ગુજરાતમાં (Gujarat) પાછલા કેટલાક સમયથી ખ્રિસ્તી (Christian Missionary) મિશનરીઓ દ્વારા કરાવવામાં આવતા ધર્માંતરણનું પ્રમાણ વધ્યું હતું. આ મિશનરીઓ મોટાભાગે અંતરિયાળ વિસ્તારના લોકોને નિશાનો બનાવતી હોય છે. ત્યારે આવી જ ઘટના ના પગલે ખિસ્તી ધર્મમાં ધર્માંતરણ (Conversion) કરનારા 4 પરિવારોની સમજાવટ બાદ ઘર વાપસી (Ghar Wapsi) કરાવવામાં આવી હતી. ગુજરાતના દાહોદમાં (Dahod) આવેલ ફતેપુરા ખાતે ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂકેલ પરિવારો ફરીથી વિધિવત રીતે હિંદુ (Hindu) ધર્મમાં પરત ફર્યા હતા.
અહેવાલો અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામમાં 4 પરિવારોમાં સતત નાની મોટી બીમારી ચાલુ રહેતી હતી. ત્યારે બીમારીમાંથી સાજા થવા માટે આ પરિવારના સભ્યોએ હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. આ પરિવારોમાંથી એક પરિવારનો સભ્ય અસ્થિર મગજનો હતો. તેથી તેને સાજો કરવા માટે થઈને તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.
નોંધનીય છે કે ગુજરાત તથા દેશના અંતરિયાળ વિસ્તારોમાં જઈને ખ્રિસ્તી મિશનરીઓ ગરીબ તથા આદિવાસી સમુદાયના લોકોને લોભ, લાલચમાં ભોળવીને ધર્માંતરણ કરાવતા હોવાના ઘણા મામલા સામે આવતા હોય છે. ત્યારે આ પરિવારો સાથે પણ આવી જ ઘટના બની હતી. તેમણે પણ બીમારીમાંથી સાજા થવા માટે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.
‘પ્રાર્થના કરતા તોય શાંતિ મળતી નહોતી’
ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કર્યા બાદ તેઓ પ્રાર્થનામાં અને વિવિધ મીટીંગોમાં પણ જતા હતા. જોકે તેમની બીમારીઓ દૂર થઇ નહોતી, તથા અસ્થિર મગજના વ્યક્તિમાં પણ કોઈ સુધાર આવ્યો નહોતો. તેથી તેમના મનને પણ શાંતિ મળતી નહોતી. ત્યારે આ પરિવારોને પરત હિંદુ ધર્મમાં લાવવા માટે ઘણા સમયથી સ્થાનિક લોકો વાતચીત કરી રહ્યા હતા. આખરે તેમને સફળતા મળી હતી.
ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પારગી તેમજ આસપાસના મંદિરોના પૂજારીઓની સમજાવટથી આ પરિવારોને ફરીથી હિંદુ ધર્મમાં લાવવામાં સફળતા મળી હતી. નોંધનીય છે કે આ પરિવારોને વાસ્તવિકતાની જાણ તથા તેમણે નાતાલની પણ ઉજવણી કરી નહોતી. ત્યારે 26 ડિસેમ્બરે ગામમાં જ આવેલા માતાજીના મંદિરમાં યજ્ઞ, ભજન સહિતની વિધિ કરીને તથા શાલ ઓઢાડીને તેમનું હિંદુ ધર્મમાં પુન: સ્વાગત કરવામાં આવ્યુ હતું.
દાહોદમાં ઘર વાપસી કરનાર નાહટાભાઈ બજીયાભાઈ પારગીએ જણાવ્યું હતું કે, “શાંતિ જ મળતી નહોતી, એટલે પાછા આવી ગયા. બધા પરિવાર બીમારીના ઇલાજ માટે ખ્રિસ્તી ધર્મમાં ગયા હતાં. મારો દીકરો બેમગજ હોવાથી તેના ઇલાજ માટે હું અને મારા પરિવારના 9 સભ્યો ખ્રિસ્તી બન્યા હતાં. છોકરો પુરેપુરો સારો થયો નથી અમને બધા સમજાવા આવ્યા હતા. ત્યાં શાંતિ મળતી નહોતી એટલે એમે બધા પાછા હિંદુ ધર્મમાં આવી ગયા છીએ.”
હજી 10 પરિવારોની સમજાવટ ચાલુ
દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ પારગીએ જણાવ્યું હતું કે, મારી સાથે બાબુભાઇ પારગી મહારાજ, નરસિંગ મહારાજ સહિતના લોકોએ હિંદુ ધર્મમાં રહેવાની અને સંકૃતિ અપનાવવી પડે તેવી સમજાવટ કરી હતી. ઘર વાપસી માટે તેઓ માની ગયા હોવાથી કાલે નાતાલ પણ ઉજવ્યો ન હતો. આવા ધર્મ પરિવર્તન કરનારા દસેક પરિવારોની અમારા દ્વારા હિંદુ ધર્મ પુન: અપનાવી લેવા માટે સમજાવટ ચાલી રહી છે જેમણે બીમારીમાંથી સાજા થવા માટે પાંચેક વર્ષ પહેલાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.