Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અવસાન: અમદાવાદથી પરત ફરતી વખતે કારને...

    ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અવસાન: અમદાવાદથી પરત ફરતી વખતે કારને નડ્યો અકસ્માત

    સાયરસ મિસ્ત્રી અમદાવાદથી રોડમાર્ગે મુંબઈ પરત ફરી રહ્યા હતા ત્યારે પાલઘર પાસે તેમની કારને અકસ્માત નડ્યો હતો.

    - Advertisement -

    ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. તેઓ અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા, તે દરમિયાન પાલઘર નજીક અકસ્માત થયો હતો. પાલઘર પોલીસે આ બાબતની પુષ્ટિ કરી છે. 

    પાલઘર જિલ્લા પોલીસ વડાએ આ બાબતની જાણકારી આપતાં કહ્યું કે, તેઓ આજે સવારે અમદાવાદથી મુંબઈ તરફ આવી રહ્યા હતા, ત્યારે અકસ્માત થયો હતો. તેઓ તેમની મર્સીડીઝ કારમાં યાત્રા કરી રહ્યા હતા. અકસ્માત બાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર શરૂ કરવામાં આવે તે પહેલાં જ તેમણે દમ તોડી દીધો હતો. 

    કારમાં કુલ ચાર લોકો યાત્રા કરી રહ્યા હતા. જેમાંથી સાયરસ મિસ્ત્રી સહિત બે લોકો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે બે વ્યક્તિઓની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કારનો અકસ્માત ડિવાઈડર સાથે અથડાવાના કારણે થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

    - Advertisement -

    પાલઘરના જિલ્લા પોલીસવડા બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે, અકસ્માત રવિવારે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ-મુંબઈ હાઈ-વે ઉપર સૂર્યા નદી પરના પુલ પાસે થયો હતો. કાર મર્સીડીઝ કંપનીની હતી. બે વ્યક્તિઓને ઇજા થઇ હતી, જ્યારે બે મૃત્યુ પામ્યા છે. હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે.

    સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન રહી ચૂક્યા છે. ડિસેમ્બર 2012માં રત્ન ટાટાએ ચેરમેન પદેથી રાજીનામું આપ્યા બાદ મિસ્ત્રીને પદ સોંપવામાં આવ્યું હતું.  જોકે, ચાર વર્ષ બાદ ટાટાએ તેમને પદ પરથી હટાવી દીધા હતા. જે બાદ 12 જાન્યુઆરી 2017ના રોજ એન ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. 

    ટાટા સન્સ અને સાયરસ મિસ્ત્રી વચ્ચેનો વિવાદ પણ જાણીતો છે. ટાટા સન્સનું કહેવું હતું કે મિસ્ત્રીની કામકાજ કરવાની શૈલી કંપની સાથે મેળ ખાતી ન હતી. એ જ કારણે બોર્ડના સભ્યોનો તેમની ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. સાયરસ મિસ્ત્રી ટાટા જૂથના છઠ્ઠા ચેરમેન હતા. આજે અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું અવસાન થયું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં