપનીને બદનામ કરવાનો ઇરાદો ન હતો અને ન છે.”

    આગળ તેણે કહ્યું કે, “મારા પર થયેલા વાયરલ મેસેજને હું વખોડું છું અને હજારોની સંખ્યામાં આવતા ભાવિક ભક્તોના હિત માટે પ્રસાદની ચકાસણી થાય તેવું હજુ પણ ઇચ્છું છું.”

    કોંગ્રેસનો નેતા છે આશિષ સેવક, મેઈનસ્ટ્રીમ મીડિયાને સંતાડવામાં કેમ રસ?

    અહીં આ વિવાદના સમાચાર આપતું મેઈનસ્ટ્રીમ મીડિયા બાકીની તમામ બાબતો જણાવી રહ્યું છે, પણ એ વાત ક્યાંય ચર્ચાય રહી નથી કે આ આશિષ સેવક વાસ્તવમાં કોંગ્રેસ નેતા છે. એટલું જ નહીં, સંગઠનમાં અમુક જવાબદારીઓ પણ મળી ચૂકી છે. આ વાત બીજે ક્યાંયથી નહીં પણ તેના ફેસબુક અકાઉન્ટ પરથી જ સાબિત થાય છે. 

    7 ફેબ્રુઆરી, 2024ના રોજ તેણે ફેસબુક અકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી હતી, જેમાં એક ફરફરિયું મૂકીને લખ્યું હતું, ‘ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભાર. ડાકોર શહેર પ્રમુખ નિમણૂક કરવા બદલ આભાર.’ 

    પોસ્ટમાં જે કાગળ જોડવામાં આવ્યો હતો, તેમાં આશિષ સેવકનું નામ ડાકોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે લખેલું જોવા મળે છે. 

    26 ઑક્ટોબર, 2022ના રોજ આશિષ સેવકે ફેસબુક પર નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા માટે એક પોસ્ટ મૂકી હતી, જેમાં પોતાની ઓળખ ‘ડાકોર શહેર કોંગ્રેસ સંગઠન મહામંત્રી’ તરીકે આપવામાં આવી છે. 

    આવા જ અન્ય એક પોસ્ટરમાં તસવીર સાથે પોતાની ઓળખ ‘સોશિયલ મીડિયા ઠાસરા તાલુકા કોંગ્રેસ’ના પ્રમુખ તરીકે આપવામાં આવી છે. 

    આ સિવાય સંશોધન દરમિયાન એક પોસ્ટ ધ્યાને આવી, જે દીપક સોલંકી નામના અન્ય એક કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવી છે. જેમાં આશિષ સેવકની તસવીર સાથે તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને તેમાં લખવામાં આવ્યું હતું, ‘ડાકોર કોંગ્રેસ સોશિયલ મીડિયાના લડાયક યોદ્ધા.’

    આ સિવાય આશિષ સેવકે પોતાના જે ફેસબુક અકાઉન્ટ પરથી આ વિવાદને જન્મ આપ્યો તે જ અકાઉન્ટ પરથી એવી અઢળક પોસ્ટ કરી હતી, જેમાં કાં તો ભાજપ સમર્થકોને અપશબ્દો કહેવામાં આવ્યા હોય અથવા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓને અભદ્ર રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા હોય. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં